શ્લોક ૧૮૬

બ્રહ્મચારીઓના ધર્મ સમાપ્ત.

હવે જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તેના ધર્મ કહે છે.

चर्मवारि न वै पेयं जात्या विप्रेण केनचित् । पलाण्डुलशुनाद्यं च तेन भक्ष्यं न सर्वथा ।।१८६।।


અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તેમણે, કોઇએ પણ ચાંમડાના કોશનું જળ પીવું નહિ. અને ડુંગળી, લસણ આદિક અભક્ષ્ય વસ્તુનું સર્વપ્રકારે ભક્ષણ કરવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય, એ કોઇપણ આશ્રમમાં રહેલો હોય, તેમણે ચાંમડાના કોશનું જળ પીવું નહિ. અને જો આપત્કાળ આવી પડેલો હોય, બીજું શુદ્ધ પવિત્ર પાણી મળે એવો સંભવ પણ ન હોય, અને ખુબ તૃષા લાગેલી હોય, તો એ જ ચાંમડાના કોશનું જળ શુદ્ધ પવિત્ર ભૂમિ ઉપર વહેતું મુકીને બીજા પાત્રમાં ભરીને પી લેવું. કારણ કે શુદ્ધ પવિત્ર ભૂમિ ઉપર વહેતું પાણી પવિત્ર કહેલું છે. અને વળી જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તેમણે ડુંગળી, લસણ, ગાંજો આદિક અભક્ષ્ય વસ્તુનું સર્વ પ્રકારે ભક્ષણ કરવું નહિ, અને જો કરે તો તેને માટે પ્રાયશ્ચિત કહેલું છે. - ''लशुनं कवकं चैव पलाण्डु गृञ्जनं तथा चत्वार्यज्ञानतो जग्ध्वा तप्तकृच्छ्र चरेत् द्विजः'' ।। इति ।। બ્રાહ્મણ જો લસણ, રાઇની ભાજી, ડુંગળી તથા ગાંજો આ ચાર વસ્તુ જો અજાણતાં પણ ભક્ષણ કરે, તો તપ્તકૃચ્છ્ર નામનું વ્રત કરે. આ રીતે ડુંગળી, લસણાદિકને ભક્ષણ કરવામાં બ્રાહ્મણને દોષ કહેલો છે. અને જો બુદ્ધિપૂર્વક જાણી જોઇને ભક્ષણ કરે તો સુરાપાનની સમાન દોષ લાગે છે. જેમ કે- ''निषिद्धभक्षणं जैह्वमुत्कर्षे च वचो।नृतम् । रजस्वलामुखास्वादः सुरापानसमानि हि'' ।। इति ।। યાજ્ઞાવલ્ક્યે કહેલું છે કે- શાસ્ત્રમાં નિષેધ કરાયેલ ડુંગળી, લસણાદિકનું બુદ્ધિપૂર્વક ભક્ષણ, રજસ્વલાસ્ત્રીના મુખનું ચુંબન, આ સુરાપાનની સમાન પાપો કહેલાં છે. માટે બ્રાહ્મણોએ ડુંગળી, લસણાદિકનું સર્વ પ્રકારે ભક્ષણ કરવું નહિ. ''औषधे तु लशुनादेरदोषः'' ।। इति ।। ઔષધને માટે ડુંગળી, લસણાદિકનું ભક્ષણ કરવામાં દોષ નથી, આ પ્રમાણે સુમન્તુએ કહેલું છે.


હવે અહીં શતાનંદ સ્વામી વિશેષ સમજાવતાં કહે છે કે- કેટલાક વૈષ્ણવો પણ આ શ્લોકના બળથી એવું માનતા હોય છે કે, ડુંગળી, લસણાદિકનું ભક્ષણ કરવામાં બ્રાહ્મણોને જ મનાઇ છે, બીજાને નહિ, માટે આપણને ડુંગળી, લસણાદિકનું ભક્ષણ કરવામાં દોષ નથી. આ રીતે કેટલાક વૈષ્ણવો ઉલ્ટું સમજતા હોય છે. પણ આ શ્લોકમાં જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય, તેમણે લસણાદિકનું ભક્ષણ કરવું નહિ. આ રીતનો જે ઉલ્લેખ છે, તેનું તાત્પર્ય એમ સમજવું કે, બ્રાહ્મણને તો જન્મથી જ ડુંગળી, લસણાદિકનો નિષેધ છે. અને બીજા જે ક્ષત્રિય, વૈશ્યાદિકને તો જન્મથી જ ડુંગળી, લસણાદિકનો નિષેધ નથી. એ વૈષ્ણવ થયા પહેલાં અર્થાત્ વર્તમાન ધરાવ્યા પહેલાં કદાચ ડુંગળી, લસણાદિકનું ભક્ષણ કરી શકે છે, પણ વર્તમાન ધરાવ્યા પછી તો ક્ષત્રિયાદિકને પણ લસણાદિકનું ભક્ષણ કરવામાં નિષેધ જ છે. આ રીતે ક્ષત્રિયાદિકને સત્સંગી થયા પછી લસણાદિકનો નિષેધ છે. અને બ્રાહ્મણને તો સત્સંગી હોય, કે ન હોય તોપણ જન્મથી જ ડુંગળી આદિકનો નિષેધ છે. આ રીતની અહીં વ્યવસ્થા સમજવી. ।।૧૮૬।।