શ્લોક ૧૬૧

नरेक्ष्यनाभ्यूरुकुचा।नुत्तरीया च नो भवेत् । साध्वी स्त्री न च भण्डेक्षा न निर्लज्जादिसङ्गिनी ।।१६१।।

અને વળી મારે આશ્રિત સુવાસિની સ્ત્રીઓ હોય તેમણે, પોતાની નાભિ, સાથળ અને છાતી, તેને બીજો પુરુષ દેખે એવી રીતે ન વર્તવું. અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, અને ભાંડભવાઇ જોવા ન જવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી સ્ત્રીઓનો સંગ ન કરવો.

શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- પતિવ્રતા સુવાસિની સ્ત્રીઓ તેમણે બીજા પુરુષની દૃષ્ટિ નાભિ, સાથળ કે સ્તન ઉપર ન જાય એવી રીતે મર્યાદા પૂર્વક વસ્ત્રો ધારણ કરવાં. અને હમેશાં ઉપર ઓઢવાનું વસ્ત્ર ધારણ કરી રાખવું. અને નાનાપ્રકારના વેષો ધારણ કરીને હસાવનારા જે ભવાઇઆ હોય તેને જોવા જવું નહિ. અને નિર્લજ્જ આદિક ઠગારી સ્ત્રીઓ હોય તેનો સંગ કરવો નહિ. યાજ્ઞાવલ્ક્યે કહેલું છે કે- જે સ્ત્રી પોતાના પતિનું પ્રિય અને હિત કરવામાં જ તત્પર રહે છે. અને મર્યાદા પૂર્વક વસ્ત્રાદિકને ધારણ કરીને સદાચારી બને છે, તે સ્ત્રી આ લોકમાં કીર્તિને પામે છે, અને મરીને ઉત્તમ ગતિને પામે છે. માટે સુવાસિની સ્ત્રીઓએ હમેશાં પતિનું હિત કરવામાં તત્પર પતિવ્રતા થવું જોઇએ. પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ હારીત મુનિએ કહેલું છે- ''आर्ता।।र्ते मुदिते हृष्टा प्रोषिते मलिना कुशा । मृते म्रियेत या पत्यौ सा स्त्री ज्ञोया पतिव्रता'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે, જે સ્ત્રી પતિના સુખે સુખી રહેતી હોય, અને પતિના દુઃખે દુઃખી રહેતી હોય, અને વળી પતિ જ્યારે પરદેશ ગયેલો હોય ત્યારે મલિન વસ્ત્રો ધારણ કરે અને વ્રત ઉપવાસે કરીને દેહને અત્યંત કૃશ કરી નાખે. અને પતિ જ્યારે મરે ત્યારે પતિની પાછળ મરે તેને પતિવ્રતા જાણવી. શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- અહીં પતિની પાછળ જે મરવાનું કહ્યું છે, એતો જેને મોક્ષનો ખપ ન હોય, બ્રહ્મચર્યનું પાલન કરવામાં સમર્થ ન હોય આવી કામુક સ્ત્રીને માટે કહેલું છે એમ જાણવું. કારણ કે મોક્ષનો જો ખપ ન હોય, અને બ્રહ્મચર્યનું પાલન કરવામાં અસમર્થ હોય, તો આવી સ્ત્રી વ્યભિચારાદિક દુષ્ટકર્મો વડે ત્રણે કુળને કલંકિત કરે છે, આવો ભાવ છે. તેમાં પણ કળીયુગમાં તો શાસ્ત્રોએ પતિની પાછળ મરવાનો બિલ્કુલ નિષેધ કરેલો છે. સ્કંદપુરાણમાં કહેલું છે કે- ''पत्यौ मृते।पि या योषिद् वैधव्यं पालयेत् क्वचित् । सा पुनः प्राप्य भर्तारं स्वर्गलोकमश्नुते'' ।। इति ।। જે સ્ત્રી પતિના મરણ પછી પણ વિધવાપણાનું પાલન કરે છે, તે સ્ત્રી ફરીવાર પોતાના પતિને પામી કરી સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. આ રીતે સ્કંદપુરાણનું વિધાન છે. માટે પતિવ્રતા સ્ત્રીએ કળીયુગમાં તો પોતાના પતિની પાછળ કદીપણ મરવું જ નહિ. અને જીવન પર્યન્ત બ્રહ્મચર્યનું પાલન કરવું, આવો અભિપ્રાય છે. ।।૧૬૧।।