શ્લોક ૧૬૮

कार्यश्च सकृदाहारस्ताभिः स्वापस्तु भूतले । मैथुनासक्तयोर्वीक्षा क्वापि कार्या न देहिनोः ।।१६८।।


અને વળી વિધવા સ્ત્રીઓએ એક જ વાર જમવું, અને પૃથ્વીને વિષે સુવું તથા મૈથુનાસક્ત એવાં જે પશુ, પક્ષી આદિક જીવપ્રાણી માત્ર તેમને ક્યારેય જાણીને જોવાં નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- વિધવા સ્ત્રીઓએ વ્રતોપવાસને છોડીને હમેશાં એકવાર જમવું. નિદ્રા તો પૃથ્વી ઉપર જ કરવી, પલંગાદિકને વિષે નિદ્રા કરવી નહિ. અને મૈથુનાસક્ત પ્રાણીઓને બુદ્ધિપૂર્વક ક્યારેય પણ જોવાં નહિ. કારણ કે મૈથુનાસક્ત પ્રાણીઓને જોવાથી તત્કાળ મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. એજ કારણથી પોતાના બ્રહ્મચર્ય વ્રતના ભંગની પ્રાપ્તિ થાય છે. માટે તાત્પર્ય એ છે કે વિધવા સ્ત્રીઓએ જેમ બને તેમ દમન અને શમન દ્વારા પોતાના બ્રહ્મચર્ય વ્રતને જાળવી રાખવું. ।।૧૬૮।।