શ્લોક ૧૮૫

अभ्यासो वेदशास्त्राणां कार्यश्च गुरुसेवनम् । वर्ज्यः स्त्रीणामिव स्त्रैणपुंसां सङ्गश्च तैः सदा ।।१८५।।


અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, અને ગુરૂની સેવા કરવી, તથા સ્ત્રીઓની પેઠે જ સ્ત્રીલંપટ એવા પુરુષોનો સંગપણ હમેશાં ત્યાગ કરી દેવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- બ્રહ્મચારીઓએ ઋગ્વેદ ઇત્યાદિક ચાર વેદો, શિક્ષાદિક વેદનાં છ અંગો, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર તથા ઉત્તરમીમાંસાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરવો. ભાગવતાદિક જે ઇષ્ટ સચ્છાસ્ત્રો શ્રીજીમહારાજે પૂર્વે કહ્યાં, તેનો અભ્યાસ તો બ્રહ્મચારીઓએ કરવો જ, કારણ કે ભાગવતાદિક સચ્છાસ્ત્રોનો સામાન્યધર્મોમાં ઉપદેશ કરેલો છે. તેથી એ તો બ્રહ્મચારીઓને પ્રાપ્ત જ છે. અહીં તો બ્રહ્મચારીઓનું પ્રકરણ હોવાથી બ્રહ્મચારીઓએ અંગે સહિત વેદનું અધ્યયન તો વિશેષે કરીને કરવું, આવો અભિપ્રાય છે.


તેવી જ રીતે બ્રહ્મચારીઓએ ગુરૂની સેવા કરવી. ગુરૂની સેવા એ બ્રહ્મચારીઓનો મુખ્ય ધર્મ કહેલો છે. જેમ કે- ''ब्रह्मचारी गुरुकुले वसन् दान्तो गुरोर्हितम् । आचरन् दासवन्नीचो गुरौ सुदृढसौहृदः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, બ્રહ્મચારીને ગુરૂકુલમાં નિવાસ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ગુરૂનું હમેશાં હિત કરવું, દાસની પેઠે નમ્ર બનીને ગુરૂની સેવા કરવી, ગુરૂ ઉપર પ્રેમ રાખવો, ગુરૂ જ્યારે બોલાવે ત્યારે વેદોનું અધ્યયન કરવું, વેદાધ્યયનના પ્રારંભમાં અને અંતમાં ગુરૂના ચરણમાં નમસ્કાર કરવા. આ રીતે ગુરૂની સેવા કરીને વેદોનો અભ્યાસ કરવો.


અને વળી બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની પેઠે જ સ્ત્રીલંપટ પુરુષોના પ્રસંગનો પણ હમેશાં ત્યાગ કરી દેવો. કપિલગીતામાં કહ્યું છે કે પુરુષને સ્ત્રીના પ્રસંગે કરીને અને સ્ત્રી લંપટ પુરુષના પ્રસંગે કરીને જેવો મોહ અને બંધન થાય છે. એવો મોહ બીજા કોઇના પ્રસંગે કરીને થતો નથી, અને બંધન પણ બીજા કોઇના પ્રસંગે કરીને થતું નથી. પુરુષ ભલે વિદ્યાદિક ગુણે કરીને સંપન્ન હોય, પણ જો એ સ્ત્રીલંપટ હોય તો તેના વિદ્યાદિક ગુણો બધા નકામા છે. ઐલગીતને વિષે પુરુરવાની ઉક્તિ છે- ''किं विद्यया किं तपसा किं त्यागेन श्रुतेन वा । किं विविक्तेन मौनेन स्त्रीभिर्यस्य मनो हृतम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- જેનું મન સ્ત્રીઓએ હરી લીધેલું છે, એ પુરુષના વિદ્યા, તપ, ત્યાગ, મૌન આદિક સર્વે ગુણો વ્યર્થ કહેલા છે. માટે બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની પેઠે જ સ્ત્રીલંપટ પુરુષના પ્રસંગનો સર્વપ્રકારે ત્યાગ કરી દેવો, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૧૮૫।।