શ્લોક ૧૫૭

હવે રાજાઓના ધર્મો કહે છે.
मदाश्रितैर्नृपैर्धर्मशास्त्रमाश्रित्य चाखिलाः । प्रजाः स्वाः पुत्रवत्पाल्या धर्मः स्थाप्यो धरातले ।।१५।।


મારા આશ્રિત રાજાઓ હોય તેમણે ધર્મશાસ્ત્રનો આશ્રય કરીને પોતાના પુત્રની પેઠે સમગ્ર પોતાની પ્રજાનું પાલન કરવું. અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. 


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- રાજાઓએ રાજનીતિનો આશ્રય કરીને પોતાની સમગ્ર પ્રજાને પુત્રની પેઠે રક્ષણ આપવું. અને અધર્મમાં પ્રવર્તેલી પ્રજાને સારી રીતે શિક્ષણ આપીને ધર્મમર્યાદાને વિષે સ્થાપન કરવી. રાજા જો અધર્મમાં પ્રવર્તેલી પ્રજાને ધર્મમાર્ગનું શિક્ષણ આપે નહિ તો પ્રજાએ કરેલું પાપ રાજાને લાગે છે. આ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે. ''य उद्धरेत् करं राजा प्रजा धर्मेश्वशिक्षयन् । प्रजानां शमलं भुङ्क्ते भगं च स्वं जहाति सः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- રાજા પ્રજા પાસેથી કરવેરો ગ્રહણ કરે છે, તેથી રાજાએ પ્રજાને ધર્મનું શિક્ષણ આપવું જોઇએ, છતાં રાજા જો પ્રજાને ધર્મનું શિક્ષણ આપે નહિ, તો પ્રજાએ કરેલું પાપ રાજાને લાગે છે. અને રાજા પોતાની નિયમન શક્તિને ગુમાવી બેસે છે. અને રાજા જો ન્યાયથી પ્રજાનું પાલન કરે તો પ્રજાના પુણ્યમાંથી છઠ્ઠો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. અને જો ન્યાયથી પ્રજાનું પાલન ન કરે તો પ્રજાએ કરેલા પાપમાંથી અડધો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. અને વળી જો રાજા પ્રજાને પીડા આપે તો પ્રજાને પીડવાથી ઉત્પન્ન થયેલો સંતાપ રૂપી અગ્નિ રાજાની લક્ષ્મી, કુળ અને પ્રાણને બાળ્યા વિના પાછો વળતો નથી. માટે રાજાએ ન્યાયથી પોતાની પ્રજાનું રક્ષણ કરવું જોઇએ. અને વળી રાજાએ મનુષ્યનો વધ કરવામાં તો મહાન વિચાર કરવો જોઇએ. સામ, દામ, ભેદ અને ત્યાર પછી જ વધ દંડ કહેલો છે. અને વળી રાજાએ યુદ્ધ તો સર્વ પ્રકારે કરવું જ નહિ. બીજો કોઇપણ રસ્તો ન મળે ત્યારે જ યુદ્ધ કરવું, આવો સમગ્ર નીતિશાસ્ત્રનો સંકેત છે. આ રીતે રાજાએ સંપૂર્ણ નીતિશાસ્ત્રનો આશ્રય કરીને પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવું. આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૧૫૭।।