શ્લોક ૧૯૯

दिवास्वापो न कर्तव्यो रोगाद्यापदमन्तरा । ग्राम्यवार्ता न कार्या च न श्रव्या बुद्धिपूर्वकम् ।।१९९।।


અને વળી નૈષ્ઠિકબ્રહ્મચારી અને સાધુપુરુષો હોય તેમણે, રોગાદિક આપત્કાળ વિના દિવસે સુવું નહિ. તથા ગ્રામ્ય વાર્તા કરવી નહિ, અને જાણીને સાંભળવી નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- રોગાદિક આપત્કાળ સિવાય દિવસની નિદ્રા કરવી નહિ. મહાભારતમાં ભીષ્મપિતામહે કહેલું છે કે- ''निष्कल्मपं ब्रह्मचर्यमिच्छता चरितुं दिवा । निद्रा सर्वात्मना त्याज्या स्वप्नदोषानवेक्षता'' ।। इति ।। નિષ્પાપ બ્રહ્મચર્યનું પાલન કરવાને ઇચ્છતા એવા બ્રહ્મચારીએ દિવસની નિદ્રાનો ત્યાગ કરી દેવો. સનત્કુમારસંહિતાને વિષે પણ પ્રતિપાદન કરેલું છે કે દિવસની નિદ્રા કરવાથી બ્રહ્મચારીના બ્રહ્મચર્યવ્રતનો નાશ થઇ જાય છે. માટે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે વિશેષે કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, અને વળી નિર્ણય સિન્ધુને વિષે અત્રિઋષિએ પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્મચારીઓને માટે દિવસની નિદ્રા પતનરૂપ છે. અને વળી દક્ષે પણ કહેલું છે કે બ્રહ્મચારીઓને માટે દિવસની નિદ્રા બંધન કરનારી છે. વિશ્વેશ્વરપદ્ધતિને વિષે દિવસની નિદ્રાને પતનરૂપ કહેલી છે. આ રીતે બ્રહ્મચારીઓને સર્વે પ્રકારે દિવસની નિદ્રા ત્યાગ કરવા યોગ્ય છે. દિવસની નિદ્રા ગૃહસ્થોએ પણ ત્યાગ કરી દેવી. મહાભારતની અંદર ગૃહસ્થના ધર્મોમાં વ્યાસે કહેલું છે કે ગૃહસ્થોએ દિવસની નિદ્રા ક્યારેય પણ કરવી નહિ. પૂર્વ રાત્રીને વિષે અને પાછલી રાત્રીને વિષે નિદ્રા કરવી નહિ. સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે નિદ્રા કરવી નહિ. અને ઋતુકાળ વિના સ્ત્રીનો સંગ કરવો નહિ. આ રીતે દિવસની નિદ્રા ગૃહસ્થોને માટે પણ નિષેધ કરેલી છે. અને વળી મહાભારતમાં કહેલું છે કે- ''अनायुष्यं दिवा स्वप्नं तथा।भ्युदयशायिता'' ।। इति ।। દિવસની નિદ્રા અને સૂર્યોદય સમયે નિદ્રા આયુષ્યને નાશ કરનારી કહેલી છે. માટે બ્રહ્મચારીઓ હોય, સાધુપુરુષો હોય કે ગૃહસ્થો હોય, કોઇએ પણ દિવસની નિદ્રા કરવી નહિ. કારણ કે દિવસની અધિક નિદ્રા કરવાથી કફ થાય છે, અને કફથી ખાંસી થાય છે, અને ખાંસીથી ક્ષયરોગ થાય છે. આ રીતે માધવનિદાનને વિષે પ્રતિપાદન કરેલું છે. માટે કોઇએ દિવસની નિદ્રા કરવી નહિ. અને વળી બુદ્ધિપૂર્વક ભગવાન અને ભગવાનના ભક્ત સિવાયની ગ્રામ્યવાર્તા કરવી નહિ. અને સાંભળવી પણ નહિ. नूनं दैवेन निहता ये चाच्युतकथासुधाम् । हित्वा शृण्वन्त्यसग्दाथाः पुरीषमिव विड्भुजः ।। આ ભાગવતના વાક્યમાં કપિલ ભગવાને માતા દેવહૂતિ પ્રત્યે કહેલું છે કે, હે માતાજી ! ભગવાન અને ભગવાનના ભક્ત સિવાયની જે ગ્રામ્યવાર્તા છે, એ ગ્રામ્ય વાર્તા વિષ્ટાનું ભક્ષણ કરનાર એવું જે ભુંડ, તેની પણ જે વિષ્ટા તેની સમાન કહેલી છે. માટે ભુંડના વિષ્ટાની સમાન એવી જે ગ્રામ્યવાર્તા તેને જે પુરૂષો સાંભળે છે, તે પુરૂષો ખરેખર નિર્ભાગી છે,ઔવિષ્ણુધર્મમાં કહેલું છે કે- ''श्रवणं ग्राम्यवार्तायाः कीर्तनं चापि बन्धकृत्'' ।। इति ।। ગ્રામ્યવાર્તાનું શ્રવણ અને કીર્તન આ બન્ને બંધન કરનારાં છે. માટે બ્રહ્મચારી હોય, સાધુ હોય કે ગૃહસ્થ હોય કોઇએ પણ ગ્રામ્યવાર્તા કરવી નહિ અને સાંભળવી પણ નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૯૯।।