आर्षभो भरतः पूर्वं जडविप्रो यथा भुवि । अवर्ततात्र परमहंसैर्वृत्यं तथैव तैः ।।१९६।।
અને વળી મારા આશ્રિત પરમહંસ એવા જે સાધુપુરુષો હોય તેમણે, પૂર્વે ઋષભદેવના પુત્ર ભરતજી આ પૃથ્વી ઉપર જડબ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમ વર્તવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- પૂર્વજન્મમાં ઋષભદેવના પુત્ર ભરત નામના રાજર્ષિ ત્રીજા જન્મમાં જડ વિપ્ર થઇને આ પૃથ્વી ઉપર જેવી રીતે વર્તતા હતા, તેવી જ રીતે પરમહંસ એવા સાધુપુરુષો હોય તેમણે વર્તવું. જો કે પરમહંસ ખરી રીતે ભગવાનનો વાચક શબ્દ છે, છતાં ત્યાગી સાધુ ભગવાનની ઉપાસના કરનારા છે. તેથી ભગવાનના સંબન્ધને લઇને ત્યાગી સાધુને પણ પરમહંસ શબ્દથી કહેલા છે. આવા પરમહંસો લોક અને શાસ્ત્રમાં બે પ્રકારના પ્રસિદ્ધ છે- એક અલિંગ પરમહંસો અને બીજા અવધુતલિંગ પરમહંસો, તેમાં અલિંગ પરમહંસો શુકદેવજી આદિકની પેઠે મોટે ભાગે દિગંબર હોય છે. અને અવધૂતલિંગ પરમહંસો જડભરતજી, શ્રીદામા આદિકની પેઠે વલ્કલાદિકનાં ફાટેલાં તુટેલાં વસ્ત્રો ધારણ કરનારા હોય છે. શ્રીદામા અવધૂતલિંગ પરમહંસ હતા, ભાગવતમાં શ્રીદામાને અવધૂત શબ્દથી સંબોધેલા છે. એક વખત શ્રીદામાને અતિ દરિદ્રપણું આવેલું હતું, પેટમાં ખાવા અન્ન પણ કાંઇ મળે નહિ, પહેરવા વસ્ત્ર પણ મળે નહિ. તેથી એક વખતે તેનાં પત્નીએ શ્રીદામાને કહ્યું કે- હે પતિદેવ ! તમે જ્યારે ભણતા હતા, ત્યારે તમારા મિત્ર શ્રીકૃષ્ણની સાથે તમો રહેલા હતા. એ શ્રીકૃષ્ણ અત્યારે તો દ્વારિકાના રાજા થઇને બેઠા છે. માટે તેની પાસે તમે જાવ, એ તમને કાંઇ થોડું ઘણું અન્ન આપશે. શ્રીદામાને જવાની ઇચ્છા તો ન હતી, પરંતુ પત્નીના બહુ આગ્રહથી જવાની તૈયારી કરી, અને પત્નીએ શ્રીકૃષ્ણને ભેટ અર્પણ કરવા માટે ઘરમાં તો કાંઇ વસ્તુ ન હતી, તેથી આડોસ પાડોસથી બે ત્રણ મુઠી જેટલા તાંદુલ લાવીને એક ફાટેલા વસ્ત્રમાં બાંધી આપ્યા. તે લઇને શ્રીદામા દ્વારિકા પહોંચ્યા છે. ''अन्तःपुरजनो दृष्ट्वा कृष्णेनामलकीर्तिना । विस्मितो।भूत् अतिप्रीत्या।वधूतं सभाजितम् ।। किमनेन कृतं पुण्यमवधूतेन भिक्षुणा'' ।। इति ।। દ્વારિકાની અંદર અંતઃપુરમાં ભગવાન શ્રીકૃષ્ણે અવધૂત એવા શ્રીદામાનું પ્રેમથી સન્માન કરેલું છે. અને શ્રીદામાનો હસ્ત પકડીને પોતાના સિંહાસન ઉપર બેસાડેલા છે. તે સમયે અંતઃપુરના જનો આ જોઇને આશ્ચર્ય પામી ગયા કે આ અવધૂત ભિક્ષુએ એવાં શું પુણ્ય કર્યાં હશે ? કે જેથી સાક્ષાત્ શ્રીકૃષ્ણે તેનું સન્માન કર્યું. અહીં શ્રીદામાને અવધૂત ભિક્ષુ તરીકે સંબોધેલા છે માટે શ્રીદામાને અવધૂતલિંગ પરમહંસ કહેલા છે.
