प्राणापद्युपपन्नायां स्त्रीणां स्वेषां च वा क्वचित् । तदा स्पृष्ट्वापि तद्रक्षा कार्या संभाष्य ताश्च वा ।।१८२।।
અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, સ્ત્રીઓના અથવા પોતાના પ્રાણનો નાશ થાય એવો આપત્કાળ જ્યારે આવી પડે, ત્યારે તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ઘર બળી જવું, જળમાં ડુબી જવું, કોઇએ આક્રમણ કરવું, ઇત્યાદિકમાં સ્ત્રીઓના પ્રાણની અથવા પોતાના પ્રાણની જો આપત્તિ હોય, અર્થાત્ પ્રાણ સંકટમાં હોય તો તે સમયે સ્ત્રીઓનો સ્પર્શ કરીને અથવા સ્ત્રીઓ સાથે બોલીને પણ પોતાના તથા સ્ત્રીઓના પ્રાણો બચાવવા. જેમ કે કોઇ અજાણી સ્ત્રી હોય, નદીમાં કે તળાવમાં પ્રવેશતી હોય, એ નદીમાં કે તળાવમાં જળ પણ અગાધ હોય, પણ તે સ્ત્રીને ખબર ન હોય, તો તે સમયે સ્ત્રીને ચેતવણી આપી દેવી કે, બહેન ! અહીં તો અગાધ જળ છે, માટે અંદર જશો નહિ. આવા સમયે સ્ત્રીઓ સાથે બોલાય નહિ, એમ માનીને ઉપેક્ષા કરી દેવી નહિ. અને વળી પોતે બ્રહ્મચારી કોઇ જગ્યાએ ગયા હોય, નદીને પાર ઉતરવું હોય, પણ નદીમાં કેટલું જળ છે એ પોતાને ખબર ન હોય, અને બાજુમાં સ્ત્રી સિવાય જો કોઇ ન હોય તો તે સમયે બ્રહ્મચારીઓએ સ્ત્રીને પુછી લેવું કે, બહેન ! આ નદીમાં કેટલું જળ છે ? અથવા તો બ્રહ્મચારી પોતે ડુબી જતા હોય, અને બાજુમાં જો સ્ત્રી હોય, બીજું કોઇ ન હોય, તો તે સમયે તે સ્ત્રીની સાથે બોલી લેવું કે, બહેન ! હું ડુબું છું મને જરા બહાર કાઢો. આ રીતે દેશ કાળને અનુસારે સ્ત્રીઓનો સ્પર્શ કરી, સ્ત્રીઓની સાથે બોલીને પણ સ્ત્રીઓના તથા પોતાના પ્રાણની રક્ષા કરવી. ભાગવતમાં કહેલું છે કે- ''मृत्युर्बुद्धिमता।पोह्यो यावबुद्धिबलोदयम्'' ।। इति ।। જ્યાં સુધી પોતાની બુદ્ધિ કામ કરે, ત્યાં સુધી બુદ્ધિમાન પુરુષોએ મૃત્યુને ટાળવું જોઇએ. એમ કરતાં પણ જો મૃત્યુ ટળે નહિ તો તેમાં દેહધારી પુરુષનો કોઇ અપરાધ નથી. યમરાજાએ પણ કહેલું છે કે, જીવની રક્ષા કરવી એ ધર્મ છે, અને રક્ષા ન કરવી એ અધર્મ છે. માટે રૂડી બુદ્ધિવાળા પુરુષે યથાશક્તિ ધર્મને સાધવો પણ અધર્મને સાધવો નહિ. અર્થાત્ જીવની રક્ષા કરવી. આ બધા પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે, બ્રહ્મચારીઓએ આપત્કાળમાં દેશ કાળને અનુસારે સ્ત્રીઓનો સ્પર્શ કરીને અથવા સ્ત્રીઓની સાથે બોલીને પણ સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરવી. આપત્કાળના સમયમાં આપત્કાળના ધર્મનું પાલન કરીને પાછા પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું, આવો અભિપ્રાય છે. ।।૧૮૨।।