राज्याङ्गोपायषड्वर्गा ज्ञोयास्तीर्थानि चाञ्जसा । व्यवहारविदः सभ्या दण्डयादण्डयाश्च लक्षणैः ।।१५८।।
મારા આશ્રિત રાજાઓ હોય તેમણે, રાજ્યનાં જે સાત અંગ, તથા ચાર ઉપાય તથા છ ગુણ તેને લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં. અને તીર્થો જે ગુપ્તચરોને મોકલ્યાનાં સ્થાનો, તથા વ્યવહારને જાણનારા જે સભાસદો, તથા દંડવા યોગ્ય અને નહિં દંડવા યોગ્ય એવા માણસો, આ બધાને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- રાજાએ સ્વામી, આમાત્ય, ઇત્યાદિક સાત રાજ્યનાં અંગો, સામ, દામ, ભેદ અને દંડ આ ચાર ઉપાયો, સન્ધિ, વિગ્રહ ઇત્યાદિ છ વર્ગ, મંત્રી, પુરોહિત, યુવરાજ, સેનાપતિ ઇત્યાદિક અઢાર ગુપ્તચર મોકલવાનાં સ્થાનો, ઋણનું લેવું દેવું ઇત્યાદિક વ્યવહારને જાણનારા સભાસદો, અને દંડવા યોગ્ય અને નહિ દંડવા યોગ્ય એવા માણસો, આ બધાને લક્ષણો વડે યથાર્થપણે જાણવા. અને એ સિવાય ૧૮ વિવાદનાં સ્થાનો છે, તેમને રાજાએ યથાર્થપણે જાણવાં. અને વળી જકાત કોની પાસેથી લેવી અને કોની પાસેથી ન લેવી તેને પણ રાજાએ યથાર્થપણે જાણવું. તેમાં સુવર્ણની સમાન જણાતાં હોય પણ પિતળ ઇત્યાદિક ધાતુમાંથી બનાવેલાં હોય, એવા દાગીનામાંથી કરવેરો લેવો નહિ. નોકરી કરનારા પાસેથી, બાળક કે દૂત પાસેથી, ભિક્ષાથી પ્રાપ્ત કરેલું હોય અને દેવસંબન્ધી કાર્ય માટેનું દ્રવ્ય હોય, તેમાંથી પણ કરવેરો લેવો નહિ. અને વળી રાજાએ બ્રાહ્મણ, દુર્બળ, ત્યાગી, પોતાના માતા, પિતા અને ગુરૂ આટલાને દંડ આપવો નહિ. આ રીતે આ બધાને રાજાએ નીતિશાસ્ત્ર થકી જાણી કરીને યોગ્ય નિર્ણય કરવો. પણ કોઇને અન્યાય થાય એ રીતે રાજાએ નિર્ણય કરવો નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૫૮।।