શ્લોક ૧૯૩

भिक्षां सभां विना नैव गन्तव्यं गृहिणो गृहम् । व्यर्थः कालो न नेतव्यो भक्तिं भगवतो विना ।।१९३।।


અને વળી ત્યાગી સાધુપુરુષો હોય તેમણે, ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘરે જવું નહિ, અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ જવા દેવો નહિ, નિરંતર ભક્તિએ કરીને જ કાળ વ્યતીત કરવો.


 શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- સાધુપુરુષો હોય તેમણે આહારને માટે ભિક્ષા કરવી એ યોગ્ય છે, કારણ કે તેનાથી પ્રાણનું ધારણ થાય છે. માટે ભિક્ષાના નિમિત્તે ગૃહસ્થના ઘેર જવામાં દોષ નથી. જે ગૃહસ્થના ઘરનો દરવાજો ખુલ્લો હોય, એ ઘરમાં જઇને ''નારાયણ હરે'' આમ ઉંચે સ્વરે બોલવું, પછી ભિક્ષા આપનાર પુરુષ હોય કે સ્ત્રી હોય તો પણ ભિક્ષા લેવી. સ્ત્રીના હાથેથી પણ ઝોળીમાં ભિક્ષા લેવામાં કોઇ દોષ નથી, પણ સ્ત્રીની સામું જોવું નહિ, અર્થાત્ ઇરાદાપૂર્વક જોવું નહિ. તેવી જ રીતે ગૃહસ્થને ઘેર કોઇ સભાપ્રસંગ યોજેલો હોય, તો પણ ત્યાં જવામાં દોષ નથી. અને સભામાં શાસ્ત્રને અનુસારે ન્યાયયુક્ત વચન બોલવું, પરંતુ મૌન રહેવું નહિ, અને પ્રમાણથી રહિત એવું પણ વચન બોલવું નહિ. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. न सभां प्रविशेत् प्राज्ञाः सभ्यदोषाननुस्मरन् । अब्रुवन् विब्रुवन्नज्ञो नरः किल्बिषमश्नुते ।। इति ।। આ ભાગવતના શ્લોકનું તાત્પર્ય એ છે કે, સભાસદોના દોષોનું સ્મરણ કરતાં ડાહ્યા પુરૂષોએ સભામાં પ્રવેશ કરવો નહિ. અને સભામાં ગયા પછી જાણતો હોવા છતાં પણ જો મૌન રહે, અથવા ન્યાયથી રહિત કોઇક વિપરીત વચન બોલે તો એ પુરૂષ પાપને પામે છે. માટે સાધુપુરૂષો ગૃહસ્થના ઘેર સભાપ્રસંગમાં જો જાય તો ત્યાં જઇને મૌન બેસી રહેવું નહિ. અને પ્રમાણ રહિત પણ બોલવું નહિ, અર્થાત્ કડવું છતાં પણ હિતકારી અને સત્ય વચન બોલવું. અને વળી સાધુપુરુષો હોય તેમણે, શ્રવણ કીર્તનાદિક નવપ્રકારની ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ (એક ક્ષણ) પણ જવા દેવો નહિ. હમેશાં પોતાની શક્તિ પ્રમાણે કોઇપણ ભક્તિ કરવી, પણ ગ્રામ્ય વાર્તાએ કરીને સમય વ્યતીત કરવો નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૯૩।।