શ્લોક ૧૬૫

स्तनन्धयस्य नुः स्पर्शे न दोषो।स्ति पशोरिव । आवश्यके च वृद्धस्य स्पर्शे तेन च भाषणे ।।१६५।।


અને વળી વિધવા સ્ત્રી હોય તેમણે, પશુના સ્પર્શને વિષે જેમ દોષ નથી, તેમ નાના ધાવણા બાળકનો સ્પર્શ કરવામાં દોષ નથી. અને અવશ્યના કામકાજમાં કોઇ વૃદ્ધ પુરુષને અડાય કે તેની સાથે બોલાય તો પણ દોષ નથી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- વિધવા સ્ત્રીએ પશુની પેઠે નાના બાળકને અડવામાં દોષ નથી, કારણ કે નાનો બાળક અને પશુ આ બન્નેની અંદર અજ્ઞાનીપણું સરખું છે. શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય વર્ણવતાં કહે છે કે- શ્રીજીમહારાજે વિધવા સ્ત્રીઓને પુરુષના સ્પર્શાદિકનો નિષેધ કરેલો છે, એનું તાત્પર્ય એવું જણાય છે કે, વિધવા સ્ત્રીઓને માટે પુરુષનો સ્પર્શ આદિક, કામવિકારને ઉત્પન્ન કરનાર છે, અને ક્યારેક મિથ્યા અપવાદનો પણ સંભવ છે, તેથી શાસ્ત્રમાં નિષેધ કરેલો હોય એમ જણાય છે. અને એ કામવિકારનો બાળક તથા વૃદ્ધને વિષે સંભવ નથી, તેથી શ્રીજીમહારાજે બાળક અને વૃદ્ધના સ્પર્શાદિકમાં છુટ આપેલી હોય એમ જણાય છે. અને વળી કામથી ઉત્પન્ન થતા તમામ વિકારો યુવાનપણાને આશ્રિને રહે છે, તેથી યુવાવસ્થામાં સ્ત્રીઓ અને પુરુષોએ સાવધાન થઇને નિયમોનું પાલન કરવું. આવો અભિપ્રાય છે. ।।૧૬૫।।