મહાદીક્ષા લેવાને ઇચ્છતા ત્રણ વર્ણવાળા ગૃહસ્થો માટે દીક્ષાવિધિનું નિરૃપણ. નવીનજીમૂત.....સ્ત્રોત. મહાદીક્ષા પામેલા શિષ્યને ઉપદેશ. ઈશ્વરબુધ્ધિથી ગુરુસેવાનના પ્રતાપે પ્રાપ્ત થતા ગુણોનું વર્ણન. મહાદીક્ષા ગ્રહણનું ફળ.
श्रीनारायणमुनिरुवाच -
त्रैवर्णिकोऽथाधिकारी यस्तु स्थित्वा गृहाश्रमे । प्राप्तुमिच्छेन्महादीक्षां तस्यादौ विधिरुच्यते ।। १
सामान्यदीक्षाधर्मेषु पुमान् यस्तु दृढस्थितिः । स प्रपद्येत शरणं निजाचार्यं कृताञ्जलिः ।। २
प्रपन्नाय विनीताय तस्मै स गुरुरादितः । दृाधिकारमुचितं प्रायश्चित्तमुपादिशेत् ।। ३
एकमाश्रमसंस्थेन निराहारमुपोषणम् । द्वे त्वनाश्रमिणा तेन कारयेत्स उपोषणे ।। ४
क्षौरपूर्वं ततः शिष्यः कुर्यात्तस्याज्ञाया व्रतम् । महादीक्षाधिकारार्थं जपेच्चाष्टाक्षरं मनुम् ।। ५
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! હવે પૂર્વોક્ત અધિકારીનાં લક્ષણે યુક્ત જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણમાં ઉત્પન્ન થયેલો પુરુષ ગૃહસ્થાશ્રમમાં જ રહીને મહાદીક્ષા પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય તેવા પુરુષની મહાદીક્ષાનો વિધિ તમને હું કહું છું.૧
હે પુત્રો ! સામાન્ય દીક્ષાવિધિમાં બતાવેલા ધર્મમાં જે પુરુષ દૃઢપણે વર્તતો હોય તેવા પુરુષે બન્ને હાથ જોડી પોતાના આચાર્યના શરણે જવું.૨
તે સમયે ગુરૂએ પ્રથમ શરણે આવેલા વિનમ્ર શિષ્યનું મહાદીક્ષા ગ્રહણ કરવામાં અધિકારપણું તપાસીને તેમની પાસે પ્રાયશ્ચિત કરાવવું.૩
તેપ્રયશ્ચિતમાં ગુરુએ ગૃહસ્થાશ્રમમાં રહેલા તે શિષ્યની પાસે એક ઉપવાસ કરાવવો અને પત્નીના મૃત્યુ પછી અનાશ્રમી થઇ ગયો હોય, તેવા પુરુષ પાસે બે ઉપવાસ કરાવવા.૪
શિષ્યે ગુરુની આજ્ઞાનુસાર મહાદીક્ષાનો અધિકાર પ્રાપ્ત કરવા મુંડન કરાવી ઉપવાસ કરવો અને સામાન્ય અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો.૫
सार्धं सहस्रद्वितयं मन्त्रः प्रागेव रौहिणात् । प्रतिमासन्निधौ जप्यो वासुदेवस्य भक्तितः ।। ६
गुरुस्तु पूर्वदिवसे देयमन्त्रविशुद्धये । सहस्रकृत्वः प्रजपेच्छुचिः सम्पूज्य केशवम् ।। ७
ततो ब्राह्मणमाहूय विधिज्ञां चौद्धवाश्रितम् । आचार्यः कारयेद्विष्णोः पूजां शिष्येण चौद्धवः ।। ८
स च विप्रो यथाशास्त्रं कारयेत्सकलं विधिम् । दिनद्वयेन वैकेन देशकालानुसारतः ।। ९
नान्दीमुखस्वस्त्ययनप्रमुखं पूर्ववासरे । कारयेच्छास्त्रदृष्टेन विधिना तद्दिनेऽथवा ।। १०
मण्डलं सर्वतोभद्रं कुर्यादादौ मनोहरम् । तन्मध्ये स्थापयेत्कुम्भं हैमं वा ताम्रमुत्तमम् ।। ११
दिक्ष्वष्टस्वष्ट कुम्भांश्च स्थापयेच्च ततः शुभान् । निजशक्त्यनुसारेण ताम्रान्वा मृन्मयानपि ।। १२
सतोयेषु सरत्नेषु सपल्लवफलेषु च । सवसपूर्णपात्रेषु स्थापयेत्तेषु देवताः ।। १३
श्रीराधासहितं कृष्णं स्थापयेन्मध्यमे घटे । प्राच्यां कुम्भे स दुर्गां च दक्षिणे भास्करं तथा ।। १४
प्रतीच्यां विघ्नराजं च शिवं सौम्यां घटे न्यसेत् । विष्वक्सेनं तथाऽग्नेय्यां नैऋर्त्यां गरुडं च सः १५
वायव्यां च हनूमन्तं कलशे स्थापयेत्ततः । श्रीदामानं तथैशान्यां क्रमेण स यथाविधि ।। १६
શ્રીવાસુદેવ ભગવાનની મૂર્તિના સાંનિધ્યમાં બેસી દિવસના નવમા મુહૂર્તની પહેલાં જ અઢી હજાર અષ્ટાક્ષરમંત્રોના જપ પૂર્ણ કરી લેવા. ૬
અને ગુરુએ પણ દીક્ષાના આગલા દિવસે પવિત્ર થઇ કેશવ ભગવાનનું પૂજન કરી મહાદીક્ષામાં આપવાના મંત્રની શુદ્ધિને માટે એ મહાદીક્ષાના મંત્રનો એક હજારવાર જપ કરવો, અર્થાત્ દશ માળા કરવી.૭
પછી ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યે મહાદીક્ષાના વિધિને જાણતા ઉદ્ધવ સંપ્રદાયના બ્રાહ્મણને બોલાવી શિષ્ય દ્વારા વિષ્ણુ ભગવાનની પૂજા કરાવવી.૮
એ વિપ્રે પણ દેશકાળને અનુસારે બે અથવા એક દિવસમાં શાસ્ત્રાનુસાર સમગ્ર વિધિ પૂર્ણ કરાવવો.૯
