गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः । क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः ।।२०१।।
અને વળી બ્રહ્મચારી અને સાધુ પુરુષો હોય તેમણે, કોઇ કુબુદ્ધિવાળા દુષ્ટ પુરુષો પોતાને ગાળો દે, તથા મારે, તો એ સહન કરવું, પણ તેને સામી ગાળ દેવી નહિ, અને મારવો નહિ, અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભુડું થાય એવો તો સંકલ્પ પણ કરવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- બ્રહ્મચારી અને સાધુપુરુષોએ એકાંતિક ભગવાનના ભક્તોનું માહાત્મ્ય તેને નહિ જાણનારા એવા દુર્જનો પોતાનો વાણીથી તિરસ્કાર કરે, લપાટ લગાવી લે, તો એ સહન કરી લેવું, પણ તેના ઉપર સામો ક્રોધ કરવો નહિ. અને જો ક્રોધ કરે તો સાધુ ધર્મમાં ક્ષતિ, અર્થાત્ ઉણપ આવે છે. ''क्षमाशीला हि साधवः'' ।। इति ।। કારણ કે ક્ષમા રાખવી એ જ સાધુનો મુખ્ય ધર્મ કહેલો છે.
કોઇ ગાળો દે, મારે, છતાં બધું સહન કરી લેવું, એતો બહુ જ કઠણ કામ છે. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. तथा।रिभि र्न व्यथते शिलीमुखैः शेते।र्दिताङ्गो हृदयेन दूयता । स्वानां यथा वक्रधियां दुरुक्तिभिर्दिवानिशं तृप्यति मर्मताडितः ।। इति ।। ભાગવતમાં શંકરે કહેલું છે કે- તિરસ્કારના વચનરૂપી બાણોથી જેનું મર્મ સ્થળ ભેદાઇ ગયું છે, એવો પુરુષ રાત્રી દિવસ જેવી પીડાને પામે છે, તેવી પીડાને તો શત્રુઓના તીક્ષ્ણ બાણોથી મર્મ સ્થળ છેદાઇ ગયું હોય છતાં પણ પામતો નથી. અર્થાત્ તિરસ્કારના વચનરૂપી બાણો સહન કરવાં અતિ કઠીન છે. અને વળી ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે- હે ઉદ્ધવ ! મર્મ સ્થળને વીંધીનાખીને અત્યંત અંદર ઉતરી ગયેલાં એવાં લોખંડના બાણો વડે પુરુષ વીંધાઇ ગયો હોય, છતાં તેવી પીડાને પામતો નથી કે જેવી તિરસ્કારના વચનરૂપી બાણોથી પીડાને પામે છે. અર્થાત્ બાણોના ઘા રુઝાઇ શકે છે, પણ તિરસ્કાર રૂપી વચનોના ઘા કદીપણ રૂઝાઇ શકતા નથી. માટે તિરસ્કારનાં વચનો સહન કરવાં અતિ કઠણ છે. અને જે સહન કરી શકે છે, તેને મહાન સાધુપુરુષો કહેલા છે. ભાગવતમાં કથા છે કે, ચિત્રકેતુ રાજાને રાજ્યમાં વૈરાગ્ય થવાથી પોતાની કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને ચાલી નીકળેલા હતા. પાતાળમાં શેષજી પાસેથી જ્ઞાન મેળવીને કૈલાસમાં શંકરની સભામાં આવીને બેઠા. તે સમયે શંકરે પાર્વતીજીને ખોળામાં બેસાડેલાં હતાં. એ જોઇને ચિત્રકેતુ રાજાના મનમાં સંકલ્પ થયો કે, મેં કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી દીધો, પણ આ શંકર તો એક સ્ત્રીને પણ છોડી શકતા નથી. ખોળામાં બેસાડીને બેઠા છે. શંકર તો ચિત્રકેતુનું માહાત્મ્ય જાણતા હતા, તેથી કાંઇપણ બોલ્યા નહિ, પણ પાર્વતીએ શાપ આપી દીધો કે આવા ઇશ્વરમૂર્તિ શંકર ઉપર દોષની કલ્પના કરે છે, જા અસુર થઇ જા. આ રીતે જ્યારે પાર્વતીએ શાપ આપ્યો ત્યારે ભગવાનના પરમ ભક્ત ચિત્રકેતુ રાજા પણ પાર્વતી દેવીને શાપ આપવા સમર્થ હતા, છતાં પણ શાપને મસ્તક વડે ગ્રહણ કરી લીધો, આજ સાધુલક્ષણ કહેલું છે કે- સમર્થ હોવા છતાં ઝરણા કરી લેવી. અને તેનું ભુંડુ થાય એવો સંકલ્પ પણ કરવો નહિ. असन्मानात्तपोवृध्धिः सन्मानात्तु तपःक्षयः ।। इति ।। આ સ્મૃતિ વાક્યમાં પ્રતિપાદન કરેલું છે કે તિરસ્કારને સહન કરવાથી તપની વૃધ્ધિ થાય છે, અને સન્માનથી તપનો નાશ થાય છે. અને વળી મનુસ્મૃતિમાં કહેલું છે કે તિરસ્કારને સહન કરનારો પુરૂષ સુખપૂર્વક સૂવે છે, જાગે છે અને સુખપૂર્વક હરે ફરે છે, પણ તિરસ્કારને કરનારો છે તે નાશ પામી જાય છે. અને વળી જ્ઞાનાંકુશને વિષે તો નિંદાને જ્ઞાનીપુરુષોનું એક આભૂષણ કહેલું છે, मन्निन्दया यदि जनः परितोषमेति नन्वप्रयत्नसुलभो।यमनुग्रहो मे । श्रेयार्थिनो हि पुरुषाः परितुष्टिहेतोर्दुखार्जितान्यपि धनानि परित्यजन्ति ।। इति ।।
આ વાક્યમાં પ્રતિપાદન કરેલું છે કે જ્ઞાનીપુરુષો પોતે એવું માને છે, જો કોઇ મનુષ્ય મારી કેવળ નિંદા કરવાથી રાજી થઇ જતો હોય, તો પ્રયત્ન વિનાનો અને સહેલામાં સહેલો એ મારા ઉપર અનુગ્રહ છે. કારણ કે કલ્યાણને ઇચ્છનારા પુરુષો બીજાને રાજી કરવા માટે દુઃખે કરીને સંપાદન કરેલા ધનનો પણ ત્યાગ કરી દે છે. આ તો મને ધન તો આપવું પડતું નથી, અને ધન આપ્યા વિના કેવળ મારી નિંદા કરવાથી જો કોઇ મનુષ્ય મારા ઉપર પ્રસન્ન થઇ જતો હોય તો મારી રૂબરૂમાં અથવા મારી ગેરહાજરીમાં ઇચ્છાનુસાર મારી નિંદા કરો, કારણ કે દુઃખથી ભરેલા આ સંસારમાં પ્રસન્નતા મેળવવી એજ અતિ દુર્લભ છે, આ રીતે જ્ઞાનાંકુશને વિષે નિંદા એ જ્ઞાનીપુરુષોનું આભૂષણ કહેલું છે. માટે બ્રહ્મચારી અને સાધુપુરુષો હોય તેમણે પણ દુર્જનોએ કરેલા ઉપદ્રવને સહન કરી લેવા, અને પોતાના શત્રુનું પણ હમેશાં હિત ચિંતવવું પણ તેનું ભુંડુ થાય એવો મનમાં સંકલ્પ પણ કરવો નહિ. આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૨૦૧।।