वेषो न धार्यस्ताभिश्च सुवासिन्याः स्त्रियास्तथा । न्यासिन्या वीतरागाया विकृतश्च न कर्हिचित् ।।१६९।।
અને વળી વિધવા સ્ત્રીઓ હોય તેમણે, સુવાસિની સ્ત્રીના જેવો વેષ ધારણ કરવો નહિ, તથા સંન્યાસણી અને વૈરાગણીના જેવો વેષ ધારણ કરવો નહિ. અને પોતાના દેશ, કુળ અને આચારથી વિરૂદ્ધ વેષ પણ ધારણ કરવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- વિધવા સ્ત્રીએ સધવા સ્ત્રીના જેવો વેષ ધારણ કરવો નહિ, અર્થાત્ વસ્ત્રાદિકે કરીને કે અલંકારાદિકે કરીને શરીરને શણગારવું નહિ. શરીરના શણગારો કરવા એ સધવા સ્ત્રીની શોભા છે, પણ વિધવા સ્ત્રીની તેમાં શોભા નથી. અને વળી ભગવાં વસ્ત્ર પહેરીને મનુષ્યોને છેતરવા માટે ભ્રમણ કરતી એવી જે સંન્યાસણી, તેના જેવો વેષ ધારણ કરવો નહિ. તથા રામભક્ત પુરુષની સમાન શ્વેત વસ્ત્ર ધારણ કરીને ભ્રમણ કરતી એવી જે વૈરાગણી, તેના જેવો વેષ પણ ધારણ કરવો નહિ. તથા પોતાના દેશ, કુળ અને આચારથી વિરૂદ્ધ વેષ પણ ક્યારેય ધારણ કરવો નહિ. લોકમાં સામાન્ય રીતે વિધવા સ્ત્રી જે વેષને ધારણ કરતી હોય એ વેષ ધારણ કરવો, આવો અભિપ્રાય છે. ।।૧૬૯।।