अनर्घ्यं चित्रितं वासः कुसुम्भाद्यैश्च रञ्जितम् । न धार्यं च महावस्त्रं प्राप्तमन्येच्छयापि तत् ।।१९२।।
અને વળી ત્યાગી સાધુપુરુષો હોય તેમણે, જે વસ્ત્ર બહુ મુલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાત્યનું હોય, તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય, તથા શાલદુશાલા હોય, અને તે બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું ઓઢવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- કોઇ ભાવનાવાળા હરિભક્ત હોય, અને વિવિધપ્રકારનાં રંગ બેરંગી શાલ કે ધાબડી ઇત્યાદિક ભારે વસ્ત્રો જો સંતને ઓઢાડે તો તે સમયે અમારે જોઇતું નથી, આમ કહીને એ હરિભક્તનું અપમાન કરવું નહિ. પણ તે વખતે સ્વીકારી લેવું, અને એમ કહેવું કે તમે તો આ વસ્ત્ર બહુ કિંમતી લાવ્યા છો, તમે તો સંતોની અને ભગવાનની બહુ સારી સેવા કરો છો, આમ લાવનારા ભક્તને રાજી કરી દેવા, અને પછી એ વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. કોઇ ગરીબ મનુષ્ય હોય કે બ્રાહ્મણ હોય તેને આપી દેવું. આવું જે ભારે વસ્ત્ર હોય તેને શાસ્ત્રમાં રાજસ કહેલું છે- ''सहेमसूत्रं सूक्ष्मं च नानारङ्गं च चित्रयुक् । महाधनं च यद् वस्त्रमाढयर्हं राजसं तु तत्'' ।। इति ।। જે વસ્ત્ર સુવર્ણાદિક ધાતુના તારથી યુક્ત હોય, સૂક્ષ્મ હોય, ચિત્ર વિચિત્ર રંગોથી રંગેલું હોય અને મહાકિંમતી હોય, આવું વસ્ત્ર રાજસ કહેલું છે, અને એ ધનાઢયને યોગ્ય કહેલું છે. માટે ત્યાગી સાધુપુરુષોને આવું રજોગુણી વસ્ત્ર ધારણ કરવું એ યોગ્ય નથી. સાધુ પુરુષોને તો કૌપીન, તેના ઉપર એક સામાન્ય વસ્ત્ર, અને એક ઉપર ઓઢવાનું સામાન્ય વસ્ત્ર અને તુટેલા વસ્ત્રના કટકામાંથી બનાવેલી ગોદડી ઇત્યાદિક વસ્ત્રોને ધારણ કરવાનું વિધાન કરેલું છે. માટે બહુ ભારે વસ્ત્રો ધારણ કરવાં નહિ. ।।૧૯૨।।