શ્લોક ૧૫૬

महोत्सवा भगवतः कर्तव्या मन्दिरेषु तैः । देयानि पात्रविप्रेभ्यो दानानि विविधानि च ।।१५६।।


અને વળી ધનાઢય ગૃહસ્થ સત્સંગીઓએ ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવો કરવા, તથા સુપાત્ર બ્રાહ્મણોને નાનાપ્રકારનાં દાનો દેવાં.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા વર્ણવતાં કહે છે કે- ધનવાન ગૃહસ્થ સત્સંગીઓએ ભગવાનના મંદિરોમાં ધામધૂમથી મોટા ઉત્સવો કરવા. તથા પાત્ર બ્રાહ્મણોને વિવિધ પ્રકારનાં દાનો આપવાં. કળીયુગમાં દાન કરવું એ ગૃહસ્થનો મુખ્ય ધર્મ કહેલો છે. આ બાબતમાં વૃદ્ધપરાશરનું વાક્ય પ્રમાણરૂપ છે. ''तपः परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते । द्वापरे यज्ञामेवाहुर्दानमेव कलौ युगे'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- સત્યયુગમાં તપ કરવું મુખ્ય ધર્મ ગણાય છે. ત્રેતાયુગમાં જ્ઞાન જ મુખ્ય ગણાય છે. દ્વાપરયુગમાં યજ્ઞાો કરવા મુખ્ય ગણાય છે. અને કળીયુગમાં દાન કરવું એજ મુખ્ય ગણાય છે. શતપથ શ્રુતિની અંદર પણ કહેલું છે કે- કળીયુગમાં દાન, દયા અને દમન આ ત્રણ દકારનું શિક્ષણ આપવું. 


શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- દાન આપવામાં જોકે પાત્ર, કુપાત્રની પરીક્ષા કરવી જોઇએ પણ અન્ન અને જળનું દાન આપવામાં પાત્રની પરીક્ષા ન કરવી. આ બાબતમાં વ્યાસ ભગવાનનું વચન પ્રમાણરૂપ છે. ''अन्नाच्छादनदानेषु पात्रं नैव विचारयेत् । अन्नस्य क्षुधितः पात्रं विवस्त्रो वसनस्य च'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- અન્ન અને વસ્ત્રના દાનમાં પાત્રનો વિચાર કરવો નહિ. ભૂખ્યો થયેલો હોય તે અન્નનો પાત્ર છે. અને વસ્ત્રરહિત નગ્ન હોય એ વસ્ત્રનો પાત્ર છે. વસ્ત્ર અને અન્ન સિવાયનું દાન જો કુપાત્રને આપેલું હોય તો એ દાન તામસ કહેલું છે. ''तामसानां फलं भुङ्कते तिर्यक्त्वे मानवः'' ।। इति ।। તામસ કર્મનું ફળ મનુષ્ય પશુ, પક્ષીની યોનિમાં ભોગવે છે. હવે કેવી વસ્તુનું દાન કરવું જોઇએ તે વસ્તુનું લક્ષણ પણ ભવિષ્યપુરાણની અંદર કહેલું છે કે, જે વસ્તુ પોતાને પ્રિય હોય, અને જે વસ્તુ ન્યાયથી પ્રાપ્ત કરેલી હોય, તે વસ્તુ ગુણવાન પાત્રને આપવી, એ દાનનું પરમ લક્ષણ કહેલું છે. અને વળી પોતાના કુટુંબની સાથે વિરોધ ન થાય એ રીતે દાન આપવું, પોતાની સ્ત્રીનું દાન તથા પુત્રનું દાન ક્યારેય પણ આપવું નહિ. પોતાનો વંશ રહેલો હોય તો સર્વસ્વનું દાન કરવું નહિ. બીજાને આપવાની પ્રતિજ્ઞા થઇ ચુકેલી હોય એ વસ્તુ પણ દાનમાં ન આપી દેવી. આ રીતે ધનવાન ગૃહસ્થાશ્રમી પુરુષોએ વિવિધ પ્રકારનાં દાનો વિધિ પૂર્વક આપવાં, કારણ કે કળીયુગમાં દાન આપવું એ ગૃહસ્થનો મુખ્ય ધર્મ કહેલો છે, આવો શ્રીહરિનો ભાવ છે. ।।૧૫૬।।