શ્લોક ૧૪૬

द्रव्यस्यायो भवेद्यावान् व्ययो वा व्यावहारिके । तौ संस्मृत्य स्वयं लेख्यौ स्वक्षरैः प्रतिवासरम् ।।१४६।।


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષોએ પોતાના વ્યવહારકાર્યમાં જેટલી આવક હોય તથા જેટલી જાવક હોય એ બેયને સંભારીને પ્રતિદિન રૂડા અક્ષરોથી પોતે તેનું નામું લખવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજ પોતાના ભક્તને જીવનયાત્રા દરમ્યાન કોઇપણ જાતનું દુઃખ પ્રાપ્ત થાય નહિ, અને પોતાની જીવનયાત્રા આર્થિક સંકટથી રહિત સુખપૂર્વક પ્રસાર કરે, એ હેતુથી આ શ્લોકમાં કહે છે કે, મારા આશ્રિત ગૃહસ્થોએ પોતાના સમગ્ર વ્યવહારિક કાર્યમાં ધનાદિકની જેટલી આવક હોય અને જેટલી જાવક હોય, એ બન્ને આવક જાવકને તે તે દિવસે જ સંભારીને શોભાયમાન અક્ષરોથી પોતાના હાથે જ નામું લખવું. અને જો ન લખે તો ક્યારેક ધુતારાઓ વિસ્મૃતિનો લાભ લઇને છેતરી જાય છે. નીતિશાસ્ત્રમાં કહેલું છે કે- ''न यस्य लेखो वा लेखो भवेत् सन्दिग्ध-वर्णकः । धूर्ताः कृतकलेखास्तं बाधयित्वा गृते धनम्'' ।। इति ।। જે કાર્યનો લેખ ન હોય, અથવા તો અક્ષર વાંચી ન શકાય એવો જો લેખ હોય તો ધૂતારાઓ બનાવટી લેખ બનાવીને છેતરી જાય છે, અને ધન ગ્રહણ કરી જાય છે. માટે વાંચી શકાય એવા રૂડા અક્ષરે કરીને આવક જાવકનું નામું લખવું. આવો ભાવ છે. ।।૧૪૬।।