संस्कारेषु न भोक्तव्यं गर्भाधानमुखेषु तैः । प्रेतश्राद्धेषु सर्वेषु श्राद्धे च द्वादशाहिके ।।१९८।।
અને વળી બ્રહ્મચારીઓએ તથા સાધુપુરુષોએ ગર્ભાધાનાદિક સંસ્કારોને વિષે જમવું નહિ. તથા એકાદશાહ પર્યંતનાં જે પ્રેતશ્રાદ્ધો તેમને વિષે જમવું નહિ, તથા દ્વાદશાહ શ્રાદ્ધમાં પણ જમવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- બ્રહ્મચારીઓએ અને સાધુપુરુષોએ સંસ્કારોને વિષે જમવું નહિ, અર્થાત્ ગર્ભાધાનાદિક સંસ્કારોમાં કોઇએ બ્રહ્મભોજન કરાવેલું હોય, અને તેમાં પોતાને પણ આમંત્રણ આપેલું હોય, છતાં ત્યાં ભોજન કરવું નહિ. તથા પ્રેતને ઉદેશીને કરાયેલાં શ્રાદ્ધોમાં પણ જમવું નહિ. આ બાબતમાં મત્સ્યપુરાણનું વાક્ય પ્રમાણરૂપ છે- ''संस्कारेषु न भुञ्जीत प्रेतश्राद्धेषु च व्रती'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- વ્રતી હોય તેમણે, અર્થાત્ બ્રહ્મચારીઓએ અને સાધુપુરુષોએ ગર્ભાધાનાદિક સંસ્કારોને વિષે અને કોઇપણ શ્રાદ્ધને વિષે જમવું નહિ. અને જો જમે તો પ્રાયશ્ચિત્તનો અધિકારી થાય છે. ।।૧૯૮।।