ગૃહ્યસૂત્રમાં કહેલા વિધિથી નાંદીમુખશ્રાદ્ધ તથા સ્વસ્તિવાચન કર્મ દીક્ષાના આગલા દિવસે કરવું, અથવા તેજ દિવસે કરવું.૧૦
પ્રથમ મનોહર સર્વતોભદ્ર મંડળની સ્થાપના કરવી. તેના મધ્યે સુવર્ણના અથવા તાંબાના ઉત્તમ કળશની સ્થાપના કરવી.૧૧
પછી તેમની આઠે દિશાના પડખે પોતાની શક્તિ પ્રમાણે તાંબાના કે માટીના શોભાયમાન બીજા આઠ કળશોની સ્થાપના કરવી.૧૨
જળ ભરેલા અને અંદર રત્ન પધરાવેલા તેમજ પાંચ પલ્લવ મૂકેલા વસ્ત્રે સહિત પૂર્ણપાત્ર પધરાવેલા તે નવે કળશમાં દેવતાઓની સ્થાપના કરવી.૧૩
પૂજન કરાવતા બ્રાહ્મણે મધ્યના કળશમાં રાધા અને લક્ષ્મીએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરવી. પૂર્વ દિશાના કળશમાં દુર્ગાની સ્થાપના કરવી, દક્ષિણ દિશાના કળશમાં ભુવન ભાસ્કર સૂર્યનારાયણની સ્થાપના કરવી.૧૪
પશ્ચિમ દિશાના કળશમાં વિઘ્નવિનાયક ગણપતિજીની સ્થાપના કરવી, ઉત્તર દિશાના કળશમાં શિવજીની, અગ્નિખૂણાના કળશમાં વિષ્વકશેનની તથા નૈઋેત્ય ખૂણાના કળશમાં ગરૂડજીની સ્થાપના કરવી,.૧૫
પછી વાયુખૂણાના કળશમાં હનુમાનજીની અને ઇશાન ખૂણાના કળશમાં શ્રીદામાનું સ્થાપન કરવું, આપ્રમાણે ક્રમથી વિધિપૂર્વક સ્થાપન કરવું.૧૬
सुस्नतेनाथ शिष्येण स्वस्तिवाचनपूर्वकम् । वृद्धिश्राद्धं कारयित्वा हरेः पूजां विधापयेत् ।। १७
भूतशुद्धिं तथा प्राणप्रतिष्ठा तान्त्रिकीं स च । कारयित्वा मातृकाणां न्यासांश्चावाहयेत्प्रभुम् ।। १८
श्रीकृष्णाय नमस्तुभ्यं श्रीराधापतये नमः । नमस्ते धर्मधुर्याय नरनारायणाय च ।। १९
एतेन मन्त्रेण च तमावाहनपुरस्कृतम् । भगवन्तं साङ्गदेवं पूजयेद्ब्राह्मणः सुधीः ।। २०
उपचारैः षोडशभिर्मन्त्रैर्विष्णोश्च वैदिकैः । कारयित्वार्चनं वह्नि दक्षिणे स्थापयेद्धरेः ।। २१
स्थापिते संस्कृते वह्नौ वैष्णवं श्रपयेच्चरुम् । प्रदीप्ते तत्र च ततो ध्यात्वा सम्पूजयेद्धरिम् ।। २२
समिदाज्यचरूणां च प्रत्येकं जुहुयात्ततः । आहुतीरष्टवर्णेन स चाष्टाधिकविंशतिम् ।। २३
ततोऽङ्गदेवतादिभ्य एकैकां च घृताहुतिम् । हुत्वा पूर्णाहुतिं चासौ होमकर्म समापयेत् ।। २४
महानीराजनं कृत्वा दत्त्वा पुष्पाञ्जलिं च सः । दण्डवत्प्रणमेच्छिष्यः प्रार्थयेच्च तमादरात् ।। २५
वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः ।
स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ।। २६
ततो बद्धाञ्जलिपुट एकाग्रमनसा हरिम् । स्तुवीत शिष्यः सानन्दं स्तोत्रमेतत् पठन् स्थितः ।। २७
હે પુત્રો ! ત્યારપછી પૂજન કરાવનારા વિપ્રે વિધિપૂર્વક સ્નાન કરીને આવેલા દીક્ષાર્થી શિષ્ય પાસે સ્વસ્તિવાચન અને વૃદ્ધિશ્રાદ્ધ કરાવીને ભગવાનની પૂજા કરાવવી.૧૭
બ્રાહ્મણે પંચરાત્ર શાસ્ત્રમાં કહેલ ભૂતશુદ્ધિ, પ્રાણપ્રતિષ્ઠા તથા માતૃકાન્યાસ કરાવી શ્રીકૃષ્ણ ભગવાનનું આવાહન કરાવવું .૧૮
કે હે શ્રીકૃષ્ણ ભગવાન ! તમને નમસ્કાર, હે શ્રીરાધિકાપતિ ! હે ધર્મધુરંધર ! હે નરનારાયણ ! તમને નમસ્કાર.૧૯
આ પ્રમાણેના નામમંત્રોથી કે વેદોક્ત અથવા પુરાણોક્ત મંત્રોથી વિધિજ્ઞા બ્રાહ્મણે આવાહન કરાવવા પૂર્વક અંગદેવતાઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની શિષ્ય પાસે પૂજા કરાવવી.૨૦
વેદોક્ત મંત્રોના માધ્યમથી ષોડશોપચારથી શ્રીવિષ્ણુ ભગવાનની આ રીતે પૂજા કરાવવી. પછી જમણા ભાગમાં અગ્નિની સ્થાપના કરાવવી.૨૧
વેદિકામાં સ્થાપન કરેલા અને સંસ્કારમંત્રોથી શુદ્ધ કરેલા અગ્નિમાં વૈષ્ણવચરુને રાંધવો ને પછી પ્રજ્વલિત તે અગ્નિમાં શ્રીહરિનું ધ્યાન કરાવી પૂજા કરાવવી.૨૨
પછી બ્રાહ્મણે સમિધ, ઘી, અને ચરુ આ પ્રત્યેકની અઠ્ઠાવીસ આહુતિઓનો શ્રીનારાયણના અષ્ટાક્ષરમંત્રથી હોમ કરાવવો. આ કનિષ્ઠ પક્ષ છે પરંતુ પ્રત્યેક આહુતિ એકસો ને આઠની આપવી તે ઉત્તમ પક્ષ કહેલો છે.૨૩
હે પુત્રો !વળી તે બ્રાહ્મણે અંગદેવતાએાને પણ એકએક ઘી ની આહુતી અપાવવી પુર્ણાહુતિનો હોમ કરાવી હોમકર્મની સમાપ્તિ કરાવવી.૨૪
