एकादशीमुखानां च व्रतानां निजशक्तितः । उद्यापनं यथाशास्त्रं कर्तव्यं चिन्तितार्थदम् ।।१४८।।
અને વળી મારા આશ્રિત ગૃહસ્થાશ્રમી પુરુષોએ એકાદશી આદિક વ્રતોનું ઉદ્યાપન પોતાના સામર્થ્ય પ્રમાણે અને શાસ્ત્રને અનુસારે કરવું, કારણ કે એ ઉદ્યાપન મનવાંછિત ફળને આપનારું છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કોઇપણ વ્રત કરેલું હોય કે મંત્રપુરશ્ચરણ કરેલું હોય, તેનું ઉદ્યાપન વિધિ પ્રમાણે કરવું. અર્થાત્ કોઇપણ વ્રતની ઉજવણી કરવી. ઉજવણી વિના વ્રત પૂર્ણ ફળને આપતું નથી. વ્રતમાં કાંઇક અધુરાશ રહેલી હોય એ અધુરાશને પૂર્ણ કરવા માટે વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. વ્રત બે પ્રકારનાં હોય છે. એક સકામ વ્રત અને બીજું નિષ્કામ વ્રત. પુત્રાદિક ફળની ઇચ્છાથી કરવામાં આવેલું જે વ્રત હોય તેને સકામ વ્રત કહેવામાં આવે છે. અને કેવળ ભગવાનને રાજી કરવા માટેનું જે વ્રત હોય તેને નિષ્કામ વ્રત કહેવાય છે. તેમાં નિષ્કામ વ્રતનું ઉદ્યાપન કરવાની કોઇ જરૂર હોતી નથી. પણ ગૃહસ્થના હૃદયમાં સ્વાભાવિકપણે સકામ ભાવના હોય છે, અર્થાત્ પુત્રાદિકના ફળની ઇચ્છા હોય છે. માટે જે ગૃહસ્થાશ્રમી ભક્તને ફળની જો આશા હોય તો એ વ્રતને ઉજવવું. વ્રતની આદિમાં, અંતે અથવા તો મધ્યે ઉદ્યાપન કરવું. ઉદ્યાપન વિનાનું જે વ્રત તે પૂર્ણ ફળ આપતું નથી. માટે વ્રતની પૂર્તિને માટે અને પૂર્ણ ફળ પ્રાપ્ત કરવાને માટે ભગવાનની મહાપૂજા કરવી, બ્રાહ્મણોને જમાડવા, ભગવાનના ભક્ત સત્પુરુષોને જમાડવા, ગાયોનું દાન આપવું કે સુવર્ણનું દાન આપવું. આ રીતે વ્રતને ઉજવવું, જેથી વ્રત પૂર્ણ ફળ આપનાર થાય છે, આવો ભાવ છે. ।।૧૪૮।।