શ્લોક ૧૫૩ - ૧૫૪

दुष्कालस्य रिपूणां वा नृपस्योपद्रवेण वा । लज्जाधनप्राणनाशः प्राप्तः स्याद्यत्र सर्वथा ।।१५३।।
मूलदेशो।पि स स्वेषां सद्य एव विचक्षणैः । त्याज्यो मदाश्रितैः स्थेयं गत्वा देशान्तरं सुखम् ।।१५४।।


અને વળી મારા આશ્રિત વિવેકી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, જે દેશમાં રહેતે થકે દુષ્કાળ, શત્રુ કે રાજાના ઉપદ્રવે કરીને સર્વપ્રકારે પોતાની લાજ જતી હોય અથવા ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય; અને જો તે પોતાના મૂળ વતનનો દેશ હોય તો પણ તેનો તત્કાળ જ ત્યાગ કરી દેવો, અને જ્યાં ઉપદ્રવ ન હોય ત્યાં જઇને સુખપૂર્વક રહેવું. 


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભક્તોએ ઉપદ્રવવાળા દેશમાં રહેવું નહિ. આ બાબતમાં મનુસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. ''नाधार्मिके वसेद् ग्रामे न व्याधिबहुले भृशम् । सोपद्रवे।तिपाषण्डे नोपसृष्टे।न्त्यजैर्जनैः'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે, જે ગામ અધાર્મિક હોય, અત્યંત રોગથી વ્યાપ્ત હોય, વળી ઉપદ્રવવાળું હોય, અને જે ગામ સંપૂર્ણપણે ચાંડાળથી વ્યાપ્ત હોય તે ગામમાં રહેવું નહિ. બીજે સ્થળે ચાલ્યા જવું. સ્મૃતિમાં કહેલું છે કે સિંહ, સજ્જન પુરુષો, અને હાથી આ ત્રણને જ્યારે દુઃખ પડે ત્યારે દેશાન્તરમાં ચાલ્યા જાય છે. પરંતુ કાગડો, દુર્જન પુરુષ અને હરણ આ ત્રણને દુઃખ પડે છતાં સ્થાનને છોડીને અન્યત્ર જતા નથી. માટે શ્રીજીમહારાજને કહેવાનો એ ભાવ છે કે- જ્યાં સુખપૂર્વક રહી શકાય ત્યાં જઇને રહેવું અને ત્યાં પણ જો ઉપદ્રવ થાય તો તે દેશને પણ છોડી દેવો. ''स देशो यत्र सुखं जीव्यते'' ।।इति।। જ્યાં સુખપૂર્વક જીવી શકાય તેને જ દેશ કહેલો છે. માટે સજ્જનોએ જ્યારે દુઃખ પડે ત્યારે સ્થળાંતર કરી જવું. આવો અભિપ્રાય છે. ।।૧૫૩-૧૫૪।।