પછી શિષ્યે મહાઆરતી ઊતારી પુષ્પાંજલી અર્પણ કરી દંડવત પ્રણામ કરવા ને ભગવાન શ્રી કૃષ્ણની અતિશય આદરપુર્વક પ્રાર્થના કરવી.૨૫
તે પ્રાર્થના કરતા બોલવું કે "હે શ્રીકૃષ્ણ !મારી વાણી તમારા ગુણાનુંવાદનું જ એક ગાન કરે.મારા કાન તમારી કથાનું શ્રવણ કરે.મારા હાથ સદાય તમારી સેવા રૂપ ક્રિયા જ કરે.મારુ મન સદાય તમારા ચરણ કમળનું જ ચિંતવન કરે.મારુ મસ્તક તમારા નિવાસના સ્થાનભૂત આ જગતને પ્રણામ કરે.કારણકે તમે સર્વમાં અંતર્યામી પણે વિરાજો છો, તેથી કોઇ નો મારાથી દ્રોહ ન થાય એવી કૃપા કરજો. મારા નેત્રોની વૃત્તિ તમારી મૂર્તી નાં અને તમારા સત્પુરૂષોનાં દર્શનમાં જ સ્થિર રહે. "૨૬
આ પ્રમાણે સ્તુતિ કરી શિષ્યે બે હાથ જોડી ઊભા થવું ને આગળ કહું એ સ્તોત્રનો પાઠ કરતાં એકાગ્ર મનથી આનંદે સહિત ભગવાન શ્રીહરિની સ્તતિ કરવી.૨૭
नवीनजीभूतसमानवर्णं रत्नोल्लसत्कुण्डलशोभिकर्णम् । महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिकाकृष्णमहं नमामि ।। २८
निधाय पाणिद्वितयेन वेणुं निजाधरे शेखरयातरेणुम् । निनाद यन्तं च गतौ करेणुं श्री. ।। २९
विशुद्धहेमोज्ज्वलपीतवस्त्रं हतारियूथं च विनापि शस्त्रम् । व्यर्थीकृतानेकसुरद्विडस्त्रं श्री. ।। ३०
अधर्मतिष्यार्दितसाधुपालं सद्धर्मवैरासुरसङ्घकालम् । पुष्पादिमालं व्रजराजबालं श्री. ।। ३१
गोपीप्रियारम्भितरासखेलं रासेश्वरीरञ्जनकृत्प्रहेलम् । स्कन्धोल्लसत्कुङ्कुमचिह्नचेलं श्री. ।। ३२
वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापद उद्धरन्तम् । गोगोपगोपीरभिनन्दयन्तं श्री. ।। ३३
विश्वद्विषन्मन्मथदर्पहारं संसारिजीवाश्रयणीयसारम् । सदैव सत्पूरुषसौख्यकारं श्री. ।। ३४
आनन्दितात्मव्रजवासितोकं नन्दादिसन्दर्शितदिव्यलोकम् । विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिकाकृष्णमहं नमामि ।। ३५
નવીનજીમૂત.....સ્ત્રોત :- નવીન મેઘની સમાન શ્યામ સુંદર વર્ણવાળા, રત્નજડિત તેમજ ચળકતા કુંડળોથી શોભતા કર્ણવાળા, અગ્રભાગમાં ખોસેલા મયૂરપીંછથી શોભતા મુગટવાળા એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૨૮
પુષ્પના તોરાઓમાંથી પડતા પરાગની ધૂલિથી સુગંધીમાન થયેલ વેણુને બન્ને કરકમળથી પોતાના અધરોષ્ઠ ઉપર ધારણ કરી વગાડતા તેમજ ગજગતિની ચાલે ચાલતા એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૨૯
વિશુદ્ધ સુવર્ણ સમાન ઉજ્જવલ પીતાંબરને ધારણ કરતા, શસ્ત્ર વિના પણ અસુરોના સમુદાયનો વિનાશ કરતા તેમજ અનેક અસુરોના અસ્ત્રોને વ્યર્થ કરી મૂકતા એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૩૦
અધર્મ અને કલિયુગથી પીડાતા સાધુપુરુષોનું પાલન કરતા, સદ્ધર્મના વૈરી અસુર સમુદાયના કાળ સ્વરૂપ, કંઠમાં પુષ્પની માળાઓને ધારણ કરતા તેમજ વ્રજરાજ નંદજીના બાળ એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૩૧
ગોપીજનોનું પ્રિય કરવા રાસક્રીડાનો પ્રારંભ કરતા, રાસેશ્વરી રાધાને રંજન કરવા રતિભાવનો આવિષ્કાર કરતા તેમજ ખભા ઉપર શોભતા રાસેશ્વરી રાધાના કુંકુમના ચાંદલાના ચિહ્નવાળા પટકાને ધારણ કરતા એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૩૨
પોતાના ભક્ત ગોપગોપીજનો ઉપર અતિશય પ્રીત લાવી વૃંદાવનમાં નિવાસ કરી રહેલા, પોતાના આશ્રિત ગોપગોપીજનોને આવી પડેલ અનેક આપત્તિઓમાં તેઓનો ઉદ્ધાર કરતા, તેમજ તે ગાયો, ગોપો અને ગોપીઓને આનંદ ઉપજાવતા એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૩૩
સમસ્ત વિશ્વના વેરી ને મનનું મંથન કરતા કામદેવના ગર્વને હરતા, સંસારીજીવોને આશ્રય કરવા યોગ્ય, બળવાન સ્વરૂપવાળા, તેમજ સદાય સત્પુરુષોને સુખ ઉપજાવતા એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૩૪
રમતની સાથે દિવ્ય ઐશ્વર્યનું પ્રદર્શન કરાવી પોતાના વ્રજવાસી બાલમિત્રોને આનંદ ઉપજાવતા, નંદરાય આદિ ગોવાળોને પોતાના દિવ્ય લોકનું દર્શન કરાવતા અને પોતાના આશ્રયે રહેલા જીવોના શોકનો વિનાશ કરતા એવા શ્રીરાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.૩૫
