साधवो ये।थ तैः सर्वैर्नैष्ठिकब्रह्मचारिवत् । स्त्रीस्त्रैणसङ्गादि वर्ज्यं जेतव्याश्चान्तरारयः ।।१८८।।
મારા આશ્રિત ત્યાગી સાધુપુરુષો હોય તેમણે, નૈષ્ઠિક બ્રહ્મચારીઓની પેઠે જ સ્ત્રી તથા સ્ત્રીલંપટ કામી પુરુષોના પ્રસંગાદિકનો ત્યાગ કરી દેવો, અને કામ, ક્રોધાદિક અંતઃશત્રુઓને જીતવા.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- નૈષ્ઠિક બ્રહ્મચારીઓની પેઠે જ ત્યાગી સાધુપુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહિ, સ્ત્રીઓની સાથે બોલવું નહિ, અને સ્ત્રીઓના સામું જોવું નહિ, ઇત્યાદિક સર્વે પ્રકારનો સ્ત્રીનો પ્રસંગ છોડી દેવો. તેવી જ રીતે સ્ત્રીલંપટ કામીપુરુષોનો પ્રસંગ પણ સર્વ પ્રકારે છોડી દેવો. તથા કામ, ક્રોધ, લોભાદિક અંતઃશત્રુઓને જીતવા. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહેલું છે કે- ''त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत्'' ।। इति ।। કામ, ક્રોધ, અને લોભ આ ત્રણ પ્રકારનું નરકનું દ્વાર કહેલું છે. નરકની અંદર જો જવું હોય તો કામ, ક્રોધ અને લોભ દ્વારા જઇ શકાય છે. અને આ ત્રણે મોક્ષમાર્ગમાં મહાન વિઘ્નરૂપ છે, માટે આ ત્રણેનો ત્યાગ કરી દેવો. તેમાં કામને તો વિશેષે કરીને જીતવો, કારણ કે કામ સર્વે જ્ઞાની પુરુષોના જ્ઞાનને ઢાંકી દેનારો છે. આ વિષયમાં ભગવદ્ગીતા પ્રમાણરૂપ છે - धूमेनाव्रियते वह्निर्यथा।।दर्शो मलेनच । यथोल्बेनावृत्तो गर्भस्तथा तेनेदमावृत्तम् ।। आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा । कामरुपेण कौन्तेय दुष्पूरेणानलेन च ।। इति ।। આ ભગવદ્ગીતાના શ્લોકનું તાત્પર્ય એ છે કે જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાઇ જાય છે, ધુળથી અરીસો ઢંકાઇ જાય છે, ગર્ભ ઓળથી ઢંકાઇ જાય છે, તેમ જ્ઞાની પુરુષોનું જ્ઞાન કામથી ઢંકાઇ જાય છે. કામ જ્યારે વ્યાપે છે ત્યારે જ્ઞાની પુરુષ પણ કાંઇ વિચારી શકતો નથી, અર્થાત્ તે સમયે જ્ઞાન પણ વ્યર્થ થઇ જાય છે. એક જ ઇચ્છામય એવો જે કામ છે એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં પ્રવર્તાવીને આત્મજ્ઞાનને ઢાંકી દે છે. માટે પ્રથમ ઇન્દ્રિયોને નિયમમાં કરી, બુધ્ધિવડે મનને કર્મયોગમાં સ્થાપન કરી, અથવા તો મનને ભગવાનની મૂર્તિમાં સ્થાપન કરી, કામરૂપી શત્રુને અવશ્ય જીતી લેવો જોઇએ. કામ છે એ અગ્નિની સમાન છે, જેમ અગ્નિની અંદર હવિષ્યાન્ન કે ઘી હોમવાથી એ અગ્નિ વૃધ્ધિ પામે છે, પણ અગ્નિ શાન્ત થતો નથી. તેમ કામને ભોગવવાથી કામ વૃધ્ધિ પામે છે, પણ શાન્ત થતો નથી. માટે ત્યાગી સાધુપુરુષોએ કામને વિશેષે કરીને જીતવો. અને એજ રીતે ક્રોધને પણ વિશેષે કરીને જીતવો. સાધુની અંદર ક્રોધ જરા પણ શોભતો નથી, અને કલ્યાણનો પરમ વિરોધી છે. ભાગવતમાં કહેલું છે કે, ધ્રુવજી અલકાપુરીમાં જઇને ૧૩ લાખ યક્ષોને મારી નાખ્યા, તે સમયે સ્વાયંભુવ મનુએ ધ્રુવજીને સમજાવેલા છે કે- समयच्छ रोषं भद्रं ते प्रतीपं श्रेयसां परम् ।। इति ।। હે ધ્રુવજી ! ક્રોધ તો કલ્યાણમાં પરમ વિરોધી છે. માટે ક્રોધને નિયમમાં કરી લ્યો. જે ક્રોધથી વ્યાપ્ત એવા પુરૂષ થકી તો આલોક અતિશે ભયને પામે છે, માટે પોતાનું નિર્ભયપણું ઇચ્છતા એવા જ્ઞાની પુરૂષોએ ક્રોધને વશ ન થવું જોઇએ. આ રીતે ક્રોધ પણ મહાન શત્રુ કહેલો છે. અને લોભ પણ સર્વે પાપનું મૂળ છે. લોભ થકી જ સર્વે પાપોમાં પ્રવૃત્તિ થાય છે. જો એક જ લોભ ન હોય તો કોઇની પાપકર્મમાં પ્રવૃત્તિ થતી નથી, જે કોઇની પાપકર્મમાં પ્રવૃત્તિ થતી હોય તો લોભને કારણે જ થાય છે. માટે ત્યાગી સાધુપુરુષોએ કામ, ક્રોધ અને લોભ આદિક અંતઃશત્રુઓને જીતી લેવા. આવો અભિપ્રાય છે. ।।૧૮૮।।