धनं च धर्मकार्ये।पि स्वनिर्वाहोपयोगि यत् । देयं ताभिर्न तत् क्वापि देयं चेदधिकं तदा ।।१६।।
અને વળી વિધવા સ્ત્રીઓએ પોતા પાસે દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન ધર્મકાર્યને વિષે પણ આપવું નહિ, અને જો તેથી અધિક હોય તો આપવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- પોતા પાસે પોતાના દેહનો નિર્વાહ થાય એટલું જ જો ધન હોય, અને એ ધન જો ધર્મકાર્યમાં આપી દે, તો પછી વિધવા સ્ત્રીઓને પોતાના નિર્વાહને માટે મજુરી કરવી પડે, કોઇનાં વાસણ માંજવાં જવું પડે, બીજાની શુશ્રુષા કરવી પડે, તેણે કરીને ધર્મથી ભ્રષ્ટ થવાના પ્રસંગો સર્જાય છે. માટે વિધવા સ્ત્રીએ પોતા પાસે અધિક જો ધન હોય તો જ ધર્મકાર્યમાં આપવું, નહિ તો આપવું નહિ.
હવે અહીં પ્રતિવાદી શંકા કરે છે કે- શાસ્ત્રમાં સ્ત્રી, નોકર અને પુત્ર આ ત્રણને નિર્ધન કહ્યા છે. આ ત્રણે કાંઇપણ ધન પ્રાપ્ત કરે, એ ધન તેના માલિકનું થાય છે. અર્થાત્ પુત્રે પ્રાપ્ત કરેલું ધન પિતાને મળે છે. નોકરે પ્રાપ્ત કરેલું ધન તેના માલિકનું થાય છે. અને પત્નીએ પ્રાપ્ત કરેલું ધન તેના પતિનું થાય છે. આ રીતે શાસ્ત્રમાં સ્ત્રીને તો નિર્ધન બતાવેલી છે, માટે સ્ત્રી પાસે ધન હોય જ ક્યાંથી કે જેથી ધર્મકાર્યમાં આપી શકે ?
આના ઉત્તરમાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- સ્ત્રીએ પ્રાપ્ત કરેલા ધનનું રક્ષણ કરવામાં જ તેના પતિનો અધિકાર છે, પણ પોતાની ઇચ્છાથી વાપરવામાં પતિને અધિકાર નથી. ''धर्मकार्ये।पि न ग्राह्यं पुरुषैः स्त्रीधनं क्वचित्'' ।। इति ।। ધર્મકાર્યમાં પણ સ્ત્રીના ધનને પુરુષોએ ક્યારેય પણ ગ્રહણ કરવું નહિ, આ રીતે સ્મૃતિમાં નિષેધ કરેલો છે. માટે પતિના મૃત્યુ પછી સ્ત્રી જ તે ધનનું રક્ષણ કરનારી છે. તેથી સ્ત્રી નિર્ધન કહેવાતી નથી. અને વળી સ્ત્રી જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્ત્રીના ધનને કોઇ સંબન્ધીએ પણ લેવું નહિ. અને જો જીવતી સ્ત્રીના ધનને કોઇ સંબન્ધી લઇ લે તો રાજાએ તેને ચોર માનીને સજા કરવી, આ પ્રમાણે મનુએ કહેલું છે. માટે વિધવા સ્ત્રીઓએ પોતાના સામર્થ્ય પ્રમાણે દાનપૂણ્ય કરવું, આવો અભિપ્રાય છે. ।।૧૬૭।।