ततश्चोपविशेतां तौ गुरुशिष्यौ सुशोभिते । देवपीठाग्निवेद्योस्तु मध्यस्थाने समाहितौ ।। ३६
सुस्नातोऽथ गुरुस्तत्र कृतनित्यविधिः शुचिः । कुशाजिनोर्णान्यतमे निषीदेदासने शुभे ।। ३७
तथाविधासने शिष्यः श्वेतवासा अलंकृतः । चन्दनाद्यैरुपविशेत्प्रणमेत्तं च सद्गुरुम् ।। ३८
श्वेते धौते नूत्नवस्त्रे गुरुस्तं परिधापयेत् । वध्नीयात्तुलसीमाले कण्ठे चास्य ततः शुभे ।। ३९
कृष्णपूजावशिष्टेन कैसरेण सुगन्धिना । कारयेच्चन्दनेनासावूर्ध्वपुण्ड्रचतुष्टयम् ।। ४०
ततो गोपीचन्दनेन तद्बाह्वोर्दक्षवामयोः । कृष्णस्य चक्रशङ्खाभ्यां हेतुभ्यामङ्कयेद्गुरः ।। ४१
प्राङमुखस्याथ शिष्यस्य बद्धाञ्जलिपुटस्य सः। उदङ्मुखो गुरुर्दक्षे कर्णे मन्त्रमुपादिशेत् ।। ४२
अष्टाक्षरं महामन्त्रं सह ऋष्यादिभिर्गुरुः । शिष्याय दद्याच्छ्रीकृष्णं हृदि ध्यायन्समाहितः ।। ४३
अस्य श्रीकृष्णमन्त्रस्य छन्दोऽनुष्टुप च नारदः । ऋषिश्च देवता कृष्णस्तत्प्रीत्यै विनियोजनम् ।। ४४
त्रिवारमुपदिश्यासौ यथापूर्वमुपाविशेत् । ततस्तस्मै पालनीयान्सर्वान् धर्मानुपादिशेत् ।। ४५
હે પુત્રો ! આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી બન્ને ગુરુશિષ્યે એકાગ્ર ચિત્તવાળા થઇ સુશૌભિત દેવપીઠ તથા અગ્નિકુંડના મધ્યસ્થાને બેસવું.૩૬
તેમાં સ્નાન કરી પવિત્ર થઇ નિત્યવિધિ કર્યા પછીથી પધારેલા ગુરુએ એ સ્થાનમાં દર્ભનું આસન કે મૃગચર્મ કે ઊનના આસન ઉપર બેસવું.૩૭
શ્વેત વસ્ત્રો ધારણ કરી રહેલા અને ભગવાનના પ્રસાદી ચંદનાદિથી અલંકૃત થયેલા શિષ્યે પણ એવા જ પ્રકારના કોઇ એક આસન ઉપર બેસવું ને સદ્ગુરુને પ્રણામ કરવા.૩૮
તે સમયે ગુરુએ ધોયેલાં બે શ્વેત નવીન વસ્ત્રો શિષ્યને ધારણ કરાવવાં, એના કંઠમાં શોભાયમાન તુલસીની બેવળી કંઠી બંધાવવી.૩૯
તેમજ ગુરુએ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતાં બચેલા કેસરયુક્ત સુગંધીમાન ચંદનથી ઊર્ધ્વપુંડ્ર તિલક શિષ્યને ચાર જગ્યાએ કરાવવાં.૪૦
પછી ગુરુએ ચંદનથી શ્રીકૃષ્ણ ભગવાનના આયુધ સ્વરૂપે રહેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શિષ્યના ડાબા જમણા બાહુમાં અંકન કરાવવું.૪૧
હે પુત્રો ! પછી ગુરુએ ઉત્તર દિશા સન્મુખ બેસી પૂર્વાભિમુખે બે હાથજોડી બેઠેલા શિષ્યના જમણા કાનમાં મંત્રનો ઉપદેશ કરવો.૪૨
તે પણ ગુરુએ સાવધાનપણે હૃદયમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતાં કરતાં ઋષિ આદિકના સ્મરણ સાથે મહાદીક્ષાનો અષ્ટાક્ષરમંત્ર શિષ્યને પ્રદાન કરવો.૪૩
મહામંત્રના ઋષિ આદિકનું સ્મરણ આ પ્રમાણે કરવું, કે આ અષ્ટાક્ષર મંત્રના ઋષિ નારદજી છંદ અનુંષ્ટુપ,દેવતા શ્રીકૃષ્ણ છે.એ શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે હું એમનો જપમાં વિનિયોગ કરું છું.૪૪
(સામાન્ય દીક્ષામાં પણ આ વિનિયોગ કરવો.) ગુરુએ ત્રણ વખત આ મહામંત્રનો શિષ્યના જમણા કાનમાં ઉપદેશ કરી પૂર્વની માફક બેસવું. ત્યારપછી જીવન પર્યંત પાલન કરવા યોગ્ય સર્વે ધર્મોનો શિષ્યને ઉપદેશ કરવો.૪૫
ऊर्ध्वपुण्ड्राणि तुलसीमाले त्वं तात ! धारयेः । नित्यं कुर्या विष्णुपूजां त्रिकालं सकृदेव वा ।। ४६
तत्रोर्ध्वपुण्ड्रं कर्तव्यं सन्ध्यापूजादिकर्मसु । मृदैव सितया वत्स ! गोपीचन्दनसंज्ञाया ।। ४७
अंगुल्यैव च तत्कार्यं दण्डाकारं सुशोभनम् । सच्छिद्रं नासिकामूलाल्ललाटे त्वाकचोदयात् ।। ४८
एवं हृदि च कर्तव्यं पुण्ड्रं बाहुद्वये तथा । द्विजातीनां त्विह प्रोक्तमूर्ध्वपुण्ड्रचतुष्टयम् ।। ४९
हरिमभ्यर्च्य तिलकं कर्तव्यं चन्दनेन च । प्रासादिकेन रुचिरं दृाऽदर्शे सचन्द्रकम् ।। ५०
अथवा चन्द्रकं कुर्याः कुंकुमेन सुशोभनम् । हृदये बाहुयुग्मे च तथा पुण्ड्रं सचन्द्रकम् ।। ५१
ललाटे वासुदेवं च ध्यायन्सङ्कर्षणं हृदि । प्रद्युम्नं चानिरुद्धं च तत्कुर्यास्त्वं भुजद्वये ।। ५२
