શ્લોક ૧૭૩-૧૭૪

હવે સધવા અને વિધવા સ્ત્રીઓના સંયુક્ત ધર્મો કહે છે.
सधवाविधवाभिश्च न स्नतव्यं निरम्बरम् । स्वरजोदर्शनं स्त्रीभिर्गोपनीयं न सर्वथा ।।१३।।
मनुष्यं चांशुकादीनि नारी क्वापि रजस्वला । दिनत्रयं स्पृशेन्नैव स्वात्वा तुर्ये।ह्नि सा स्पृशेत् ।।१४।।


અને વળી સધવા અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે, વસ્ત્ર પહેર્યા વિના નગ્ન સ્નાન કરવું નહિ, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત રાખવું નહિ. અને વળી રજસ્વલા એવી સધવા અને વિધવા સ્ત્રીઓએ ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડવું નહિ. અને ચોથે દિવસે સ્નાન કરીને અડવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- વસ્ત્ર વિના સ્નાન કરવું એ વરુણદેવનો અપરાધ કહેલો છે. આ બાબતમાં ભાગવતનો દશમસ્કંધ પ્રમાણરૂપ છે- ''यूयं विवस्त्रा यदपो धृतव्रता व्यगाहतैतत्तदु देवहेलनम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- ગોપીઓ નગ્ન થઇને યમુનામાં સ્નાન કરતી હતી, તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓનાં વસ્ત્ર લઇને કદંબના વૃક્ષ ઉપર ચઢી ગયા. તેને જોઇને ગોપીઓએ કહ્યું કે- હે કૃષ્ણ ! અમારાં વસ્ત્રો આપી દો, નહિ તો અમો તમારા માતા, પિતાને કહી દઇશું. તે સમયે શ્રીકૃષ્ણ કહે છે કે, હે ગોપીઓ ! તમો વસ્ત્ર વિના નગ્ન થઇને યમુનામાં સ્નાન કરો છો, એ ખરેખર તમોએ વરુણદેવનો અપરાધ કરેલો છે. માટે તેના પ્રાયશ્ચિત રૂપે જળમાંથી બહાર આવીને બે હાથ જોડી તમારાં વસ્ત્રો લઇ જાવ. આ રીતે વસ્ત્ર વિના સ્નાન કરવું એ તો સ્ત્રીઓ અને પુરુષો બધાયને માટે નિષેધ છે. માટે બન્ને પ્રકારની સ્ત્રીઓએ વસ્ત્ર વિના સ્નાન કરવું નહિ. શંખસ્મૃતિમાં તો દિવસે મૈથુન કરે તથા જળમાં નગ્ન સ્નાન કરે તો એક દિવસ ઉપવાસ કરવો, આ રીતે પ્રાયશ્ચિત બતાવેલું છે. તેવી જ રીતે સર્વે સ્ત્રીઓએ ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ ગ્રહણ કરેલો હોવાથી દર માસે થતું જે પોતાનું રજોદર્શન સર્વપ્રકારે ગુપ્ત રાખવું નહિ. અને જ્યારે રજોદર્શન થાય ત્યારે ઘરનાં કાર્યમાં પણ પ્રવર્તવું નહિ. કારણ કે રજસ્વલા સ્ત્રીના સંસર્ગથી બીજાઓને પણ બ્રહ્મહત્યાના ભાગના સંબન્ધની પ્રાપ્તિ થાય છે. ભાગવતમાં કહેલું છે કે- ''शश्वत् कामवरेणांहस्तुरीयं जगृहूः स्त्रियः । रजोरूपेण तास्वंहो मासि मासि प्रदृश्यते'' ।। इति ।। નિરંતર અમોને કામવાસના રહે આવું વરદાન ઇંદ્ર પાસેથી ગ્રહણ કરીને, તેના બદલામાં સ્ત્રીઓએ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારેલો છે. એ ચોથો ભાગ માસે માસે સ્ત્રીઓમાં રજોરૂપે જોયામાં આવે છે, આવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. માટે સધવા અને વિધવા સ્ત્રીઓએ સર્વ પ્રકારે પોતાનું રજોદર્શન ગુપ્ત રાખવું નહિ. અને વળી રજસ્વલા સ્ત્રીઓએ ત્રણ દિવસ પર્યંત મનુષ્યમાત્રનો સ્પર્શ કરવો નહિ. પશ્વાદિકનો સ્પર્શ કરવામાં દોષ નથી. તથા વસ્ત્રો, માટીનાં પાત્રો એ આદિકનો પણ ત્રણ દિવસ સુધી સ્પર્શ કરવો નહિ. ચોથે દિવસે વસ્ત્રોએ સહિત સ્નાન કરીને મનુષ્યોનો કે વસ્ત્રાદિકનો સ્પર્શ કરવો.


