હવે નૈષ્ઠિક બ્રહ્મચારીઓના વિશેષ ધર્મો કહે છે.
नैष्ठिकव्रतवन्तो ये वर्णिनो मदुपाश्रयाः । तैः स्पृश्या न स्त्रियो भाष्या न च वीक्ष्याश्च ता धिया ।।
મારા આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે, સ્ત્રીમાત્રનો સ્પર્શ કરવો નહિ, અને સ્ત્રીઓ સાથે બોલવું નહિ, તથા જાણીને સ્ત્રીની સન્મુખ જોવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહિ, અને સ્ત્રીઓ સાથે બોલવું નહિ, તથા ઇરાદા પૂર્વક સ્ત્રીઓની સામું જોવું નહિ. શતાનંદ સ્વામી સમજાવે છે કે, સ્ત્રીઓ સામું જોવું નહિ, એનો અર્થ એવો નથી કે આંખો મીંચીને ચાલવું, પણ ઇરાદા પૂર્વક સ્ત્રીઓ સામું જોવું નહિ. દૃષ્ટિની પાછળ જ્યારે કોઇ ઇરાદો જોડાય ત્યારે જ જોયું કહેવાય. રસ્તે ચાલતાં સ્ત્રીઓ સામે નજર તો કરવી જ પડે. નજર કરવામાં દોષ નથી, પણ નજરની પાછળ જે ખરાબ ઇરાદો રહેલો હોય છે, એ દોષરૂપ છે. અર્થાત્ કામભાવે કરીને સ્ત્રીઓની સામે નજર કરવી એ દોષરૂપ છે. માટે બ્રહ્મચારીઓએ કામભાવે સ્ત્રીઓના સામું જોવું નહિ. કારણ કે સ્ત્રી એક મોહ ઉત્પન્ન કરનારું પદાર્થ છે. સ્ત્રી થકી જે મોહ ઉત્પન્ન થાય છે, તેવો મોહ બીજી કોઇ વસ્તુ થકી થતો નથી. માટે જ્ઞાની પુરૂષો પણ જો સ્ત્રીનો પ્રસંગ રાખવા જાય તો તેનું પણ ઠેકાણું રહે નહિ, અવશ્ય પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થાય. આ બાબતમાં સ્કંદપુરાણનું વાક્ય પ્રમાણ રૂપ છે કે- ''प्रमदासु प्रमाद्यन्ति क्वचिन्नैव विपश्चितः । विद्वांसमप्यविद्वांसं यतस्ता धर्षयत्यलम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, સ્ત્રીનો પ્રસંગ જ્ઞાની પુરુષોને પણ મોહ ઉત્પન્ન કરનારો છે. અર્થાત્ જ્ઞાનીપુરુષોની બુદ્ધિને પણ કુંઠિત કરી નાખે છે. પછી જ્ઞાની પુરુષ સારું કે નરસું કાંઇપણ વિચારી શકતો નથી. પુરાણોમાં નારદ અને પર્વતની પ્રસિદ્ધ કથા છે. નારદ અને પર્વત પોતે બ્રહ્મચારી હતા, જ્ઞાની હતા, છતાં પણ કેવળ અંબરીષ રાજાની પુત્રીનો હાથ જોવા માત્રથી કામે કરીને વ્યાકુળ થયા હતા. સારું નરસું કાંઇપણ વિચારી શક્યા ન હતા, અને બન્નેએ અંબરીષ રાજાની પુત્રીને પરણવાની ઇચ્છા કરેલી હતી. અને સ્વયંવરમાં અંબરીષરાજાની પુત્રીને વરવાની ઇચ્છાથી વિષ્ણુ ભગવાન પાસે સુંદર રૂપની યાચના કરતાં બન્નેને માંકડાના મુખની પ્રાપ્તિ થયેલી હતી. આ રીતે સ્ત્રીનો પ્રસંગ સામાન્યપણે તમામ પુરુષોની ઇન્દ્રિયોને આકર્ષણ કરનારો છે. માટે નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ સર્વ પ્રકારે સ્ત્રીના પ્રસંગનો ત્યાગ કરી દેવો, એવો સર્વે શાસ્ત્રોનો અભિપ્રાય છે. ।।૧૭૫।।