स्ननं संध्यां च गायत्रीजपं श्रीविष्णुपूजनम् । अकृत्वा वैश्वदेवं च कर्तव्यं नैव भोजनम् ।।१८।।
અને વળી બ્રાહ્મણ હોય તેમણે, સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, ભગવાનની પૂજા, અને વૈશ્વદેવ આટલાં વાનાં કર્યા સિવાય ભોજન કરવું જ નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય, અને કોઇપણ આશ્રમમાં રહેલો હોય, તેમણે સ્નાનાદિક કર્યા વિના ભોજન કરવું નહિ. ''प्रातः संक्षेपतः स्ननं मध्याह्ने तु सविस्तरम्'' ।। इति ।। પ્રાતઃકાળમાં સ્નાન સંક્ષેપથી કરી લેવું, બહુ વિલંબ કરવો નહિ, જો વિલંબ કરે તો, સંધ્યા પૂજાદિકનો સમય વ્યતીત થઇ જાય, અને પછી ઉતાવળથી સંધ્યા પૂજાદિક કરવી પડે. માટે વિસ્તાર પૂર્વક જો સ્નાન કરવું હોય તો મધ્યાહ્ને કરવું. અને વળી જે સમર્થ હોય તેમણે પ્રાતઃ કાળનું સ્નાન ઠંડા જળથી કરવું. પણ ગરમ જળથી કરવું નહિ.
હવે સ્નાન કરી લીધા પછી જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તેમણે સંધ્યાની ઉપાસના કરવી. પ્રાતઃકાળમાં હજુ તારાઓ અસ્ત થયા ન હોય, તેથી પહેલાં જે સંધ્યા ઉપાસના કરી લેવી, એ ઉત્તમ કહેલી છે. અને તારાઓ અસ્ત થઇ ગયા હોય પણ હજુ સૂર્ય ઉદય પામ્યો ન હોય, તે પહેલાં જે સંધ્યા ઉપાસના કરી લેવી, એ મધ્યમ કહેલી છે. અને સૂર્યોદય પછી સંધ્યા ઉપાસના કરવી, એ કનિષ્ઠ કહેલી છે. માટે પ્રાતઃકાળમાં જેમ બને તેમ તારાઓના અસ્ત પહેલાં જ સંધ્યા કરી લેવી. ક્ષત્રિય, અને વૈશ્ય એવા સત્સંગીને યજ્ઞાોપવીત સંસ્કારનું વિધાન છે, તેથી સંધ્યાવંદનનો પણ અધિકાર છે. તો જેમ મોટે ભાગે યજ્ઞાોપવીત સંસ્કાર ક્ષત્રિયાદિક સત્સંગીઓની અંદર લુપ્ત છે, તેમ સંધ્યાવંદન પણ દેશકાળને અનુસારે લુપ્ત છે. કેવળ બ્રાહ્મણની અંદર જ યજ્ઞાોપવીત સંસ્કાર અને સંધ્યાવંદન ઘણું કરીને પ્રવર્તે છે.
હવે સંધ્યા વંદન કરી લીધા પછી ગાયત્રી મંત્રનો જપ કરવો. જેમ વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રમાં અધિકાર પ્રાપ્ત થાય છે, તેમ યજ્ઞાોપવીત સંસ્કાર ધારણ કર્યા પછી જ ગાયત્રી મન્ત્રમાં અધિકાર પ્રાપ્ત થાય છે. ક્ષત્રિયાદિક સત્સંગીઓની અંદર યજ્ઞાોપવીત સંસ્કાર લુપ્ત છે, તેથી ગાયત્રી મંત્રનો જાપ પણ લુપ્ત છે. સંધ્યા વંદન અને ગાયત્રી મંત્રનો જાપ આ બન્ને યજ્ઞાોપવીતની પેઠે જ ક્ષત્રિયાદિક સત્સંગીઓની અંદર દેશકાળને અનુસારે લુપ્ત છે. કેવળ બ્રાહ્મણમાં જ મોટે ભાગે પ્રવર્તે છે.
હવે આવે છે ભગવાનની પૂજા. આ ભગવાનની પૂજા હાલમાં દરેક ક્ષત્રિય, વૈશ્યાદિક સત્સંગીઓમાં પ્રવર્તે છે. શાલિગ્રામ સ્વરૂપ અથવા તો પ્રતિમા સ્વરૂપ ભગવાનની પૂજા પાંચ વખત કરવી જોઇએ, અથવા તો ત્રણ વખત કરવી જોઇએ. અશક્ત હોય તેમણે શુદ્ધ ભાવથી પ્રાતઃકાળમાં એક વખત તો અવશ્ય કરવી જ જોઇએ.
ત્યાર પછી આવે છે વૈશ્વદેવ. પંચ મહાયજ્ઞાો કરવા તેને વૈશ્વદેવ કહેવામાં આવે છે. સ્વાધ્યાય કરવો તેને બ્રહ્મયજ્ઞા કહેવામાં આવે છે. પિતૃઓનું તર્પણ (શ્રાદ્ધ) કરવું, તેને પિતૃયજ્ઞા કહેવામાં આવે છે. હોમ કરવો તેને દૈવ યજ્ઞા કહેવામાં આવે છે. ભૂતોને બલિ અર્પણ કરવું તેને ભૂત યજ્ઞા કહેવામાં આવે છે. અર્થાત્ પક્ષીઓને ચણ નાખવું, પશુઓને ઘાસ નાખવું, કીડીઓને અન્નના દાણા કે લોટ નાખવો ઇત્યાદિક ભૂતયજ્ઞા કહેવાય છે. અતિથિનું પૂજન સત્કાર કરવો, તેને મનુષ્ય યજ્ઞા કહેવામાં આવે છે. આ રીતે આ પાંચ મહાયજ્ઞાો કરવા તેને વૈશ્વદેવ કહેલું છે. તો જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તેમણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, ભગવાનની પૂજા અને વૈશ્વદેવ આ પાંચ વાનાં કર્યા સિવાય ભોજન કરવું નહિ.
અહીં પણ એજ વ્યવસ્થા સમજવી કે, બ્રાહ્મણોને જન્મથી જ સ્નાનાદિક પ્રાપ્ત છે. અને ક્ષત્રિયાદિકને વૈષ્ણવ થયા પછી ફરજીયાત પ્રાપ્ત છે, અર્થાત્ વર્તમાન ધરાવ્યા પછી, સત્સંગી થયા પછી ફરજીયાત સ્નાનાદિક પ્રાપ્ત જ છે. વર્તમાન ધરાવ્યા પહેલાં કદાચ સ્નાન પૂજાદિક ન કરતા હોય, પણ વર્તમાન ધરાવ્યા પછી તો સ્નાન પૂજાદિક ક્ષત્રિયાદિક સત્સંગીઓને માટે પણ ફરજીયાત જ છે. બ્રાહ્મણોને તો સત્સંગી હોય કે ન હોય, સ્નાન પૂજાદિક ફરજીયાત પ્રાપ્ત છે. તો જેમ બ્રાહ્મણોથી સ્નાન પૂજાદિક કર્યા વિના ભોજન થાય નહિ, તેમ સર્વે સામાન્ય સત્સંગીઓથી પણ સ્નાન પૂજાદિક વિના ભોજન થાય જ નહિ. આવો ભાવ છે. ।।૧૮૭।।