શ્લોક ૨૦૦

स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् । निश्छद्म वर्तितव्यं च साधूनामग्रतः सदा ।।२००।।


અને વળી નૈષ્ઠિકબ્રહ્મચારીઓ તથા સાધુપુરુષો હોય તેમણે, રોગાદિક આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર સુવું નહિ, અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- રોગાદિક આપત્કાળ પડયા વિના સાધુ અને બ્રહ્મચારીઓએ ખાટલા ઉપર શયન કરવું નહિ. આપત્કાળમાં તો દોષ નથી, કારણ કે ધર્મનું પાલન પણ દેહની રક્ષાને અનુસારે છે. શરીર બરાબર હોય તો જ ધર્મનું પાલન યથાર્થ કરી શકાય છે. ''खट्वायां शयनं ब्रह्मचर्याख्यव्रतभङ्गकृत्'' ।। इति ।। ખાટલા ઉપર જે શયન છે, તે બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરનારું છે. માટે આપત્કાળ સિવાય ખાટલા ઉપર સુવું નહિ. અને વળી સાધુલક્ષણે સંપન્ન કોઇપણ ભગવાનના ભક્ત હોય, તેની આગળ હમેશાં નિષ્કપટ ભાવથી વર્તન કરવું. ''अनुजीविजनैः क्वापि छद्म कार्यं न राजनि । गुरौ शिष्यैर्धवे स्त्रीभिः सर्वैसत्सुः तथेश्वरे'' ।। इति ।। સનત્કુમારસંહિતાની અંદર કહેલું છે કે, જે કર્મચારી વર્ગ હોય, તેમણે રાજાની આગળ કપટ કરવું નહિ. શિષ્યોએ ગુરૂની આગળ કપટ કરવું નહિ. સ્ત્રીઓએ પોતાના પતિની આગળ કપટ કરવું નહિ. અને સાધુ તથા ઇશ્વરની આગળ કોઇએ પણ કપટ કરવું નહિ. આ પ્રમાણે કહેલું છે. માટે સાધુ અને બ્રહ્મચારીઓએ સાધુની આગળ અને ભગવાનની આગળ હમેશાં નિષ્કપટ ભાવથી વર્તવું, આવો ભાવ છે. ।।૨૦૦।।