હવે સાધુ અને બ્રહ્મચારીના મિશ્રધર્મો કહે છે.
वर्णिभिः साधुभिश्चैतैर्वर्जनीयं प्रयत्नतः । ताम्बुलस्याहिफेनस्य तमालादेश्च भक्षणम् ।।१९।।
અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓ તથા સાધુપુરુષો હોય તેમણે તાંબુલ, અફીણ તથા તમાકુ ઇત્યાદિકનાં ભક્ષણનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- નૈષ્ઠિક બ્રહ્મચારીઓ અને સાધુપુરુષો હોય તેમણે તાંબૂલ એટલે નાગરવેલનું પાન, અફીણ, તમાકુ, આદિક કેફ કરનારી કોઇપણ વસ્તુનું ભક્ષણ કરવું નહિ. ''ताम्बूला।भ्यञ्जनं चैव कांस्यपात्रे च भोजनम् । यतिश्च ब्रह्मचारी च विधवा च विवर्जयेत्'' ।। इति ।। આ શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે કે, સાધુ બ્રહ્મચારી અને વિધવા સ્ત્રીઓએ પાનબીડાંનું ભક્ષણ કરવું નહિ. તથા આંખે આંજણ આંજવું નહિ. અને કાંસાના પાત્રમાં ભોજન કરવું નહિ. આ રીતે નિષેધ કરેલો છે. અને વળી - मधु मांसं मादकं च लशुनादि तथा।शुचि । अशोधितं भूरिरसम् इन्द्रियक्षोभकं तथा ।। भावदुष्टं क्रियादुष्टं विष्णवे चानिवेदितम् । घृतव्रतः पुमान् स्त्री वा भक्षयेन्न कदाचन ।। इति ।। આ બ્રહ્મવૈવર્ત પુરાણના શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે બ્રહ્મચારી અથવા સાધુપુરૂષો હોય તેમણે મદ્ય, માંસ, કેફ કરનારી કોઇપણ વસ્તુ, ડુંગળી, લસણ, સાફ કર્યા વિનાની કોઇપણ વસ્તુ, ઘણા રસથી યુક્ત એવી વસ્તુ, અને ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારી કોઇ વસ્તુ હોય તેનું પણ ભક્ષણ કરવું નહિ, અને વળી વિષ્ણુ ભગવાનને નિવેદન કર્યા વિનાની વસ્તુનું પણ ભક્ષણ કરવું નહિ, આવો ભાવ છે. ।।૧૯૭।।