શ્લોક ૧૬૩

હવે વિધવા સ્ત્રીઓના ધર્મો કહે છે.
विधवाभिस्तु योषाभिः सेव्यः पतिधिया हरिः । आज्ञायां पितृपुत्रादेर्वृत्यं स्वातन्त्र्यतो न तु ।।१६३।।


અમારે આશ્રિત એવી જે વિધવા સ્ત્રીઓ હોય, તેમણે પતિબુદ્ધિથી ભગવાનને સેવવા, અને પોતાના પિતાપુત્રાદિક જે સંબન્ધી, તેમની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્વતંત્રપણે વર્તવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- જેમનો પતિ મૃત્યુ પામી ગયો હોય આવી જે વિધવા સ્ત્રી હોય તેમણે તો આ પરમાત્મા એજ મારા પતિ છે, આવી બુદ્ધિથી ઇશ્વરની આરાધના કરવી. ''विष्णोस्तु सेवनं कार्यं पतिबुद्धया न चान्यथा'' ।। इति ।। સ્કન્દપુરાણમાં વિધવાના ધર્મોને વિષે કહેલું છે કે, વિધવા સ્ત્રીઓએ પતિબુદ્ધિથી ભગવાનની સેવા કરવી. અને વળી વિધવા સ્ત્રીઓએ સ્વતંત્રપણે ક્યારેય પણ વર્તવું નહિ. યાજ્ઞાવલ્ક્યસ્મૃતિમાં કહેલું છે કે- ''रक्षेत् कन्यां पिता विन्नां पतिः पुत्रस्तु वार्धके । अभावे ज्ञातयस्तेषां स्वातन्त्र्यं न क्वचित् स्त्रियाः'' ।। इति ।। જ્યારે સ્ત્રીની કન્યાવસ્થા હોય ત્યારે પિતાએ સ્ત્રીનું રક્ષણ કરવું, અને પરણેલી સ્ત્રીનું પતિએ રક્ષણ કરવું, અને વળી વૃદ્ધાવસ્થામાં પુત્રોએ રક્ષણ કરવું. પુત્રાદિક જો ન હોય તો જ્ઞાતિજનોએ સ્ત્રીનું રક્ષણ કરવું, અને જ્ઞાતિજનો પણ ન હોય તો રાજાએ સ્ત્રીનું રક્ષણ કરવું. પરંતુ સ્ત્રીઓનું સ્વતંત્રપણું ક્યારેય પણ શાસ્ત્રોએ કહેલું નથી. માટે વિધવા સ્ત્રીઓએ પિતા, પુત્રાદિકની આજ્ઞામાં રહેવું, આવો અભિપ્રાય છે. ।।૧૬૩।।