भूषासदंशुकधृतिः परगेहोपवेशनम् । त्याज्यं हास्यादि च स्त्रीभिः पत्यौ देशान्तरं गते ।।१६२।।
અને વળી સુવાસિની સ્ત્રીઓ હોય તેમણે, પોતાનો પતિ જ્યારે પરદેશ ગયો હોય ત્યારે આભૂષણો ધારણ કરવાં નહિ, ને રૂડાં વસ્ત્રો પણ ધારણ કરવાં નહિ. તથા પારકે ઘેર બેસવા જવું નહિ. અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરી દેવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પોતાનો પતિ જ્યારે પરદેશ ગયો હોય ત્યારે વસ્ત્ર અલંકારાદિકે કરીને સુવાસિની સ્ત્રીઓએ પોતાનું શરીર શણગારવું નહિ, બીજાને ઘેર બેસવા જવાનો પણ ત્યાગ કરી દેવો, અતિ ખડખડાટ હાસ્યનો પણ ત્યાગ કરી દેવો. આ બધી બાબતમાં યાજ્ઞાવલ્ક્ય ઋષિનું વાક્ય પ્રમાણ રૂપ છે- ''क्रीडां शरीर संस्कारं समाजोत्सवदर्शनम् । हास्यं परगेहोपवेशनम् त्यजेत् प्रोषितभर्तुका'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- જેનો પતિ પરદેશ ગયેલો હોય, આવી સુવાસિની સ્ત્રીએ દોડાદોડ અને ચપળપણાનો ત્યાગ કરી દેવો, શરીરના સંસ્કારોનો ત્યાગ કરી દેવો, અર્થાત્ શરીર શણગારવું નહિ, ખડખડાટ હાસ્યનો ત્યાગ કરી દેવો, પારકે ઘેર બેસવાનો અને સમાજોત્સવનાં દર્શનનો પણ ત્યાગ કરી દેવો, આવો ભાવ છે. ।।૧૬૨।।