મહાદીક્ષા પામેલા શિષ્યને ઉપદેશ :- હે પુત્રો ! ગુરુએ ઉપદેશ કરતાં કહેવું કે, હે શિષ્ય ! તમારે ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. ત્રણવખત વિષ્ણુની પૂજા કરવી, અથવા એકવાર કરવી.૪૬
સંધ્યાવંદન પૂજા આદિક કર્મ કરતી વખતે ગોપીચંદન નામની શ્વેત માટીથી ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું.૪૭
એ તિલક દંડના જેવી આકૃતિવાળું, સુશોભીત, મધ્યે અવકાશવાળું ને નાસિકાના મૂળભાગથી આરંભીને કેશ પર્યંત લલાટમાં તર્જની આંગળીથી કરવું.૪૮
એજ રીતે હૃદયમાં તથા બન્ને બાહુમાં ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. આ ઉદ્ધવસંપ્રદાયમાં ત્રણ વર્ણના દ્વિજાતિઓને ચાર જગ્યાએ તિલક કરવાનું શાસ્ત્રમાં કહેલું છે.૪૯
ભગવાનનું પૂજન કર્યા પછી બચેલા પ્રસાદીના ચંદનથી ચાંદલાએ સહિત સુંદર ઊર્ધ્વપુંડ્ર તિલક અરીસામાં જોઇને કરવું.૫૦
અથવા તિલકની મધ્યે ગોળાકાર ચાંદલો કુંકુંમ થી કરવો, તેજ રીતે હૃદય અને બન્ને બાહુમાં પણ ચાંદલાએ સહિત તિલક કરવું.૫૧
તેમાં શ્રીવાસુદેવનો મંત્ર બોલી તેમનું ધ્યાન કરતાં કરતાં ભાલમાં, સંકર્ષણનું ધ્યાન કરતાં હૃદયમાં, પ્રદ્યુમ્નનું ધ્યાન કરતાં જમણા બાહુમાં અને અનિરુદ્ધનું ધ્યાન કરી ડાબા બાહુમાં ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું.૫૨
माले च कण्ठलग्ने द्वे तुलसीकाष्ठजे त्वया । यज्ञापवीतवद्धार्ये सूक्ष्मे नित्यं च पुत्रक ! ।। ५३
हरेः प्रासादिकीं मालां तुलसीकाष्ठजां भवान् । नवीनां धारयेद्यर्हि तदा मन्त्रमिमं पठेत् ।। ५४
तुलसीकाष्ठसम्भूते ! माले ! कृष्णजनप्रिये ! । विभर्मि त्वामहं कण्ठे कुरु मां कृष्णवल्लभम् ।। ५५
यथालब्धोपचारैश्च कर्तव्यं विष्णुपूजनम् । द्रव्याभावे तु मन्त्रेण तत्कार्यं दम्भवर्जितम् ।। ५६
शालग्रामशिलापूजा कर्तव्या ब्राह्मणेन तु । श्रीकृष्णप्रतिमैवार्च्या दीक्षितेनेतरेण तु ।। ५७
पूजनान्ते भगवंतो योऽद्य लब्धो महामनुः । जपनीयो यथाशक्ति स त्वया वाञ्छितार्थदः ।। ५८
यथाशक्ति यथाबुद्धि जपान्तेऽनुदिनं त्वया । कर्तव्यो दशमस्कन्धाध्यायपाठो ह्यनापदि ।। ५९
कालीभैरवभूतादि भये क्वचिदुपस्थिते । श्री नारायणवर्मैव जपेस्त्वं प्रयतः शुचिः ।। ६०
सायं मन्त्रजपश्चापि कर्तव्यः शक्तितस्त्वया । वृथाकालो न नेतव्यो हरिसम्बन्धमन्तरा ।। ६१
विष्णोः कथायाः श्रवणं कीर्तनं ध्यानमर्चनम् । कुर्या नित्यमुदासीनः प्रवृत्तखिलकर्मसु ।। ६२
હે શિષ્ય ! તમારે તુલસીના કાષ્ઠની બેવળી સૂક્ષ્મ કંઠી કંઠમાં નિરંતર યજ્ઞોપવિતની જેમ ધારણ કરવી, નિત્ય ધારણ કરવાનું કારણ કોઇપણ પવિત્ર અપવિત્ર ક્રિયામાં પણ કંઠી કાઢવી નહિ, અને યજ્ઞોપવિતની જેમ કંઠી વિના પગલું પણ ભરવું નહિ.૫૩
તમે જ્યારે ભગવાનની પ્રસાદી કરાવી નવી કંઠી કંઠમાં ધારણ કરો ત્યારે આ મંત્ર બોલવો કે, 'હે તુલસીના કાષ્ઠમાંથી તૈયાર કરવામાં આવેલી માલા ! હે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય ! હું તને મારા કંઠમાં ધારણ કરૂં છું. હું પણ તારી જેમ શ્રીકૃષ્ણ ભગવાનને વ્હાલો થાઉં એમ મારી ઉપર દયા કર.' ૫૪-૫૫
પછી હે શિષ્ય ! જે સમયે જે પ્રાપ્ત થયેલા ચંદન પુષ્પાદિક ઉપચારોથી ભગવાનની પૂજા કરવી, કદાચ ક્યારેક પૂજાને યોગ્ય પદાર્થ ન મળે તો નિર્દંભપણે માત્ર મંત્રનો ઉચ્ચાર કરી પૂજા કરવી.૫૬
હે શિષ્ય ! શાલિગ્રામની પૂજા માત્ર બ્રાહ્મણવર્ણવાળાએ જ કરવી. મહાદીક્ષા પ્રાપ્ત કરી હોય છતાં ક્ષત્રિય અને વૈશ્યે તો શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાનું જ પૂજન કરવું.૫૭
હે શિષ્ય ! આ જે તમને મહામંત્ર આપવામાં આવ્યો છે, તે સમગ્ર મનોવાંછિત અર્થને પૂર્ણ કરનારો છે. તેથી ભગવાનની પૂજા કર્યા પછી તમારે યથાશક્તિ તેનો જપ કરવો.૫૮
અને જપ કર્યા પછી, કોઇ આપત્કાળ ન હોય તો દશમસ્કંધના એક અધ્યાયનો પાઠ કરવો, અને આપત્કાળમાં પાઠનો કોઇ નિયમ નથી.૫૯
