શ્લોક ૧૮૩

तैलाभ्यङ्गो न कर्तव्यो न धार्यं चायुधं तथा । वेषो न विकृतो धार्यो जेतव्या रसना च तैः ।।१८३।।


અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, પોતાના શરીરે તેલનું મર્દન કરવું નહિ, અને આયુધ ધારણ કરવું નહિ, તથા ભયંકર વેષ ધારણ કરવો નહિ, અને રસના ઇન્દ્રિયને જીતવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- બ્રહ્મચારીએ શરીરે તેલ મર્દન કરવું નહિ, અને તલવાર આદિક આયુધો ધારણ કરવાં નહિ. કારણ કે આયુધોનું જે ધારણ છે, એ હિંસા બુદ્ધિને ઉત્પન્ન કરનારું છે. અર્થાત્ ક્યારેક હિંસા કરવાનું પણ મન થઇ જાય. મનુ અને યાજ્ઞાવલ્ક્ય ઋષિએ તો આપત્કાળમાં આયુધ ધારણ કરવાની છુટી આપેલી છે. ''शस्त्रं द्विजातिभिर्ग्राह्यं धर्मो यत्रोपरुध्यते'' ।। इति ।। આ શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે, જ્યાં ધર્મનો ભંગ થઇ જતો હોય ત્યાં તો બ્રાહ્મણોએ પણ આયુધો ધારણ કરી લેવાં અને વળી બ્રહ્મચારીએ લોક અને શાસ્ત્રમાં નિંદિત એવો ભયંકર વેષ ધારણ કરવો નહિ. એક કૌપીન ધારણ કરવી, તેના ઉપર એક આચ્છાદન વસ્ત્ર ધારણ કરવું, એક કટીસૂત્ર ધારણ કરવું અને ઉપર એક ઓઢવાનું વસ્ત્ર ધારણ કરવું, આવો સૌમ્ય વેષ ધારણ કરવો. તથા બ્રહ્મચારીઓએ રસના ઇન્દ્રિયને જીતવી. રસના ઇન્દ્રિયને જીતવાથી બીજી સમગ્ર ઇન્દ્રિયો જીતાઇ જાય છે. સમગ્ર ઇન્દ્રિયોની પુષ્ટિનું કારણ રસના ઇન્દ્રિય છે. ભાગવતમાં પ્રતિપાદન કરેલું છે કે- ''तावज्जितेन्द्रियो न स्याद्विजितात्मेन्द्रियः पुमान् । न जयेद्रसनं यावज्जितं सर्वं जिते रसे'' ।। इति ।। બીજી બધી ઇન્દ્રિયો જીતેલી હોય, છતાં એ પુરુષ ત્યાં સુધી જીતેન્દ્રિય કહેવાતો નથી કે જ્યાં સુધી રસના ઇન્દ્રિય જીતેલી ન હોય. જ્યારે રસના ઇન્દ્રિય જીતાય છે ત્યારે બધી ઇંદ્રિયો જીતાઇ જાય છે. માટે બ્રહ્મચારીઓએ રસના ઇન્દ્રિયને જીતવી, આવો અભિપ્રાય છે. ।।૧૮૩।।