શ્લોક ૧૫૨

प्रतिज्ञातं धनं देयं यत्स्यात्तत् कर्मकारिणे । न गोप्यमृणशुद्धयादि व्यवहार्यं न दुर्जनैः ।।१५२।।


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, મજુરોને જેટલું ધન અથવા ધાન્ય આપવાની પ્રતિજ્ઞા કરેલી હોય, એ પ્રમાણે આપી દેવું, પણ તેમાંથી ઓછું ન આપવું, અને પોતા પાસે કોઇ કરજ માગતો હોય, અને એ કરજ આપણે આપી દીધેલું હોય તો એ વાતને છાની ન રાખવી. તથા પોતાનો વંશ તથા કન્યાદાન પણ છાનું ન રાખવું, અને દુર્જન પુરુષોની સાથે વ્યવહાર કરવો નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- મજુરોને જે પ્રમાણે ધન અથવા ધાન્ય આપવાનું કહ્યું હોય, અને મજુરો દ્વારા પુરું કામ કરાવેલું હોય, તો મજૂરોને કહેવા પ્રમાણે મજૂરી આપી દેવી. પરંતુ તેમાંથી ઓછું આપવું નહિ. અને જો ઓછું આપે તો મજૂરના અંતઃકરણમાં ઉત્પન્ન થયેલા સંતાપરૂપી અગ્નિથી પોતાનું સર્વસ્વ નાશ પામી જાય છે. આ બાબતમાં ગરૂડપુરાણનું વાક્ય પ્રમાણ રૂપ છે. ''प्रतिश्रुत्य ददामीति यः पुमान् न ददाति तत् । स तत्पापेन संतप्तो निर्वृत्तिं नैव गच्छति'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, જે પુરુષ હું તમને આટલું ધન આપીશ, આવી પ્રતિજ્ઞા કરીને પછી આપતો નથી. તો એ પુરુષ વિશ્વાસઘાત રૂપી પાપથી તપ્ત બનીને આ લોકમાં ક્યાંય પણ સુખને પામતો નથી. માટે મજૂરોને જેટલું આપ્યાની પ્રતિજ્ઞા કરેલી હોય, તેમાંથી હાનિ કાનિ કરવી નહિ, આવો ભાવ છે. અને વળી વ્યાજે ગ્રહણ કરેલું ધન જો પાછું આપી દીધું હોય તો એ વાતને છાની રાખવી નહિ. સાક્ષીની સમક્ષ જાહેર કરી દેવી. પરાશરસ્મૃતિની અંદર કહેલું છે કે- ''ऋणशुद्धिः स्वान्वयश्च गोपनीयौ न धीमता'' ।। इति ।। આપી દીધેલું ઋણ, અને પોતાનો વંશ, તથા કન્યાદાન આ ત્રણ બાબતો ક્યારેય પણ ગૃપ્ત રાખવી નહિ, આવો અભિપ્રાય છે. અને વળી પાપકર્મને કરનારા, અને ભગવાનથી વિમુખ એવા પુરુષોની સાથે વ્યવહાર રાખવો નહિ. નીતિશતકમાં કહેલું છે કે ધનને પામીને કયો પુરુષ ગર્વિષ્ટ થયો નથી, બધા જ થયા છે. વિષયરાગી કયા પુરુષની દુઃખની નિવૃત્તિ થયેલી છે ? કોઇની પણ થયેલી નથી. સ્ત્રીએ કયા પુરુષનું મન ખંડિત કરેલું નથી, બધાનું મન ખંડિત કરી નાખેલું છે. કયો પુરુષ કાળના ઝપાટામાં આવ્યો નથી, બધા જ આવી ગયા છે. અને ભીખ માગીને ખાનારો કયો પુરુષ ગૌરવતાને પામેલો છે ? કોઇ પણ નહિ. એ જ રીતે દુર્જન પુરુષોની વાણીરૂપી જાળમાં ફસાયેલો કયો પુરુષ સુખને પામેલો છે ? કોઇપણ સુખને પામેલો નથી. માટે ભક્તોએ દુર્જન પુરુષોની સાથે વ્યવહાર કરવો નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૫૨।।