શ્લોક ૧૭૮

न स्त्रीप्रतिकृतिः कार्या न स्पृश्यं योषितों।शुकम् ।न वीक्ष्यंं मैथुनपरं प्राणिमात्रं च तैर्धिया ।।१८।।


અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, સ્ત્રીની પ્રતિમાનું નિર્માણ કરવું નહિ. અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારણ કરેલું જે વસ્ત્ર, તેને અડવું નહિ, અને મૈથુનાસક્ત એવાં જે પશુ, પક્ષી આદિક પ્રાણીમાત્ર, તેમને જાણીને જોવાં નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- બ્રહ્મચારીઓએ મનુષ્ય સ્ત્રીની કોઇપણ પ્રતિમાનું નિર્માણ કરવું નહિ, દેવતાસ્ત્રીઓની પ્રતિમાઓનું નિર્માણ કરવામાં દોષ નથી. તથા સ્ત્રીએ ધારણ કરેલાં વસ્ત્રને બુદ્ધિપૂર્વક અડવું નહિ. તેમાં ધોયું થકું ભીંજાયેલું હોય, ધોયું થકું સુકાયેલું હોય અને નવું હોય એ વસ્ત્રનો સ્પર્શ કરવામાં દોષ નથી. તેવી જ રીતે મૈથુનમાં આસક્ત પશુપક્ષ્યાદિક પ્રાણીમાત્રને બુદ્ધિપૂર્વક જોવાં નહિ. કારણ કે મૈથુનમાં આસક્ત પ્રાણીમાત્રને જોવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે અને તેથી બ્રહ્મચારીના બ્રહ્મચર્યવ્રતનો નાશ થઇ જાય છે. માટે બ્રહ્મચારીઓએ ઇરાદા પૂર્વક, મૈથુનમાં આસક્ત એવાં પ્રાણીઓને જોવાં નહિ. આ શ્લોકમાં પણ શ્રીહરિનો એજ હાર્દ છે કે, બ્રહ્મચારીઓએ સ્ત્રીનો સંબન્ધ સર્વપ્રકારે છોડી દેવો જોઇએ. ।।૧૭૮।।