पुमानेव भवेद्यत्र पक्वान्नपरिवेषणः । ईक्षणादि भवेन्नैव यत्र स्त्रीणां च सर्वथा ।।१९४।।
तत्र गृहिगृहे भोक्तुं गन्तव्यं साधुभिर्मम । अन्यथामान्नमर्थित्वा पाकः कार्यः स्वयं च तैः ।।१९५।।
અને વળી ત્યાગી સાધુપુરુષો હોય તેમણે, જે ગૃહસ્થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓના દર્શનાદિકનો પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય. તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે જમવા જવું. અને ઉપર કહ્યું એ પ્રમાણે જો ન હોય તો કાચું અન્ન માગીને પોતાને હાથે રસોઇ કરવી, અને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ બન્ને શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- સંતોએ ગૃહસ્થને ઘેર જમવા જવું, તેમાં તો કોઇ જાતનો દોષ નથી. પણ એ ગૃહસ્થના ઘેર એવી વ્યવસ્થા હોવી જોઇએ કે સંતોને સ્ત્રીનાં દર્શન સર્વ પ્રકારે થવાં ન જોઇએ, સ્ત્રીઓના શબ્દનું શ્રવણ પણ થવું ન જોઇએ, અને રાંધેલા અન્નનો પીરસનારો પુરુષ જ હોવો જોઇએ, આવી વ્યવસ્થા જો હોય તો સંતોએ ગૃહસ્થને ઘેર જમવા માટે જવું. આવી વ્યવસ્થા જો ન હોય તો સંતોએ કાચું અન્ન માગી કરી પોતાના સ્થાનમાં પોતાના હાથે રસોઇ કરવી, અથવા કોઇ શુદ્ધ બ્રાહ્મણ દ્વારા કરાવવી. અને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. સર્વ પ્રકારે પોતાના નિયમનું રક્ષણ કરવું જોઇએ. આવું તાત્પર્ય છે. જો કે ત્યાગીઓને પોતાના હાથે રસોઇ બનાવવી એ અયોગ્ય છે. કારણ કે ત્યાગી સાધુઓને અગ્નિસ્પર્શ નિષેધ છે. માટે ત્યાગીઓને ભિક્ષાવૃત્તિ કહેલી છે. છતાં પણ ભગવાનનું દાસપણું કરવું એ વૈષ્ણવોનો મુખ્ય ધર્મ છે, માટે ભગવાનને અર્થે રસોઇ બનાવવામાં દોષ નથી. પણ પોતાને માટે રસોઇ બનાવવી નહિ. આ વિષયમાં ભગવદ્ગીતાનું વચન પ્રમાણરૂપ છે - भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ।। इति ।। આ શ્લોકનું તાત્પર્ય એ છે કે પોતાને ઉદેશીને ક્યારેય પણ રસોઇ બનાવવી નહિ, જે પાપી પુરૂષો કેવળ પોતાને ઉદેશીને જ રસોઇ બનાવે છે તે પાપી પુરૂષો પાપનું જ ભક્ષણ કરે છે. માટે ભગવાનના ભક્ત સાધુપુરૂષો હોય તેમણે એવો ભાવ રાખવો જોઇએ કે, જે આ હું રસોઇ તૈયાર કરૂં છું, એ થાળ પ્રથમ હું મારા ઇષ્ટદેવ ભગવાનને અર્પણ કરીશ, અને ત્યાર પછી ભગવાનનો પ્રસાદ તેને હું જમીશ, આવો ભાવ રાખીને ભગવાનને અર્થે રસોઇ બનાવવામાં દોષ નથી, આવો અભિપ્રાય છે. ।।૧૯૪-૧૯૫।।