શ્લોક ૧૪૭

निजवृत्त्युद्यमप्राप्तधनधान्यादितश्च तैः । अर्प्यो दशांशः कृष्णाय विंशों।शस्त्विह दुर्बलैः ।।१४।।


અને વળી ગૃહસ્થ સત્સંગી હોય તેમણે, પોતાની વૃત્તિ અને ઉદ્યમ થકી પ્રાપ્ત થયેલ જે ધન ધાન્યાદિક તેમાંથી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- ગૃહસ્થ સત્સંગીઓએ વૃત્તિ તથા ઉદ્યમથી પ્રાપ્ત કરેલ જે ધન ધાન્ય હોય તેમાંથી, અથવા તો ખેતીમાં થતા કોઇ પણ પાકમાંથી દશમો ભાગ પોતાના ઇષ્ટદેવના મંદિરમાં જઇને અર્પણ કરવો. અને જેની વૃત્તિ તથા ઉદ્યમ નાનો હોય, અને ખર્ચ ઘણો હોય, આવા જે દુર્બળ હોય તેમણે વિશમો ભાગ અર્પણ કરવો. અને જો દશમો કે વીશમો ભાગ કાઢે નહિ. તો દ્રવ્યની શુદ્ધિ થતી નથી. શુદ્ધિ વિવેકમાં કહેલું છે કે- ''धनं शुद्यति दानेन'' ।। इति ।। દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. તો એ દાન કોને કરવું ? તેના ઉત્તરમાં દાનખંડને વિષે કહેલું છે કે- ''पात्रे द्रव्यार्पणं कार्यम्'' ।। इति ।। જે પાત્ર હોય તેને જ દાન કરવું. તો એ પાત્ર કોણ ? પાત્ર કોને સમજવો ? તેના જવાબમાં ભાગવતને વિષે નારદે યુધિષ્ઠિર પ્રત્યે કહેલું છે કે- ''पात्रं त्वत्र निरुक्तं वै कविभिः पात्रवित्तमैः । हरिरेवैक उर्वीश ! यन्मयं वै चराचरम्'' ।। इति ।। હે રાજન્ ! પાત્રને જાણનારા ઋષિમુનિઓએ એક જ પરમાત્માને પાત્ર કહેલા છે. માટે બધાથી પહેલી પૂજા શ્રીકૃષ્ણની જ થવી જોઇએ. અને ત્યાર પછી ભગવાનના ભક્ત બ્રાહ્મણો પણ પાત્ર કહેલા છે. આ રીતે મુખ્ય પાત્ર તરીકે શાસ્ત્રોએ પરમાત્માને વર્ણવેલા છે. માટે પોતાના દ્રવ્યની શુદ્ધિ માટે વીશમો કે દશમો ભાગ જે પોતાના ઇષ્ટદેવ હોય તેને જ અર્પણ કરવો. એ સિવાય બીજું કાંઇ દાનાદિક કરવું હોય, તો બ્રાહ્મણાદિકને થઇ શકે છે. પણ ધનની શુદ્ધિને માટે દશમો કે વીશમો ભાગ પોતાના ઇષ્ટદેવ સિવાય કોઇને પણ અર્પણ કરી શકાય નહિ. શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામીએ તો એટલે સુધી કહેલું છે કે- ''स्वेष्टदेवालयं गत्वा निवेदनीयम्'' ।। इति ।। પોતાના ઇષ્ટદેવના મંદિરમાં જઇને સંકલ્પ કરવો કે- હે પ્રભુ ! હું આ તમોને અર્પણ કરું છું. આમાં હવે મારો કોઇ અધિકાર નથી. આ રીતે મમત્વનો ત્યાગ કરીને પોતાના ઇષ્ટદેવના ચરણમાં જે સમર્પિત કરવામાં આવે તેને ધર્માદો કહેવામાં આવે છે. પણ મારો મંદિરમાં આટલો ફાળો છે. આવો જો મનમાં સંકલ્પ થાય તો પોતાના ધન પ્રત્યેનો અધિકાર છોડયો કહેવાય નહિ. અર્થાત્ ધનમાંથી મમત્વ છોડયું કહેવાય નહિ. અને જ્યાં સુધી મમત્વ છોડવામાં ન આવે ત્યાં સુધી એ વસ્તુ સમર્પિત બનતી નથી. અને જ્યાં સુધી સમર્પિત ન બને ત્યાં સુધી એ ધર્માદો કહેવાય નહિ. માટે ગૃહસ્થ સત્સંગીઓએ પોતાના ધન અથવા ધાન્યમાંથી દશમો કે વીશમો ભાગ કાઢીને પોતાના ઇષ્ટદેવને સમર્પિત કરીને પોતાના ધનની શુદ્ધિ કરવી. અને આ રીતે જો ધનની શુદ્ધિ કરવામાં ન આવે તો એ અપવિત્ર દ્રવ્યનું સેવન કરવાથી બુદ્ધિની અંદર જડતા ઉત્પન્ન થાય છે. તેથી તે કદીપણ સારું વિચારી શકતો નથી. અને ક્યારેય પણ દુઃખની નિવૃત્તિ થતી નથી. માટે અવશ્ય ધર્માદો કાઢીને પોતાના ધનને ધોઇ નાખવું. આવો ભાવ છે. ।।૧૪૭।।