न्यासो रक्ष्यो न कस्यापि धैर्यं त्याज्यं न कर्हिचित् । न प्रवेशयितव्या च स्वावासे स्त्री कदाचन ।।१९०।।
અને વળી ત્યાગી સાધુપુરુષો હોય તેમણે, કોઇની થાપણની વસ્તુ રાખવી નહિ, અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ કરવો નહિ, તથા પોતાના ઉતારાને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- પરિચિત અથવા અપરિચિત કોઇપણ પુરુષની થાપણની વસ્તુ પોતાની સમીપે રાખવી નહિ. થાપણની વસ્તુ મનના ક્ષોભને ઉત્પન્ન કરનારી છે, તેથી વૃથા કલેશના કારણરૂપ બને છે. સંપ્રદાયનો પ્રસિદ્ધ દાખલો છે. રામાનંદ સ્વામીએ પૂતળી બાઇને સોનાનો પાસલો સાચવવા માટે આપેલો હતો, પુતળીબાઇના મનમાં ક્ષોભ ઉત્પન્ન થયો, તેથી રામાનંદ સ્વામીએ પાસલો માગ્યો, છતાં આપ્યો નહિ. તે સમયે રામાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે આ તો ધર્માદાનો પાસલો છે, માટે ક્યાંક નરકમાં પડીશ. તે પાપે કરીને પુતળીબાઇ નરકમાં પડેલાં હતાં. તે સમયે સમાધિનિષ્ઠ ગોવર્ધન ભક્ત શ્રીહરિના પ્રતાપથી પુતળીબાઇનો નરક થકી મોક્ષ કર્યો હતો. આ રીતે થાપણની વસ્તુ મનમાં ક્ષોભ ઉત્પન્ન કરનારી છે, અને વૃથા કલેશના કારણરૂપ છે. માટે ત્યાગી સાધુઓએ થાપણની વસ્તુ સાચવવા પોતાની પાસે રાખવી નહિ. અને વળી ત્યાગી સાધુઓએ ક્યારેક દેશ કાળાદિકના વિષમપણાને વિષે, અથવા તો ક્યારેક ભિક્ષાદિક જ્યારે પ્રાપ્ત ન થાય ત્યારે પોતાની ધીરજતાનો ત્યાગ કરવો નહિ. કારણ કે દેહનું પ્રારબ્ધ બળવાન છે. ગમે તે રીતે ઇશ્વર દેહનું રક્ષણ કરે છે, માટે નિર્વિકાર રહેવું.
અને વળી ત્યાગી સાધુ પુરુષોએ પોતાના ઉતારામાં સ્ત્રીને પ્રવેશવા દેવી નહિ. જો પોતાના ઉતારામાં સ્ત્રી પ્રવેશે તો સ્ત્રીના દર્શનાદિકે કરીને પોતાના નિયમનો ભંગ થાય છે. આવો અભિપ્રાય છે. ।।૧૯૦।।