स्वातिनैकटयमायान्ती प्रसभं वनिता तु या । नीवारणीया साभाष्य तिरस्कृत्यापि वा द्रुतम् ।।१८१।।
અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, જે સ્ત્રી બળાત્કારે પોતાની સમીપે આવતી હોય, તે સ્ત્રીને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત પાછી વાળવી પણ સમીપે આવવા દેવી નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- સ્ત્રી જો બળાત્કારે પોતાની સમીપે આવતી હોય તો, ''તમો અહીંથી દૂર ચાલ્યાં જાવ'' આ રીતે બોલીને પાછી વાળવી, એમ કરતાં પણ જો પાછી વળે નહિં તો તિરસ્કાર કરીને, જન આક્રોશ કરીને પણ તત્કાળ ત્યાંથી કાઢી મુકવી, પણ સમીપે આવવા દેવી નહિ. કારણ કે સ્ત્રીના પ્રસંગથી આઠમા બ્રહ્મચર્યના ભંગનો સંભવ છે. માટે જે ઉપાયે કરીને પોતાના બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ સર્વપ્રકારે થાય, એજ ઉપાય પ્રયત્ન પૂર્વક કરવો જોઇએ. જ્યારે આપત્કાળ આવી પડે ત્યારે આપત્કાળના ધર્મનું પાલન કરી લેવું, અને આપત્કાળના ધર્મનું પાલન કરી લીધા પછી યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરીને ફરી પોતાના મુખ્ય ધર્મમાં રહેવું, આવો સર્વ સ્મૃતિઓનો સિદ્ધાન્ત છે. ।।૧૮૧।।