ત્રણ દિવસ સુધી સ્ત્રીઓએ કોઇને અડકવું નહિ તેનું કારણ એ જણાય છે કે, સ્ત્રીઓના શરીરમાં એક માસ પર્યન્ત રજ એકત્રિત થતું રહે છે. તેથી તેનો રંગ પણ કાળો પડી જતો હોય છે. એક માસ બાદ નાડીયંત્રના પ્રયત્નો દ્વારા આખા શરીરમાંથી એ રજ એકત્રિત થઇને સ્ત્રીઓની યોનિદ્વારા બહાર નીકળવાનો જે પ્રારંભ કરે છે તેને રજોદર્શન કહેવામાં આવે છે. અને તેની અસર ત્રણ દિવસ સુધી ચાલે છે. આ બાબતમાં વૈજ્ઞાનિકો દ્વારા પણ સંશોધન કરવામાં આવ્યું છે કે, સ્ત્રીઓના શરીરમાંથી નીકળતા રજની અંદર કેટલાક પ્રકારનાં ઝેરી કીટાણુઓ હોય છે. જેને વિષાણું કહેવામાં આવે છે. સ્ત્રીઓની આ રજોવસ્થામાં જ્યારે નાડીયંત્રના પ્રયત્ન દ્વારા અપવિત્ર રજને બહાર વહેવડાવીને સ્ત્રીના શરીરની શુદ્ધિ થઇ રહેલી હોય છે, ત્યારે શરીરના રુંવાડામાંથી નીકળતી ગરમી અને પરસેવા દ્વારા પણ ઝેરી કીટાણુઓ બહાર આવતાં હોય છે. અને તેની અસર ત્રણ દિવસ ચાલતી હોય છે. તેથી રુંવાડામાંથી ગરમી અને પરસેવા દ્વારા બહાર આવતાં ઝેરી કીટાણુઓનું સંક્રમણ બીજી વસ્તુની અંદર કે મનુષ્યની અંદર ન થાય, તેને માટે રજસ્વલા સ્ત્રીઓને ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્ય કે પાત્રાદિકનો સ્પર્શ કરવાનો નિષેધ કરેલો હોય એમ જણાય છે. અને આ રીતિ પણ કાંઇ આજ કાલની નથી. ભારતવર્ષની અંદર તો આદિકાળથી ચાલી આવેલી બહુજ પ્રાચીન રીતિ છે. પરંતુ આજે સમયની સાથે આ વ્યવસ્થા બદલાઇ રહેલી છે. અત્યારના આધુનિક મનુષ્યો તો આ શાસ્ત્રીય બંધનને દૂર ફેંકીને પોતાના મનમાન્યા આચાર વિચારોનું પાલન કરે છે. પણ એ શાસ્ત્રોથી તદૃન વિરુદ્ધ છે. અને શરીરના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડનાર છે. માટે સધવા અને વિધવા સ્ત્રીઓએ સાવધાન થઇને આ શાસ્ત્રની પ્રાચીન મર્યાદાનું પાલન કરવું. આ મર્યાદાનું પાલન કરવામાં જ ઇશ્વરનો રાજીપો છે. માટે આ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ, આવો સર્વ શાસ્ત્રોનો અભિપ્રાય છે. ।।૧૭૩-૧૭૪।।