અને વળી જડ ભરતનો પણ ભાગવતની અંદર અવધૂત વેષ પ્રતિપાદન કરેલો છે. ''कुपटावृतकटिरुपवीतेनोरुमषिणा द्विजातिरिति ब्रह्मबन्धुरिति संज्ञाया।तज्ज्ञाजनावमतो विचचार'' ।। इति ।। જડભરત માન અપમાનથી રહિત હતા, સ્નાન પણ ક્યારેય કરતા ન હતા, તેથી તેના શરીર ઉપર મેલ જામી ગયો હતો. અને રાખથી ઢંકાયેલા અગ્નિની પેઠે તેનું બ્રહ્મતેજ ઢંકાઇ ગયું હતું. મલિન એક વસ્ત્રથી કેડને ઢાંકેલી હતી, અને તેની યજ્ઞાોપવીત પણ અતિ કાળી પડી ગયેલી હતી. તેથી અજ્ઞાની મનુષ્યો, ''આ કોઇ તુચ્છ બ્રાહ્મણ છે,'' એમ માનીને તેનો તિરસ્કાર કરતા હતા, પરંતુ જડભરત તો તેની પરવા નહિં કરીને ઇચ્છાનુસાર વિચરણ કરતા હતા. અને જેવું તેવું અન્ન અમૃતની સમાન માનીને જમી જતા હતા. આ રીતે માન અપમાનથી રહિત થઇને વિચરતા હતા. તે સમયમાં એકવાર સૌવીર દેશના રહૂગણ રાજા પાલખી ઉપર બેસીને કપિલ ભગવાનનાં દર્શન કરવા જઇ રહ્યા હતા. જ્યારે ઇક્ષુમતી નદીના કિનારે પાલખી પહોંચી ત્યારે પાલખીનો ઉપાડનારો એક બિમાર પડી ગયો. તેથી પાલખીમાં જોડવા માટે બીજી કોઇ એક વ્યક્તિની શોધ ચાલી રહી હતી, તે સમયે દૈવ ઇચ્છાથી જડભરતજી મળી ગયા, તેને પકડીને પાલખીમાં જોડી દીધા. ભરતજી પણ ચુપચાપ પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા, પણ કોઇ કીડી, મકોડી પગ નીચે આવી ન જાય, તેના ભયથી નીચી દૃષ્ટિ રાખીને ચાલતા હતા. અને જ્યારે કોઇ જંતુ આવે ત્યારે કૂદકો મારતા હતા, તેથી પાલખી ઉંચી નીચી થવા લાગી, તેથી રહૂગણ રાજા જડભરતને વ્યંગ વચનો કહેવા લાગ્યા- બહુ દુઃખની વાત છે કે લાંબા સમયથી તું એકલો જ પાલખી ઉપાડીને ચાલે છે, થાકી ગયો હોય એમ જણાય છે. અને તારૂં શરીર પણ બહુ દુબળું છે. આ રીતે અનેક વ્યંગ વચનો રહૂગણ રાજાએ ભરતજીને કહ્યાં, છતાં પણ ભરતજી પૂર્વની પેઠે જ ચૂપચાપ પાલખી ઉઠાવીને ચાલ્યા જતા હતા. ભરતજીને જરા પણ અપમાન લાગતું ન હતું. કારણ કે એતો શરીરથી પર વર્તતા હતા. પાલખી તો પૂર્વની પેઠે જ ઉંચી નીચી થતી હતી, તેથી રહૂગણ રાજા ક્રોધથી ભભુકીને ફરી કહેવા લાગ્યા કે અરે ! તું જીવતો છે કે મરેલો છે ? આ રીતે અનેક અપમાનના વચનોથી ભરતજીનો તિરસ્કાર કર્યો છતાં ભરતજી તો હસતાં હસતાં રહૂગણ રાજાને કહેવા લાગ્યા, હે રાજન્ ! તમોએ જે કહ્યું એ સાચું જ કહેલું છે. અને એ બધું શરીરને લાગુ પડે છે, આત્મા તો બધા ધર્મોથી પર છે. આત્મા નથી મરતો, કે નથી જન્મતો. આત્મા નથી પાતળો, કે નથી જાડો. આત્મા નથી મૂર્ખ, કે નથી ડાહ્યો. આ રીતે અનેક જાતનાં તત્ત્વોપદેશનાં વચનો કહીને જડભરતજી તો મૌન થઇ ગયા. તે સમયે રહૂગણ રાજા તો સર્વે હૃદયની ગ્રંથીઓને છેદી નાખનારું ભરતજીનું વચન સાંભળીને તત્કાળ જ પાલખી ઉપરથી નીચે ઉતરી પડયા. અને ભરતજીનાં ચરણ પકડીને પ્રાર્થના કરવા લાગ્યા કે- ''कस्त्वं निगूढश्चरसि द्विजानां बिभर्षि सूत्रं कतमो।वधूतः'' ।। इति ।। હે દેવ ! બ્રાહ્મણોનું ચિહ્ન જે યજ્ઞાોપવીત ધારણ કરનારા આપ કોણ ગુપ્ત વેષે વિચરણ કરી રહ્યા છો ? અને દત્તાત્રેયાદિકને મધ્યે આપ કયા અવધૂત છો ? તે સમયે જડભરતજી ફરીવાર તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરેલો છે. રહૂગણ રાજા એ તત્ત્વજ્ઞાનને સાંભળીને અભિમાનથી રહિત થયા છે. અને જડભરતને નમસ્કાર કરેલા છે- ''नमो।वधूतद्विजबन्धुलिङ्गनिगूढनित्यानुभवाय तुभ्यम्'' ।। इति ।। હે અવધૂત ! તુચ્છ બ્રાહ્મણ જેવો વેષ ધારણ કરીને ઢાંકી રાખેલો છે આત્મા પરમાત્માનો અનુભવ જેમણે એવા આપને હું નમસ્કાર કરૂં છું. અહીં રહૂગણ રાજાએ જડભરતને, હે અવધૂત ! આ પ્રમાણે સંબોધેલા છે. માટે જડભરતને અવધૂતલિંગ પરમહંસ કહેલા છે. આ રીતે અલિંગ પરમહંસો હોય કે અવધૂતલિંગ પરમહંસો હોય, બન્નેને ભગવાનની ઉપાસના આવશ્યક છે. અને ઉપાસનાની પેઠે સ્વધર્માદિકનું પાલન કરવું એ પણ આવશ્યક છે. આ પ્રમાણે બે પ્રકારના પરમહંસોને મધ્યે ભાગવત અવધૂતલિંગ પરમહંસ જે ભરતજી તેનાં વૃત્તાન્તને સાધુપુરુષો હોય તેમણે અનુસરવું. અર્થાત્ જડભરતજી જેવી રીતે માન અપમાનથી રહિત થઇને વર્તતા હતા, તેવી જ રીતે સાધુપુરુષો હોય તેમણે પણ માન અપમાનથી રહિત થઇને આ પૃથ્વી ઉપર વર્તવું, આવો ભાવ છે. ।।૧૯૬।।