શ્લોક ૧૯૧

न च सङ्घं विना रात्रौ चलितव्यमनापदि । एकाकिभिर्न गन्तव्यं तथा क्वापि विनापदम् ।।१९१।।


અને વળી ત્યાગી સાધુપુરુષો હોય, તેમણે રાત્રીએ આપત્કાળ પડયા વિના સંઘસોબત વિનાનું ચાલવું નહિ. તથા આપત્કાળ પડયા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- સાધુપુરુષોએ આપત્કાળ પડયા સિવાય રાત્રીને વિષે જનસમુદાય વિના એક ગામથી બીજે ગામ જવું નહિ. આપત્કાળને વિષે તો જવામાં દોષ નથી. તેવી જ રીતે આપત્કાળ પડયા સિવાય સાધુઓએ કોઇપણ સ્થાનમાં એકલા જવું નહિ. બીજા કોઇ સંતને સાથે લઇને જવું. અર્થાત્ એકાકી વિચરણ કરવું નહિ.


 હવે અહીં પ્રતિવાદી શંકા કરે છે - वासे बहूनां कलहो भवेद् वार्ता द्वयोरपि । एक एव चरेत् तस्मात् कुमार्या इव कङ्कणः ।। इति ।। ભાગવતમાં કુમારીના કંકણનું દૃષ્ટાંત આપેલું છે. બહાર મહેમાનો બેઠાં હતાં, અને રસોડાની અંદર કુમારી સ્ત્રી હાથમાં કંકણો ધારણ કરીને ડાંગર ખાંડતી હતી. ડાંગર ખાંડતી વખતે હાથમાં ધારણ કરેલાં કંકણોનો અવાજ આવતો હતો. તેથી હાથમાં ધારણ કરેલાં કંકણો ઉતારી નાખ્યાં, કેવળ બે કંકણો જ ધારણ કરીને ડાંગર ખાંડવાનો પ્રારંભ કર્યો, તો બે કંકણોનો પણ અવાજ આવવા લાગ્યો, તેથી એ કુમારીએ કેવળ એક કંકણ ધારણ કરીને જ્યારે ખાંડવાનો પ્રારંભ કર્યો, ત્યારે અવાજ બંધ થયો. તેમ સાધુપુરુષો ભેગા રહે તો પરસ્પર કલહ થાય, અને બે જણા ભેગા થાય તો વાતો કરે, માટે સાધુપુરુષોને શાંતિ જોઇતી હોય તો એકલા જ વિચરણ કરવું જોઇએ, આ રીતે ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે, તો તમો એકલા વિચરણ કરવાની શા માટે મનાઇ કરો છો ?


આના ઉત્તરમાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- તમારી વાત સાચી છે. ભાગવતમાં કહ્યું છે કે, સાધુપુરુષોએ સંગથી રહિત રહેવું, પણ કોના સંગથી રહિત રહેવું ? કેવળ દુર્જનપુરુષોનો સંગ જ ભાગવતમાં નિષેધ કરેલો છે, નહિ કે ભગવાનના ભક્ત સાધુપુરુષોનો સંગ. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે - प्रसङ्गमजरं पाशमात्मनः कवयो विदुः । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृत्तम् ।। इति ।। - આ શ્લોકમાં કપિલભગવાને માતા દેવહૂતિ પ્રત્યે કહેલું છે કે, જીવાત્માને દેહ અને દેહના સંબન્ધીઓનો જે સંગ છે એ દૃઢ બંધનરૂપ છે. જીવાત્માને જ્યાં સુધી દેહનો અને દેહના સંબંધીઓનો સંગ રહે છે, ત્યાં સુધી એ દૃઢ બંધન તૂટી શક્તું નથી. પણ એજ સંગ જો ભગવાનના એકાંતિક સાધુપુરૂષોનો કરેલો હોય તો, એ દૃઢ બંધન તુટીને મોક્ષનું દ્વાર ખુલું થઇ જાય છે. આ રીતે ભગવાનના એકાન્તિક સાધુપુરૂષોનો જે સંગ છે, એજ મોક્ષદ્વારને ઉઘાડનાર છે. માટે સાધુપુરુષોને પણ હમેશાં સાધુનો પ્રસંગ રાખવો જ જોઇએ. એકલા સાધુનું પતન થાય છે. જડભરતજી હિમાલયમાં એકલા રહેતા હતા, તેને સમજાવનાર કોઇ ન હતો તેથી તેમનું પતન થયું. સૌભરી ઋષિ જંગલમાં એકલા રહેતા હતા, સાઠહજાર વર્ષ તપ કર્યું હતું, પણ સમજાવનારો બીજો કોઇ ન હોવાથી, તેનું પણ પતન થયું. માટે સાધુપુરુષોને પણ સાધુનો પ્રસંગ રાખવો, કલહ તો ગ્રામ્યવાર્તાને કારણે જ થતો હોય છે. પરંતુ સાધુપુરુષોને તો ગ્રામ્ય વાર્તા કરવાની હોતી નથી. માટે કલહનો પણ સંભવ નથી. તેથી મારા આશ્રિત ત્યાગી સાધુપુરુષોએ ક્યારેય પણ એકાકી વિચરણ કરવું નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૯૧।।