ક્યારેક કાલિકા, ભૈરવ, ગ્રહ કે ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો પવિત્ર થઇ સ્વસ્થચિત્તે નારાયણ કવચનો જપ કરવો.૬૦
સાયંકાળે પણ તમારી શક્તિ પ્રમાણે આ મહામંત્રનો જપ કરવો. પરંતુ ભગવાનની કથા વાર્તા આદિકના સંબંધ વિના વ્યર્થ કાળ જવા દેવો નહિ.૬૧
વિષ્ણુ ભગવાનની કથાનું નિરંતર શ્રવણ કરવું, ગુણોનું સંકીર્તન કરવું, ભગવાનનું ધ્યાન, પૂજન, દંડવત્ પ્રણામ વગેરેમાં પ્રવૃત્ત રહેવું. પરંતુ બીજી ક્રિયામાં ઉદાસી રહેવું.૬૨
अनापदि स्पृशेर्नैव सधवामपि योषितम् । प्रासादिकं विना विष्णोर्न पत्रमपि भक्षयेः ।। ६३
निवेदितं यदन्नादि वासुदेवाय तेन च । देवानन्यान् पितंश्चापि यथाकालं यजेद्बवान् ।। ६४
चातुर्मास्योर्जमाघेषु विशेषनियमांश्चरेः । प्रत्यक्षं लवणं त्वं च न गृीयाश्च भोजने ।। ६५
मलोत्सर्गे कटिस्नानमनापदि समाचरेः । विनोदकं न कुर्याश्च मूत्रकर्माप्यनापदि ।। ६६
ब्राह्मे मुहूर्ते निद्रां त्वं सर्वथैव त्यजेः सदा । आदिमं याममुल्लङ्घय शयनं निशि चाचरेः ।। ६७
दशमीष्वथ सर्वासु पारणादिवसेषु च । दिवानिद्रां त्यजेर्विष्णोर्व्रतोत्सवदिनेषु च ।। ६८
दिवा निशि च भुञ्जीथा न दिवा द्विस्तथा निशि । पारतन्त्र्येऽथ रोगादौ द्विर्भुक्तिर्नात्र दुष्यति ।। ६९
प्रेतान्नं नैव भोक्तव्यं संस्कारान्नं तथैव च । आसन्नसम्बन्धिगृहे दोषो नास्ति च तद्बुजौ ।। ७०
હે શિષ્ય ! આપત્કાળ પડયા વિના અન્ય સધવા સ્ત્રીઓનો પણ સ્પર્શ ન કરવો, ભગવાનની પ્રસાદી વિનાનું એક પાંદડું પણ જમવું નહિ.૬૩
અને જળ પણ પીવું નહિ, અન્નાદિ જે કાંઇ હોય તેનું પ્રથમ શ્રીવાસુદેવ ભગવાનને નિવેદન કરીને તે અન્નાદિક વડે ઇતર દેવતાઓનું પૂજન કે પિતૃઓનું તર્પણ કરવું.૬૪
તમારે ચાતુર્માસ, કાર્તિક માસ અને માઘમાસમાં પણ વિશેષ નિયમોનું આચરણ કરવું. ભોજનના પાત્રમાં પ્રત્યક્ષ મીઠું ગ્રહણ કરવું નહિ.૬૫
મળનો ત્યાગ કર્યો હોય ત્યારે કેડ સુધી સ્નાન કરવું, આપત્કાળમાં સ્નાન ન કરે તો તેનો કોઇ બાધ નથી. તેમજ આપત્કાળ પડયા વિના જળ ન હોય તો મૂત્રનો પણ ત્યાગ ન કરવો.૬૬
તમારે સર્વકાળે બ્રાહ્મમુહૂર્તમાં જ નિદ્રાનો સર્વથા ત્યાગ કરી દેવો, રાત્રીનો પહેલો યામ વીતે પછી શયન કરવું.૬૭
સર્વે દશમી, બારસ અને એકાદશી તિથિઓ કે જન્માષ્ટમી આદિ વ્રતના દિવસોમાં દિવસની નિદ્રાનો ત્યાગ કરી દેવો.૬૮
દિવસે એકવાર ભોજન કરવું, અને રાત્રે એકવાર ભોજન કરવું પરંતુ દિવસે બેવાર ભોજન કરવું નહિ, તેમ છતાં રોગાદિ આપત્કાળમાં કે પરતંત્રતાને લીધે રાત્રે કે દિવસે બેવાર ભોજન લેવાય તેનો દોષ નથી. ૬૯
શ્રાદ્ધનું પ્રેતાન્ન જમવું નહિ, સંસ્કાર નિમિત્તે અપાતું અન્ન જમવું નહિ, પરંતુ સમીપના સંબંધીના ઘેર પ્રેતાન્ન કે સંસ્કારનું અન્ન જમવામાં દોષ નથી.૭૦
धर्मशास्त्रेण विहितान्स्वधर्मानितरानपि । पालयन्सर्वकालं त्वं कृष्णभक्तिं समाचरेः ।। ७१
चिद्रूप आत्मा विज्ञोयः साक्ष्यवस्थात्रयस्य च । देहेन्द्रियमनः प्राणबुद्धयादीनां प्रकाशकः ।। ७२
न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ।। ७३
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।। ७४
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ।। ७५
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते । ज्ञातव्यो ब्रह्मरूपोऽयं सच्चिदानन्दलक्षणः ।। ७६
आत्मना ब्रह्मरूपेण विशुद्धेनाक्षरेण च । कृष्णमेव परं ब्रह्म हृत्पद्मे चिन्तयेः सदा ।। ७७
सन्त एव सदा सेव्यास्तदुक्ता नियमास्तथा । पालनीयाः प्रयत्नेन ब्रह्मचर्यादयस्त्वया ।। ७८
सर्वात्मना श्रितः कृष्णं त्वमसि ह्यम्बरीषवत् । अत आत्मनिवेदीति ख्यातो भुवि भविष्यसि ।। ७९
હે શિષ્ય ! ધર્મશાસ્ત્રે પ્રતિપાદન કરેલા દાન, તીર્થાટન, સેવા આદિક ઇતર સ્વધર્મોનું પણ પાલન કરવું, ને સર્વકાળે શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી.૭૧
