आयद्रव्यानुसारेण व्ययः कार्यो हि सर्वदा । अन्यथा तु महद्दुःखं भवेदित्यवधार्यताम् ।।१४५।।
અને વળી મારા આશ્રિત ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, આવકના દ્રવ્યને અનુસારે જ હમેશાં ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ખર્ચ કરવો નહિ. અને જે પુરુષો આવક કરતાં વધારે ખર્ચ કરે છે, તેને મોટું દુઃખ થાય છે, એમ જાણવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- પોતાની આવકનું જે દ્રવ્ય હોય તેને અનુસારે હમેશાં ખર્ચ કરવો, બહુ લોભ રાખવો નહિ. અને ઋણ પણ કરવું નહિ. અને જો આવકના દ્રવ્યનું અનુસંધાન રાખ્યા વિના ઇચ્છાનુસાર ખર્ચ કરવા માંડે તો મહાન દુઃખ થાય છે. માટે આવકના દ્રવ્યનું અનુસંધાન રાખીને આવકની અપેક્ષાએ થોડો ન્યૂન જ ખર્ચ કરવો જોઇએ. આવક કરતાં જે પુરુષ ઓછો ખર્ચ કરે છે તેને જ બુદ્ધિમાન કહ્યો છે- ''इदमेव परं दाक्ष्यमायादल्पतरो व्ययः'' ।। इति ।। આ વૃદ્ધચાણક્યના વાક્યમાં કહેલું છે કે, આવક કરતાં જે ઓછો ખર્ચ કરવો, એજ બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ છે. અને એજ ડાહ્યા પુરુષનું ડહાપણ છે. ''आगमे यस्य चत्वारि निर्गमे पञ्च वा।पि षट् । स विस्तृतव्ययो नूनं धर्मभ्रष्टो भवेद् द्रुतम्'' ।। इति ।। આ શ્લોકનું તાત્પર્ય એ છે કે, જેની ચાર રૂપિયાની આવક હોય અને પાંચ કે છ રૂપિયાનો ખર્ચ કરતો હોય તો આવો મોટો ખર્ચાળુ તત્કાળ જ ધર્મભ્રષ્ટ થઇ જાય છે, અને મહાન ક્લેશને પામે છે. કારણ કે જ્યાં ત્યાંથી પૈસા ઉપાડીને જે પુરુષ મોટો ખર્ચ કરી નાખે છે. અને પછી જ્યારે એ કરજ ભરી શકે નહિ, અને ધનિકધણીનો જ્યારે ઉપદ્રવ થાય ત્યારે ઝેરનું ભક્ષણ કરીને આત્મઘાત કરવાનો પ્રસંગ આવે છે. અને આત્મઘાત કરવો એતો મહાન પાપ છે. માટે ભક્તજનોએ હમેશાં આવક કરતાં થોડો ઓછો ખર્ચ કરવો, પણ દેખાદેખીથી વિચાર્યા વિના બેફામ ખર્ચ કરવો નહિ.
અને વળી ધર્મકાર્ય પણ આવકને અનુસારે જ કરવું, કરજ કરીને ક્યારેય પણ ધર્મકાર્ય કરવું નહિ. એક સમયે દાદાખાચરે શ્રીજીમહારાજને ગઢપુરમાં કહ્યું કે- હે પ્રભુ ! અન્નકૂટનો ઉત્સવ નજીક આવી રહ્યો છે. માટે તમારી જો આજ્ઞા હોય તો અન્નકૂટના ઉત્સવની તૈયારી કરીએ. તે સમયે શ્રીજીમહારાજે દાદાખાચરને ઉપદેશ આપેલો છે કે- શક્તિ પ્રમાણે અન્નકૂટનો ઉત્સવ કરજો. તમોએ જન્માષ્ટમી આદિક ઉત્સવોમાં ઘણો ખર્ચ કરેલો છે. અને પ્રબોધનીનો ઉત્સવ પણ નજીક આવે છે. માટે ધનસંપત્તિને અનુસારે અન્નકૂટનો ઉત્સવ કરજો. કારણ કે તમારી ધનસંપત્તિ મારાથી અછાની નથી. અને ધનસંબન્ધી જે કાર્ય હોય, એ ધનનો ખર્ચ કરવાથી જ સાધી શકાય છે. પણ જ્ઞાનથી કે ભક્તિથી ધનસંબન્ધી કાર્ય સાધી શકાતું નથી. અને જે પુરુષો જ્યાં ત્યાંથી ધન ઉપાડીને ધર્મકાર્ય કરે છે. અને પછી જ્યારે ધન પાછું આપી શકાય નહિ, અને જ્યારે ધનના માલિક ઉપદ્રવ કરે ત્યારે ઋણી પુરુષો ભલે જ્ઞાની હોય છતાંપણ ધનિકધણીના ઉપદ્રવને સહન કરી શકતા નથી. અને મોટા ક્લેશને પામે છે. કારણ કે જે ધનનો સ્વામી હોય તેને આપણે ઉપદેશ કરીએ કે ધનમાં તો અનેક અનર્થો રહ્યા છે, ધન દુઃખરૂપ છે. આવા ઉપદેશથી ધનનો માલિક ધન લીધા વિના ક્યારેય પણ પાછો વળતો નથી. માટે પ્રાણની આપત્તિ વિના ક્યારેય પણ કરજ કરવું નહિ. કારણ કે ગૃહસ્થને કરજની સમાન બીજું કોઇ મોટું દુઃખ નથી. ભગવાન તો કેવળ ભાવથી જ પ્રસન્ન થાય છે, પણ ઘણું ધન ખર્ચવાથી પ્રસન્ન થતા નથી. માટે આવકના દ્રવ્યનો વિચાર કરીને જ ધર્મસંબન્ધી કાર્ય કરવું જોઇએ. આ પ્રમાણે ગઢપુરમાં શ્રીજીમહારાજે દાદાખાચરને ઉપદેશ આપેલો હતો. આ શ્લોકમાં શ્રીહરિનો અભિપ્રાય એ છે કે, મારા આશ્રિતોએ આવકને અનુસારે જ ખર્ચ કરવો જોઇએ. ।।૧૪૫।।