શ્લોક ૧૭૭

देवताप्रतिमां हित्वा लेख्या काष्टादिजापि वा । न योषित्प्रतिमा स्पृश्या न वीक्ष्या बुद्धिपूर्वकम् ।।१।।


અને વળી બ્રહ્મચારીઓ હોય તેમણે, દેવતાસ્ત્રીની પ્રતિમા સિવાય બીજી સ્ત્રીની ચિત્રની કે કાષ્ટાદિકની પ્રતિમા હોય, તેનો પણ સ્પર્શ કરવો નહિ, અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહિ.


 શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- દેવતાની પ્રતિમા સિવાય એટલે કે રાધિકાજી, લક્ષ્મીજી, સરસ્વતી અને ભક્તિમાતા ઇત્યાદિક દેવતાસ્ત્રીઓની પ્રતિમા સિવાય કોઇપણ મનુષ્ય જાતિની સ્ત્રીની પ્રતિમા ચિતરેલી હોય, છાપેલી હોય, લાકડાંની કે પથ્થરની હોય તેનો સ્પર્શ કરવો નહિ, અને એ પ્રતિમાઓને જોવી પણ નહિ. શતાનંદ સ્વામી કહે છે કે, આવી આજ્ઞા પાળવી બહુ મુશ્કેલ છે, છતાં મહારાજની આજ્ઞા છે તેથી પાળવી જ જોઇએ, પણ જ્યાં વિકટ પરિસ્થિતિ હોય ત્યાં એ પૂતળાંને કે ચિત્રામણને અડી જવાય કે સ્પર્શ થઇ જાય તો દોષ નહિ. પરંતુ કામભાવથી ઇરાદા પૂર્વક એ ચિત્રામણને અડવું નહિ, કે જોવું પણ નહિ. આ બાબતમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે. ''पदा।पि युवतिं भिक्षुर्न स्पृशेत् दारवीमपि'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે, બ્રહ્મચારીઓએ પગ વડે પણ સ્ત્રીના કાષ્ટના પૂતળાંનો સ્પર્શ કરવો નહિ. આ શ્લોકનો પણ એજ હાર્દ છે કે, બ્રહ્મચારીઓએ સર્વ પ્રકારે સ્ત્રીના સંબન્ધથી બચવું. કોઇપણ પ્રકારનો સ્ત્રીનો સંબન્ધ થવા દેવો નહિ. ।।૧૭૭।।