विद्या।नासन्नसम्बन्धात्ताभिः पाठया न का।पि नुः । व्रतोपवासैः कर्तव्यो मुहुर्देहदमस्तथा ।।१६६।।
અને વળી વિધવા સ્ત્રીઓએ પોતાના સમીપ સંબન્ધથી રહિત એવા પુરુષ થકી કોઇપણ વિદ્યા ભણવી નહિ, અને વ્રતોપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય કહેતાં સમજાવે છે કે- સમીપ સંબન્ધથી રહિત એવા પુરુષોનો પ્રસંગ વિધવા સ્ત્રીઓને માટે પરિણામે વિપરીત હોવાને કારણે, વિધવા સ્ત્રીઓને ભગવાનનાં ચરિત્રનો કોઇ ગ્રન્થ ભણવાની જો ઇચ્છા થાય તો પોતાના પિતા, ભાઇ આદિક પોતાના સંબન્ધીજનોની સમીપે ભણવું, પણ બીજે નહિ. તેવી જ રીતે વિધવા સ્ત્રીઓએ એકાદશી આદિક નિત્ય વ્રતો તથા ધારણાપારણાદિક નૈમિત્તિક વ્રતો વડે પોતાના દેહનું દમન કરવું. સ્કન્દપુરાણમાં વિધવા સ્ત્રીઓના ધર્મો કહેલા છે, તેમાં પ્રતિપાદન કરેલું છે કે- ''एकाहारः सदा कार्यो न द्वितीयो विना।।पदम् । मासोपवासं वा कुर्याच्चान्द्रायणमथापिवा'' ।। इति ।। વિધવા સ્ત્રીઓએ હમેશાં એક જ વખત જમવું, આપત્કાળ વિના બીજી વખત જમવું નહિ. ચાન્દ્રાયણાદિક વ્રતો કરવાં, માથું મુંડાવી નાખવું, અથવા તો જટાધારણ કરવી પણ વાળને ઓળવાં નહિ. વિધવા સ્ત્રીએ અંબોળો બાંધવો નહિ, પૃથ્વી ઉપર સુવું પણ પલંગ ઉપર સુવું નહિ. વિકૃત વેષ ધારણ કરવો નહિ. પોતાના કપડાંમાં અત્તર છાંટવું નહિ. આ રીતે વિધવા સ્ત્રીઓના ધર્મો શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યા છે. ।।૧૬૬।।