પોતાના આત્માને ચૈતન્ય સ્વરૂપ અને જાગ્રતાદિ ત્રણે અવસ્થાનો સાક્ષી જાણવો અને ત્રણ શરીર, નેત્રાદિ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને પ્રાણ તેનો પ્રકાશક જાણવો.૭૨
આ જીવાત્મા ક્યારેય જન્મતો નથી ને મરતો પણ નથી. આત્મા કલ્પની આદિમાં ઉત્પત્તિ પામે અને કલ્પના અંતે ભવિષ્યમાં મરે એવો નથી. એતો સદાય અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે, તેથી શરીરના હણવે કરીને આત્મા હણાતો નથી.૭૩
શસ્ત્રો તેને કાપી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી. જળ ભીંજાવી શકતું નથી, પવન તેને સૂકાવી શકતો નથી.૭૪
તેથી આ આત્મા અછેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય કહ્યો છે. તે નિત્ય છે, કર્મને અનુસારે સર્વ જગ્યાએ ગતિ કરે છે. સ્થિર, અચળ અને સનાતન છે.૭૫
અવ્યક્ત, અચિંત્ય અને અવિકારી આ આત્મા કહેલો છે. આ આત્મા બ્રહ્મરૂપ, સત્, ચિત્ ને આનંદરૂપ લક્ષણવાળો જાણવો.૭૬
હે શિષ્ય ! આવા હૃદયકમળમાં રહેલા પોતાના આત્માને વિષે વિશુદ્ધ અક્ષરબ્રહ્મની ભાવના કરી તેમાં નિત્યે પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું ચિંતવન કરવું.૭૭
તમારે સર્વદા સંતોની સેવા કરવી, તથા તે સંતોએ બતાવેલા બ્રહ્મચર્યાદિ નિયમોનું પ્રયત્ન પૂર્વક પાલન કરવું.૭૮
અને તમે પણ અંબરીષ રાજાની પેઠે સર્વપ્રકારે શ્રીકૃષ્ણ ભગવાનના આશ્રિત થયા હોવાને કારણે પૃથ્વી પર આત્મનિવેદી ભક્ત કહેવાશો.૭૯
इत्याज्ञां शिरसादाय शिष्यः सम्पूज्येद्गुरुम् । वस्त्रैश्चन्दनपुष्पैश्च यथाशक्ति धनेन च ।। ८०
गोभूहिरण्यविपिनमश्ववाटी गृहं च वा । अक्लेशादन्नवस्त्रादि स्वशक्तयागुरवेऽर्पयेत् ।। ८१
ततश्चन्दनपुष्पाद्यैरन्नैर्दक्षिणया च सः । साधूनन्यांश्च विप्रांश्च पूजयित्वाभिवादयेत् ।। ८२
दीक्षितं तं ततो ब्रूयाद्विधिज्ञाः स द्विजोत्तमः । भद्रं तेऽस्तु महाभाग ! धन्योऽसि कुलपावनः ।। ८३
प्रसादात्सद्गुरोरेव त्वन्मनोरथपादपः । भविष्यत्येव सफलः परं सुखमवाप्स्यसि ।। ८४
सुखमूलं हि विज्ञानं तत्तु लभ्येत सद्गुरोः । ततस्तमेव सेवेत मुमुक्षुः संयतेन्द्रियः ।। ८५
असङ्कल्पाज्जयेत्कामं क्रोधं कामविवर्जनात् । अर्थानर्थेक्षया लोभं भयं तत्त्वावमर्शनात् ।। ८६
आन्वीक्षिक्या शोकमोहौ दम्भं महदुपासया । योगान्तरा यान्मौनेन हिंसां कायाद्यनीहया ।। ८७
कृपया भूतजं दुःखं दैवं जह्यात्समाधिना । आत्मजं योगवीर्येण निद्रां सत्त्वनिषेवया ।। ८८
रजस्तमश्च सत्त्वेन सत्त्वं चोपशमेन च । एतत्सर्वं गुरौ भक्तया पुरुषो ह्यञ्जसा जयेत् ।। ८९
ઈશ્વરબુધ્ધિથી ગુરુસેવનના પ્રતાપે પ્રાપ્ત થતા ગુણોનું વર્ણન :- ભગવાન શ્રીહરિ કહે છે, હે પુત્રો ! આ પ્રમાણે ગુરુ ઉપદેશ કરે તેને શિષ્ય પોતાના મસ્તક પર ધારણ કરે ને પછી વસ્ત્રો, ચંદન, પુષ્પ, ધન, આદિકથી પોતાની શક્તિ પ્રમાણે ગુરુનું પૂજન કરે.૮૦
ગાય, પૃથ્વી, સુવર્ણ, આંબાનું વન, અશ્વ, વાડી, ઘર અને અન્નવસ્ત્રાદિક જે કાંઇ હોય તે કલેશ પામ્યા વિના પોતાની શક્તિ પ્રમાણે ગુરુને અર્પણ કરે.૮૧
પછી દીક્ષા પામેલો શિષ્ય ચંદન પુષ્પાદિકે કરીને તથા અન્નદક્ષિણાદિકવડે સાધુ તથા બ્રાહ્મણોનું યથાયોગ્ય પૂજન કરી તેમને નમસ્કાર કરે. પછી વિધિને જાણનારા ને દીક્ષાવિધિકર્મમાં વરેલા બ્રાહ્મણે તે દીક્ષા પામેલા શિષ્યને કહેવું કે, હે મહાભાગ ! તમારું કલ્યાણ થાઓ. તમે ધન્ય છો, કૃતાર્થ છો, તમે તમારા કુળને પાવન કર્યું છે.૮૩
આ સદ્ગુરુની કૃપાથી તમારા સર્વે મનોરથો સફળ થશે, તમે પરમ સુખને પામશો.૮૪
સુખનું મૂળ તો શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન છે. એ વિજ્ઞાન સદ્ગુરુના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તેથી ઇન્દ્રિયોમાં સંયમ કેળવી મુમુક્ષુ શિષ્યે ગુરુનું સેવન કરવું જોઇએ.૮૫
