निजसम्बन्धिभिरपि तारुण्ये तरुणैर्नरैः । साकं रहसि न स्थेयं ताभिरापदमन्तरा ।।११।।
અને વળી વિધવા સ્ત્રીઓ હોય તેમણે, પોતાને જ્યારે યુવાવસ્થા વર્તતી હોય ત્યારે યુવાન અવસ્થાવાળા પોતાના સંબન્ધી પુરુષોની સાથે પણ એકાંત સ્થળમાં આપત્કાળ પડયા વિના રહેવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- વિધવા સ્ત્રીઓએ પોતાને યુવાવસ્થા વર્તતી હોય ત્યારે પોતાના જ સંબન્ધી પિતા, ભાઇ આદિક જો યુવાન હોય તો તેની સાથે પણ એકાંત સ્થળમાં આપત્કાળ પડયા વિના રહેવું નહિ. કારણ કે કામ વિકારથી ઉત્પન્ન થતા સંપૂર્ણ દોષો યુવાવસ્થાને આશ્રિને રહેલા છે. આ બાબતમાં સ્મૃતિનું વાક્ય પ્રમાણ રૂપ છે. ''तारुण्येन जगज्जेतुं वातेनेद्ध इवानलः । शक्नोति सहसा कामो दुर्निवार्यो हि साधनैः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, જેમ અગ્નિ પવનના આશ્રયથી અતિ બળવાન થઇ જાય છે, પછી તે અગ્નિ ઓલવી શકાતો નથી. આ રીતે પવનનો આશ્રય લઇને અગ્નિ સારાય જગતને બાળવા માટે સમર્થ થઇ જાય છે. તેમજ કામ પણ યુવાવસ્થાના આશ્રયથી અતિ બળવાન થઇ જાય છે, પછી જ્ઞાનાદિક સાધનોથી નિવારી શકાતો નથી. આ રીતે કામ યુવાવસ્થાનો આશ્રય લઇને સારાય જગતને જીતવા માટે સમર્થ થાય છે. માટે યુવાવસ્થાવાળા પુરુષે યુવાવસ્થાવાળી માતા કે પુત્રીની સાથે પણ એકાંતસ્થળમાં રહેવું નહિ. આ પ્રમાણે જૈમિનિ મુનિએ કહેલું છે. માટે વિધવા સ્ત્રીઓએ યુવાવસ્થામાં સાવધાન રહેવું, આવો અભિપ્રાય છે. ।।૧૭૧।।