न स्पृश्यो नेक्षणीयश्च नारिवेषधरः पुमान् । न कार्यं स्त्रीः समुद्दिश्य भगवग्दुणकीर्तनम् ।।१९।।
અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, સ્ત્રીના વેષને ધારણ કરી રહેલા પુરુષને અડવું નહિ. અને તેની સામું જોવું નહિ, અને સ્ત્રીને ઉદેશી કરીને ભગવાનની કથા, વાર્તા અને કીર્તન પણ કરવાં નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- સ્ત્રીના વેષને ધારણ કરી રહેલો કોઇ ભવાઇઓ હોય, તેનો સ્પર્શ કરવો નહિ, અને તેને જોવો પણ નહિ. કારણ કે એવા ભવાઇઆનાં દર્શનાદિકે કરીને હૃદયમાં સ્ત્રીના ભાવની સ્ફૂર્તિ થઇ આવે છે. અને વળી બ્રહ્મચારીઓ હોય તેમણે, ''દૂર રહેલી સ્ત્રી ભલે સાંભળે'' આવા અભિપ્રાયથી ભગવાનની કથા-વાર્તા કરવી નહિ. કારણ કે સ્ત્રીઓનો ઉદેશ રાખીને કથા વાર્તા કરવાથી મનમાં સ્ત્રીના સ્મરણનો સંભવ રહે છે. તેથી પોતાના નૈષ્ઠિક વ્રતમાં દૂષણની પ્રાપ્તિ થાય છે, આવો અભિપ્રાય છે. આ શ્લોકમાં પણ એજ હાર્દ છે કે, બ્રહ્મચારીઓએ સર્વે પ્રકારે સ્ત્રીનો સંબન્ધ રાખવો નહિ. ।।૧૭૯।।