શ્લોક ૧૬૪

स्वासन्नसम्बन्धहीना नराः स्पृश्या न कर्हिचित् । तरुणैस्तैश्च तारुण्ये भाष्यं नावश्यकं विना ।।१६४।।

અને વળી વિધવા સ્ત્રીઓએ પોતાના સમીપસંબન્ધ વિનાના પુરુષોનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહિ. અને પોતાની જ્યારે યુવાવસ્થા વર્તતી હોય ત્યારે સમીપ સંબન્ધ વિનાના યુવાન પુરુષો સાથે અવશ્યનું કામ પડયા વિના બોલવું નહિ.

શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- શાસ્ત્રોએ વિધવા સ્ત્રીઓને માટે બ્રહ્મચર્યનું વિધાન કરેલું છે. જેવી રીતે બ્રહ્મચારી પુરુષોનું બ્રહ્મચર્ય સ્ત્રીના દર્શનસ્પર્શાદિકે કરીને નાશ પામી જાય છે. તેવી જ રીતે સ્ત્રીઓનું પણ બ્રહ્મચર્ય પુરુષના દર્શનસ્પર્શાદિકે કરીને નાશ પામી જાય છે. અને જો બ્રહ્મચર્યનો નાશ થાય તો મહાન મોક્ષરૂપી સ્વાર્થનો પણ નાશ થઇ જાય છે, એજ કારણથી વિધવા સ્ત્રીઓએ સમીપ સંબન્ધ વિનાના પુરુષોનો સ્પર્શ કરવો નહિ, આવું તાત્પર્ય છે. અહીં પોતાના સમીપ સંબન્ધી પુરુષોની સાથે બોલવામાં કે સ્પર્શ કરવામાં દોષનો અભાવ કહેલો છે, એનું કારણ એ છે કે, સમીપ સંબન્ધી પુરુષો તો વિધવા સ્ત્રીઓની અકાર્યમાં પ્રવૃત્તિ થકી રક્ષણ કરનારા છે, માટે દોષનો અભાવ કહેલો છે, એમ જાણવું. અને વળી એવું કોઇ અવશ્યનું કામકાજ હોય તો સમીપ સંબન્ધથી રહિત એવા પુરુષોની સાથે પણ બોલવામાં કે સ્પર્શ કરવામાં દોષ નથી, જે રીતે પોતાના શરીરનું અને ધર્મનું રક્ષણ થાય એ રીતે વર્તવું, આવો અભિપ્રાય છે. ।।૧૬૪।।