શ્લોક ૧૫૫

आढयैस्तु गृहिभिः कार्या अहिंसा वैष्णवा मखाः । तीर्थेषु पर्वषु तथा भोज्या विप्राश्च साधवः ।।१५५।।


અને વળી ધનાઢય સત્સંગી હોય તેમણે હિંસાથી રહિત એવા વિષ્ણુસંબન્ધી યજ્ઞાો કરવા, તથા તીર્થોમાં અને પર્વોને વિષે બ્રાહ્મણો તથા સાધુને જમાડવા.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે- ધનવાન ગૃહસ્થ સત્સંગીઓએ પ્રાણીઓના વધથી રહિત અહિંસામય વિષ્ણુયાગ કરવા. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધન વડે શ્રદ્ધાપૂર્વક યજ્ઞામાં જે વિષ્ણુની પૂજા કરવી તે જ ગૃહસ્થાશ્રમીઓનો શ્રેષ્ઠ કલ્યાણકારી માર્ગ છે. અને વળી ભગવાનનાં મંદિરાદિક પવિત્ર ક્ષેત્રો અને ગંગાદિક પવિત્ર તીર્થોમાં તથા અમાવાસ્યાદિક પર્વના દિવસોમાં બ્રાહ્મણો અને સાધુપુરુષોને ચાર પ્રકારના ભોજનો વડે તૃપ્ત કરવા. સાધુ અને બ્રાહ્મણોને જમાડવાથી યજ્ઞાો કરતાં પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ભગવાનની અધિક પ્રસન્નતા થાય છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ ભાગવતમાં કહેલું છે કે- બ્રાહ્મણના મુખદ્વારા જેવો હું પ્રસન્ન થાઉં છું, તેવો અગ્નિના મુખ દ્વારા હું પ્રસન્ન થતો નથી. અર્થાત્ બ્રાહ્મણ અને સાધુપુરુષોને જમાડવાથી ભગવાનની અધિક પ્રસન્નતા થાય છે. માટે ધનાઢય ગૃહસ્થ સત્સંગીઓએ પર્વના દિવસોમાં સાધુ અને બ્રાહ્મણોને જમાડવા, આવો ભાવ છે. ।।૧૫૫।।