શ્લોક ૧૭૬

तासां वार्ता न कर्तव्या न श्रव्याश्च कदाचन । तत्पादचारस्थानेषु न च स्ननादिकाः क्रियाः ।।१६।।


અને વળી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, સ્ત્રીઓની વાર્તા ક્યારેય કરવી નહિ, અને સાંભળવી પણ નહિ. અને જે સ્થાનકમાં સ્ત્રીઓનો પગફેર હોય, તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા જવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- બ્રહ્મચારીઓએ સ્ત્રીઓના ગુણ અવગુણની વાર્તા ક્યારેય પણ કરવી નહિ. આ બાબતમાં નારદમુનિનું વાક્ય પ્રમાણરૂપ છે- ''वर्जयेत् प्रमदागाथामगृहस्थो बृहद्व्रतः । इन्द्रियाणि प्रमाथीनि हरन्त्यपि यत्तेर्मनः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની વાર્તાનો ત્યાગ કરી દેવો, કારણ કે બળવાન ઇન્દ્રિયો યતિના મનને પણ હરી લે છે. માટે બ્રહ્મચારીઓએ સ્ત્રીસંબન્ધી વાતોનો ત્યાગ કરી દેવો. તેવી જ રીતે કોઇએ કરવા માંડેલી સ્ત્રીસંબન્ધી વાતો બ્રહ્મચારીએ સાંભળવી પણ નહિ. અને જે શાસ્ત્રની અંદર શૃંગારરસનું વર્ણન હોય એવાં કામશાસ્ત્રનું પણ શ્રવણ કરવું નહિ. ''कामो बन्धनमेवैकं नान्यदस्तीह बन्धनम्'' ।। इति ।। કારણ કે આ લોકને વિષે કામ છે એજ એક બંધન રૂપ છે. કામ સિવાય બીજું કોઇ બંધન નથી. માટે જે કામબંધનથી મુક્ત થયો એ બ્રહ્મને પામી જાય છે. અને વળી જ્યાં સ્ત્રીનો પગફેર હોય, અર્થાત્ ગામની ભાગોળે, તળાવ કે નદી હોય, તેના કિનારા ઉપર ગામની સ્ત્રીઓ આવતી હોય, વાસણો માંજતી હોય, કપડાં ધોતી હોય, અને સ્નાન કરતી હોય, આવાં સ્થાનકને વિષે બ્રહ્મચારીઓએ સ્નાન કે મળમૂત્રનો ત્યાગ કરવા જવું નહિ. કારણ કે તે સ્થાનોમાં જો સ્નાનાદિક ક્રિયા માટે બ્રહ્મચારીઓ જાય તો ત્યાં સ્ત્રીના સ્મરણની પ્રાપ્તિ થાય છે. માટે શ્રીહરિનો ભાવ એવો છે કે, સર્વપ્રકારે સ્ત્રીના પ્રસંગનો ત્યાગ કરી દેવો. કોઇપણ પ્રકારે સ્ત્રીનો પ્રસંગ રાખવો નહિ. ।।૧૭૬।।