परिवेषणकर्त्री स्याद्यत्र स्त्री विप्रवेश्मनि । न गम्यं तत्र भिक्षार्थं गन्तव्यमितरत्र तु ।।१८४।।
અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય, તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ, અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- જે બ્રાહ્મણના ઘરમાં સ્ત્રી ભોજનના પાત્રમાં જમવા યોગ્ય પદાર્થોને અર્પણ કરનારી હોય, તેવા બ્રાહ્મણને ઘેર ભોજન માટે જવું નહિ. કારણ કે સ્ત્રીના દર્શનથી પોતાના વ્રતભંગની પ્રાપ્તિ થાય છે. અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું, અર્થાત્ ત્યાં જઇને ભોજન કરવું. શતાનંદ સ્વામી કહે છે કે- બ્રહ્મચારીઓ બ્રાહ્મણના ઘરનું રાંધેલું અન્ન પણ ગ્રહણ કરી શકે છે. આ બાબતને જણાવવા માટે અહીં કેવળ બ્રાહ્મણનું ઘર ગ્રહણ કરેલું છે. એ સિવાય કાચા અન્નની ભિક્ષા તો બ્રહ્મચારીઓ ચારે વર્ણની કરી શકે છે. આવો અભિપ્રાય છે.
અને વળી ભિક્ષા પણ રસના ઇન્દ્રિયની લોલુપતાથી એક જ ગૃહસ્થના ઘેર વારંવાર કરવી નહિ. જેમ મધમાખી દરેક પુષ્પોમાંથી રસને ગ્રહણ કરે છે, એજ રીતે બ્રહ્મચારીઓએ દરેક ગૃહસ્થના ઘેરથી ભિક્ષા ગ્રહણ કરવી. આ બાબતમાં યાજ્ઞાવલ્ક્ય ઋષિનું વાક્ય પ્રમાણરૂપ છે- ''ब्रह्मचर्ये स्थितो नैकस्यान्नमद्यादनापदि'' ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે, આપત્કાળ સિવાય બ્રહ્મચારીએ એક જ ગૃહસ્થના ઘરનું અન્ન જમવું નહિ. માધુકરવૃત્તિથી દરેક ગૃહસ્થના ઘરથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવી. ''મધુકર'' એટલે ભમરો. ભમરો જેમ દરેક પુષ્પમાંથી થોડો થોડો રસ ગ્રહણ કરે છે, તેમ બ્રહ્મચારીએ દરેક ગૃહસ્થના ઘર થકી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવી, તેને માધુકરી વૃત્તિ કહેવાય છે. ननु - दिवानिद्रां परान्नं च पुनर्भुक्तिं व्रती त्यजेत् । इति ।
પ્રતિવાદી શંકા કરતાં કહે છે કે, બ્રહ્મચારીઓએ પારકા અન્નનો ત્યાગ કરી દેવો જોઇએ. આ રીતે અંગીરા સ્મૃતિની અંદર પ્રતિપાદન કરેલું છે. તો પછી તમો બ્રહ્મચારીઓને ભિક્ષા કરવાનો ઉપદેશ શા માટે કરો છો ? આના ઉત્તરમાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે - सोमपानसमा भिक्षा भिक्षान्नं न प्रतिग्रहः । परान्नं नैव भिक्षा स्यान्न तस्याः परपाकता ।। भिक्षा माधुकरी नाम सर्वपापप्रणाशिनी । भिक्षाहारो निराहारः प्रोच्यते भिक्षुको नरः ।। इति ।। ભિક્ષાનું અન્ન અમૃતની સમાન કહેલું છે, ભિક્ષાના અન્નને દાન લીધેલું પણ કહેવાતું નથી, પારકું પણ કહેવાતું નથી, બીજાએ રાંધેલું પણ કહેવાતું નથી, ભિક્ષાનો આહાર કરનાર ભિક્ષુક સદા ઉપવાસી કહેવાય છે. અને ભિક્ષાનું અન્ન પવિત્ર કહેલું છે. પવિત્ર અન્નનો આહાર કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. તેમાં પણ માધુકરી ભિક્ષા અતિ પવિત્ર કહેલી છે. અને સર્વ પાપને નાશ કરનારી કહેલી છે, માટે બ્રહ્મચારીઓએ દરેક ગૃહસ્થના ઘેરથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરીને માધુકરી વૃત્તિનો આશ્રય કરવો, આવો અભિપ્રાય છે. ।।૧૮૪।।