ब्रह्मचर्यव्रतत्यागपरं वाक्यं गुरोरपि । तैर्न मान्यं सदा स्थेयं धीरैस्तुष्टैरमानिभिः ।।१८०।।
અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, પોતાના બ્રહ્મચર્યનો ત્યાગ થાય એવું વચન તો પોતાના ગુરૂનું પણ ન માનવું, અને હમેશાં ધીરજતાથી યુક્ત રહેવું, સંતોષે યુક્ત રહેવું અને માનથી રહિત રહેવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ''अव्रतध्नम् गुरोर्वचनम्'' ।। इति ।। ''सर्वथा पालनीयैव शिष्यैराज्ञा गुरोरिह'' ।। इति ।। આ બન્ને સ્મૃતિઓમાં ''સર્વ પ્રકારે શિષ્યોએ ગુરૂની આજ્ઞા પાલન કરવી જોઇએ. અને ગુરૂનું વચન વ્રતનો નાશ કરનાર નથી.'' આ રીતે ગુરૂના વચનના માહાત્મ્યથી બ્રહ્મચારીઓએ પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરાવનારું પોતાના ગુરૂનું વચન પણ માનવું નહિ. અર્થાત્ ગુરૂના વચનને પાલન કરવાના માહાત્મ્યના બળ થકી પોતાના વ્રતનો ભંગ કરવો નહિ. ગુરૂનું વચન વ્રતનો નાશ કરનારું નથી. અર્થાત્ ગુરૂના વચને કરીને વ્રતનો નાશ થતો નથી. આમ જે સ્મૃતિમાં કહેલું છે એ તો વ્રતાદિકનો ઉપવાસ કરેલો હોય, અને શરીરમાં જો કોઇ રોગાદિક આપત્કાળ આવી પડે, એ સમયે ગુરૂના વચનથી જો જમી લે તો વ્રતનો નાશ થતો નથી. આવું સ્મૃતિવાક્યનું તાત્પર્ય છે. માટે સ્મૃતિવાક્યના બળથી બ્રહ્મચારીઓએ બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરવો નહિ. કારણ કે બ્રહ્મચર્ય તો બ્રહ્મની પ્રાપ્તિમાં જેટલાં સાધનો કહેલાં છે એ બધાં સાધનોમાં મુખ્ય છે. આ બાબતમાં મહાભારતના મોક્ષધર્મનું વાક્ય પ્રમાણ રૂપ છે- ''यदिदं ब्रह्मणो रुपं ब्रह्मचर्यमिति स्मृतम् । परं तत् सर्वधर्मेभ्यस्तेन याति परां गतिम्'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે, જે આ બ્રહ્મચર્ય છે એ સાક્ષાત્ બ્રહ્મનું રૂપ કહેલું છે. અને બ્રહ્મચર્ય સર્વ સાધનો કરતાં ઉત્તમ સાધન છે, અને બ્રહ્મચર્યથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે. ભગવદ્ગીતામાં પણ કહેલું છે કે, બ્રહ્મને પ્રાપ્ત કરવાને ઇચ્છતા એવા પુરુષો બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ રીતે બ્રહ્મચર્ય સર્વે સાધનોમાં ઉત્તમ સાધન કહેલું છે. માટે બ્રહ્મચારીઓએ પોતાના ગુરૂનું વચન ઉલ્લંઘીને પણ વીર્યના નિરોધ રૂપ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું એજ યોગ્ય છે. ગોભિલગૃહ્યસૂત્રની અંદર બ્રહ્મચારીઓને ઉપદેશ આપનારા જે મંત્રો કહેલા છે, એ મંત્રોમાં પણ પ્રતિપાદન કરેલું છે કે -
आचार्याधीनो भवा।न्यत्रा।।धर्माचरणात् । क्रोधानृते वर्जय । मैथुनं वर्जय । उपरि शय्यां वर्जय । क्षुरकृत्यं वर्जय । मधुमांसे वर्जय । गोयुक्तारोहरणं वर्जय । इति ।
અધર્માચરણ સિવાય હમેશાં ગુરુના વચનને આધીન રહેવું જોઇએ, પણ જો ગુરુ અધર્માચરણ બતાવે તો એ અધર્માચરણને વિષે ગુરુના વચનને આધીન રહેવું નહીં. અર્થાત્ ગુરુના વચનનો અનાદર કરી દેવો. અને વળી બ્રહ્મચારીઓએ ખોટું બોલવાનો, ક્રોધ કરવાનો, ખાટલા ઉપર સુવાનો, મુંડન કરવાનો, મૈથુન કરવાનો, મદ્યમાંસનો અને જેમાં બળદ જોડેલા હોય એવાં ગાડાં ઉપર બેસવાનો ત્યાગ કરી દેવો. આમ જ્યાં પ્રતિપાદન કરેલું છે ત્યાં પણ, બ્રહ્મચારીઓએ પોતાના ગુરુના વચનનું ઉલ્લંઘન કરીને પણ વીર્યના નિરોધરૂપ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું એજ યોગ્ય છે, પણ ગુરુના વચનથી બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ કરી દેવો એ યોગ્ય નથી, આવું તાત્પર્ય છે.
અને વળી બ્રહ્મચારીઓએ હમેશાં ધીરજતાથી યુક્ત રહેવું. ધીરજતાનું લક્ષણ કાલિદાસે કહેલું છે કે- ''विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एवधीराः'' ।। इति ।। વિકારના હેતુઓ પ્રાપ્ત થાય, ચારે બાજુથી વિટંબણાઓ પ્રાપ્ત થાય છતાં જેમનાં ચિત્તો જરા પણ વિકાર પામે નહિ, તેને ધીર પુરુષો કહેલા છે. અને બ્રહ્મચારીઓએ સંતોષે યુક્ત રહેવું, રસના ઇન્દ્રિયની લોલુપતાથી ધનવાનોની આગળ વારંવાર યાચના કરવી નહિ. ''यद्च्छालाभतुष्टस्य तेजो विप्रस्य वर्धते'' ।। इति ।। દૈવ ઇચ્છાએ પ્રાપ્ત થયેલી વસ્તુથી સંતોષ રાખનાર બ્રહ્મચારીનું બ્રહ્મ તેજ વૃદ્ધિ પામે છે.
અને વળી બ્રહ્મચારીઓએ માનથી રહિત રહેવું. અભિમાન સર્વે ગુણોને હરી લેનારું કહેલું છે. જેમ કે- ''जरा रुपं हरते, धैर्यमाशा, मृत्युः प्राणान्, धर्मचर्यामसुया, क्रोधः श्रियं, शीलमनार्यसेवा, हृयिं कामः, सर्वमेवा।भिमानः'' ।। इति ।। વૃદ્ધાવસ્થા રૂપને હરી લે છે, આશા ધૈર્યને હરી લે છે, મૃત્યુ પ્રાણોને હરી લે છે, ક્રોધ શોભાને હરી લે છે, અસત્ પુરુષોની સેવા શીલને હરી લે છે, કામ લજ્જાને હરી લે છે, પણ અભિમાન તો સર્વસ્વ હરી લે છે, માટે બ્રહ્મચારીઓએ હમેશાં અભિમાનથી રહિત રહેવું, આવો અભિપ્રાય છે. ।।૧૮૦।।