શ્લોક ૧૮૯

सर्वेन्द्रियाणि जेयानि रसना तु विशेषतः । न द्रव्यसङ्ग्रहः कार्यः कारणीयो न केनचित् ।।१८९।।


વળી ત્યાગી સાધુ પુરુષોએ સર્વે ઇન્દ્રિયોને જીતવી, તેમાં રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી, અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ, તથા કોઇ બીજા પાસે કરાવવો પણ નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- સાધુપુરુષોએ સર્વે ઇન્દ્રિયોને જીતવી. ઇન્દ્રિયોનું દમન, વિચાર અને વિવેકથી થાય છે. આંખે પાટા બાંધી દેવાથી આંખ જીતાતી નથી, કાનને બંધ કરી દેવાથી કાન પણ જીતાતા નથી. ઇન્દ્રિયોનો સ્વાભાવિક ધર્મ છે કે પોતપોતાના વિષયો તરફ જવું. જ્યારે ઇન્દ્રિયો પોતપોતાના વિષય તરફ જાય, ત્યારે વિચારે કરીને અને વિવેકે કરીને ઇન્દ્રિયોને પાછી વાળી લેવી. કાચબો જેમ પોતાનાં અંગોને સમેટી લે છે, તેમ ત્યાગી સાધુપુરુષોએ વિષયો તરફ જતી ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળી લેવી. અને અગિયારમા મનને શાસ્ત્રોના ચિંતવનમાં જોડી દેવું, અથવા તો ભગવાનની મૂર્તિમાં જોડી દેવું. આ રીતે વિચાર અને વિવેકથી ઇન્દ્રિયોને જીતવી. ભાગવતમાં પણ પ્રતિપાદન કરેલું છે, बन्ध इन्द्रियविक्षेपो मोक्ष एषाञ्च संयमः ।। આ શ્લોકનો એ અર્થ છે કે ઇન્દ્રિયોને જે મોકળી મેલવી, એજ બંધન છે, અને ઇન્દ્રિયોને જે નિયમમાં કરી લેવી એજ મોક્ષ છે. મહાભારતમાં પણ પ્રતિપાદન કરેલું છે. इन्द्रियाणि सर्वाणि जेतव्यानि प्रयत्नतः । साधुना धर्मशीलेन भ्रश्यत्येवान्यथा पथः ।। આ મહાભારતના વચનમાં વસિષ્ઠમુનિએ કહેલું છે કે ધર્મશીલ એવા સાધુપુરૂષોએ પોતાની સર્વે ઇન્દ્રિયોને પ્રયત્ન પૂર્વક જીતવી જોઇએ અને જો સાધુપુરૂષો પોતાની ઇન્દ્રિયોને જીતે નહિ, અને વિષયોમાં ઇચ્છાનુસાર જવા દે તો એ સાધુપુરૂષ પોતાના કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ થઇ જાય છે.


અને રસના ઇન્દ્રિય જે જીભ, તેને તો વિશેષે કરીને જીતવી. અર્થાત્ ખાવા પીવાની જે લોલુપતા તેને જીતવી. એક જ રસના ઇન્દ્રિયને જીતવાથી બીજી સર્વે ઇન્દ્રિયો સરળતાથી જીતાઇ જાય છે. ભાગવતમાં કહેલું છે કે- ''जितं सर्वं जिते रसे'' ।। इति ।। એક જ રસ જો જીતવામાં આવે તો સર્વે ઇન્દ્રિયો જીતાઇ જાય છે. એટલા જ માટે ઔષધની પેઠે ભોજન કરવું. ઔષધનું ભક્ષણ આસક્તિ પૂર્વક થતું નથી, કેવળ રોગ નિવૃત્તિને માટે જ થાય છે. તેમ આસક્તિનો ત્યાગ કરીને કેવળ દેહના રક્ષણને માટે જ ભોજન કરવું, આવો અભિપ્રાય છે.


વળી સાધુપુરુષોએ ધનનો સંગ્રહ કરવો નહિ, અને જે પદાર્થો વડે ધનની ઉત્પત્તિ થાય, એવાં નવીન વસ્ત્ર, પાત્ર આદિકનો સંગ્રહ પણ કરવો નહિ. અને કોઇ બીજા દ્વારા પણ પોતાના પ્રયોજનને માટે ધનનો સંગ્રહ કરાવવો નહિ. કારણ કે ધનના સંગ્રહથી સમગ્ર વિષય સુખ સંપાદન થઇ શકે છે. માટે ધનનો પ્રસંગ પણ સ્ત્રીના પ્રસંગની પેઠે જ સર્વપ્રકારે ત્યાગ કરી દેવો, વળી શ્રીજીમહારાજે સત્સંગી જીવનમાં પણ કહ્યું છે કે- જે ત્યાગી સાધુ ધનનો સંગ્રહ કરે છે તેવા સાધુના મુખ થકી, હે ભક્તો ! તમારે ભગવાનની કથા વાર્તા પણ ક્યારેય ન સાંભળવી અને કદાચ જો સાંભળશો તો એક ચાંદ્રાયણ વ્રત કરવા વડે કરીને કથા સાંભળનાર ભક્તની શુદ્ધિ થશે. તો ધનનો સંગ્રહ કરનારો ત્યાગી કયું વ્રત કરીને શુદ્ધ થશે ? માટે ત્યાગી સાધુએ ક્યારેય પણ ધનનો સંગ્રહ કરવો નહિ, આવું તાત્પર્ય છે. ।।૧૮૯।।