रूपयौवनयुक्तस्य गुणिनो।न्यनरस्य तु । प्रसङ्गो नैव कर्तव्यस्ताभिः साहजिको।पि च ।।१६०।।
મારે આશ્રિત સુવાસિની સ્ત્રીઓએ રૂપ અને યુવાનપણાથી યુક્ત તથા ગુણવાન એવા પરપુરુષનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- પોતાના પતિ સિવાયનો પુરુષ રૂપવાન હોય, યુવાન હોય, અને ધર્માદિક ગુણોથી યુક્ત હોય, આવા પર પુરુષનો સ્વાભાવિક એવો પણ પ્રસંગ સ્ત્રીને માટે હાનિકારક છે. આનુશાસનિક પર્વમાં શંકરે કહેલું છે કે- સ્ત્રી પતિવ્રતા હોય, સારા આચારવાળી હોય, છતાં યુવાન પુરુષોના પ્રસંગથી તત્કાળ ધર્મભ્રષ્ટ થઇ જાય છે. અને પુરુષ પણ યુવાન સ્ત્રીના પ્રસંગ થકી તત્કાળ ધર્મભ્રષ્ટ થઇ જાય છે. આ રીતે બન્નેને પરસ્પરનો પ્રસંગ હાનિ પહોંચાડનારો કહ્યો છે. માટે પતિવ્રતા સ્ત્રીએ યુવાન એવા પરપુરુષની સાથે બોલવા બેસવા રૂપ પ્રકૃષ્ટ પ્રસંગ કરવો નહિ. અને સ્વતંત્રપણ રહેવું નહિ. હમેશાં પિતા પતિ આદિકની આજ્ઞામાં રહેવું. આ બાબતમાં પરાશરસ્મૃતિ પ્રમાણરૂપ છે- ''पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने । वार्धके पुत्रपौत्राद्या नास्ति स्त्रीणां स्वतन्त्रता'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે, કુમાર અવસ્થામાં સ્ત્રીની પિતા રક્ષા કરે છે. અને યુવાવસ્થામાં પતિ સ્ત્રીનું રક્ષણ કરે છે, અને વૃદ્ધાવસ્થામાં પુત્ર, પૌત્રાદિક સ્ત્રીનું રક્ષણ કરે છે. સ્ત્રીઓને ક્યારે પણ સ્વતન્ત્રતા કહેલી નથી. માટે પતિવ્રતા સુવાસિની સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞામાં જ રહેવું. પોતાના પતિની આજ્ઞાથી વિરુદ્ધ થવું નહિ. સધવા સ્ત્રી કે વિધવા સ્ત્રી જો પિતા, પુત્ર કે પતિની આજ્ઞામાં રહે નહિ તો એ સ્ત્રી ગામની ભુંડણીની સમાન થઇને તત્કાળ ધર્મભ્રષ્ટ થઇ જાય છે. માટે સ્ત્રીઓએ સ્વતંત્ર થવું નહિ, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૧૬૦।।