શ્લોક ૧૫૯

હવે સધવા સ્ત્રીઓના ધર્મો કહે છે.
सभर्तृकाभिर्नारीभिः सेव्यः स्वपतिरीशवत् । अन्धो रोगी दरिद्रो वा षण्ढो वाच्यं न दुर्वचः ।।१५९।।


અમારે આશ્રિત સુવાસિની સ્ત્રિયો હોય તેમણે, પોતાનો પતિ અંધ, દરિદ્રી, રોગી અને નપુંસક હોય તો પણ ઇશ્વરની પેઠે સેવવો. અને પતિ પ્રત્યે કટુક વચન બોલવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પતિવ્રતા જે સુવાસિની સ્ત્રીયો હોય તેમણે, પોતાનો પતિ ભાગ્યવશાત્ અંધ, રોગી, દરિદ્રી, અથવા તો નપુંસક હોય તો પણ ઇશ્વરની પેઠે સેવવો. પતિની સેવા કરવી એજ પતિવ્રતા સ્ત્રીયોનો મુખ્ય ધર્મ છે. આ બાબતમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે- ''भर्तुः शुश्रूषणं स्त्रीणां परो धर्मो ह्यमायया । तद्बन्धुनाञ्च कल्याण्यः प्रजानां चानुपोषणम्'' ।। इति ।। એક સમયે શરદઋતુની રાત્રીને વિષે શ્રીકૃષ્ણ ભગવાને વૃન્દાવનમાં જઇને વાંસડી વગાડી, ત્યારે વાંસડીનો સ્વર સાંભળીને ગોકુળની અંદર રહેલી સર્વે ગોપીઓ તત્કાળ જ પોતાના ઘરનાં કામકાજ છોડીને વૃન્દાવનમાં ભગવાન પાસે ગઇ. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે, હે ગોપીઓ ! અત્યારે ઘોર રાત્રીના સમયમાં સ્ત્રીઓએ ઘરથી બહાર ન નીકળવું જોઇએ. છતાં તમે અત્યારે મારી પાસે શા માટે આવેલી છો ? કારણ કે સ્ત્રીઓ હોય તેમણે તો પોતાના પતિની સેવા કરવી જોઇએ. કદાચ તમે કહેશો કે અમે તો તમારાં દર્શન કરવા માટે આવેલી છીએ, તો મારાં દર્શન પણ તમોને થયેલાં છે. માટે તમો અત્યારે તમારે ઘેર જાવ અને તમારા પતિની સેવા કરો, કારણ કે પોતાના પતિની નિષ્કામભાવથી સેવા કરવી એજ સ્ત્રીઓનો પરમ ધર્મ છે. કદાચ તમે કહેશો કે અમારા પતિ તો છે, પણ તમારા જેવા રૂપાળા નથી, તો હું કહું છું કે, હે ગોપીઓ ! પોતાનો પતિ જડ હોય, રોગી હોય, નિર્ધન હોય, છતાં પણ જો તે નિષ્પાપ હોય તો સ્ત્રીઓએ પતિનો ત્યાગ કરવો જોઇએ નહિ. કારણ કે પતિ છે એજ સ્ત્રીઓનું પરમ દૈવત કહેલું છે. આ રીતે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ પ્રત્યે કહેલું છે. માટે પતિવ્રતા જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ શરીરે ગમે તેવો હોય છતાંપણ ઇશ્વરનો ભાવ રાખીને પોતાના પતિની સેવા કરવી, આવો ભાવ છે. અને વળી પોતાના પતિ સામે પ્રતિકૂળ કઠોર એવું વચન બોલવું નહિ. પતિને અનુકૂળ જ વચન બોલવું. અને પતિની આજ્ઞામાં રહેવું, આવો અભિપ્રાય છે. ।।૧૫૯।।