શિષ્ય ગુરુ થકી પ્રાપ્ત થયેલા ભગવાનના માહાત્મ્યના જ્ઞાને કરીને સ્ત્રી આદિકના સંકલ્પો ટળી જતાં કામ ઉપર વિજય મેળવે છે, તેથી વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને તેણે કરીને ક્રોધ ઉપર વિજય મેળવે છે. ધનમાં પંદર અનર્થોનું દર્શન કરવાથી લોભ ઉપર વિજય મેળવે છે. બ્રહ્મની સાથે પોતાની એકાત્મતારૂપ તત્ત્વનો વારંવાર વિચાર કરવાથી ભય ઉપર વિજય મેળવે છે.૮૬
આત્મા-અનાત્માના વિવેકનો વિચાર કરવાથી શોક અને મોહ ઊપર વિજય મેળવે છે.મહાપુરુષોના સેવનથી દંભ ઉપર વિજય મેળવે છે. ભક્તિયોગમાં અંતરાય કરતા અવરોધો ઉપર મૌનથી વિજય મેળવે છે. કાયા આદિકની ચંચળતા છોડી પરપીડનરૂપ હિંસા ઉપર વિજય મેળવે છે.૮૭
મનુષ્યાદિ ભૂત પ્રાણીમાત્ર થકી આવતા દુઃખને તેમના ઉપર કૃપાદૃષ્ટિ વરસાવી વિજય મેળવે છે. વૃથા મનની પીડા આદિ દૈવ દુઃખને મનને સમાધિથી આત્મ સ્વરૂપમાં સ્થિર કરી છોડી દે છે. પ્રાણાયામ આદિ યોગના બળથી પોતાના દૈહિક દુઃખનો ત્યાગ કરે છે. સાત્વિક આહાર કરી નિદ્રાનો ત્યાગ કરે છે.૮૮
સત્ત્વગુણની વૃત્તિ કેળવી રજોગુણ અને તમોગુણ ઉપર વિજય મેળવે છે. અને આત્મસ્વરૂપમાં ઉપશમ સ્થિતિ પ્રાપ્ત કરવા પૂર્વક તેના સંકલ્પનો ત્યાગ કરી સત્ત્વગુણ ઉપર વિજય મેળવે છે. ઉપરોક્ત સર્વે ગુણો મુમુક્ષુ શિષ્ય ગુરુને વિષે ઇશ્વરબુદ્ધિ રાખી તેની કાયા, મન, વાણીથી સેવા કરે તો સરળતાથી મેળવી શકે છે.૮૯
यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः ।। ९०
भजस्व परया भक्त्या ततस्त्वं गुरुमीश्वरम् । एवमुक्त्वा देवतानां द्विजः कुर्याद्विसर्जनम् ।। ९१
हैमीं सोपस्करां मूर्तिमन्नं वस्त्रादि दक्षिणाम् । तस्मै दद्याच्च विप्राय शिष्योऽसौ कर्मकारिणे ।। ९२
दीक्षादानदिने शिष्यो न गुरुश्चाप्युपावसेत् । एकादशीव्रतादौ तु फलाद्याहारमाहरेत् ।। ९३
सामान्यां महतीं वापि गृीयादौद्धवीं तु यः । दीक्षामेतां स्वशक्त्याऽसौ साधून्विप्रांश्च भोजयेत् ।। ९४
दीक्षामेवं हि सम्प्राप्य धर्मानेकान्तिनां गृही । स्वाश्रमस्थोऽभ्यसेन्नित्यं तीर्थसेवापरायणः ।। ९५
तीर्थान्यपि द्विधा सन्ति स्थावराणि जगन्ति च । आद्यानि गङ्गामुख्यानि तत्रान्यानि च साधवः ।। ९६
स्थावराणि तु सेवेत स्नानदर्शनवन्दनैः । जगन्ति तत्कथाश्रुत्या दर्शनार्चनभोजनैः ।। ९७
જે શિષ્યને જેવી પરમેશ્વર એવા દેવને વિષે સર્વોત્કૃષ્ટ ભક્તિ છે, તેવી જ ભક્તિ ગુરુને વિષે થાય છે, ત્યારે ઉદાર મનવાળા તે શિષ્યને વિષે પૂર્વે કહ્યા જે કામાદિક ઉપર વિજયરૂપ ગુણો તે આપો આપ પ્રકાશે છે. અર્થાત્ તે શિષ્યમાં ઉત્પન્ન થાય છે.૯૦
તેથી હે શિષ્ય ! તમે પણ ગુરુરૂપ પરમેશ્વરની સર્વોત્તમ ભાવથી ભક્તિ કરો. આ પ્રમાણે પૂજન કરાવનારા વિપ્રે ઉપદેશ કરી સ્થાપિત દેવતાઓનું વિસર્જન કરાવવું.૯૧
હે પુત્રો ! ત્યારપછી દીક્ષાવિધિ કરાવનારા બ્રાહ્મણને શિષ્યે સમસ્ત ઉપકરણોની સાથે ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણની પ્રતિમા, અન્ન, વસ્ત્ર, તેમજ દક્ષિણા અર્પણ કરવી.૯૨
ગુરુએ અને શિષ્યે દીક્ષા આપવાના દિવસે ઉપવાસ ન કરવો. જો એકાદશી આદિક વ્રતનો દિવસ હોય તો પણ ફલાહારનો આહાર કરવો.૯૩
જે શિષ્ય ઉદ્ધવસંપ્રદાયની સામાન્ય કે મહાદીક્ષા આચાર્ય પાસેથી સ્વીકારે તે દિવસ સાધુ અને બ્રાહ્મણોને પોતાની શક્તિ અનુસાર ભોજન કરાવે.૯૪
આ પ્રમાણે મહાદીક્ષાને પ્રાપ્ત કરી ગૃહસ્થે પોતાના ગૃહસ્થાશ્રમમાંજ રહીને તીર્થો પ્રત્યે સેવા પરાયણ રહીને એકાંતિક ધર્મોનો અભ્યાસ કરવો.અર્થાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાનો અભ્યાસ કરવો.૯૫
તીર્થોની સેવા પરાયણ રહેવાનું કહ્યું, તેમાં તીર્થો બે પ્રકારના છે. એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ. તેમાં સ્થાવર તીર્થ દ્વારિકા, ગંગાઆદિક છે. અને સંતપુરુષો જંગમ તીર્થ છે.૯૬
સ્નાન, દર્શન, પૂજન તેમજ વંદનથી તે સ્થાવર તીર્થોનું સેવન કરવું, અને સંતોના મુખથી ભગવાનની કથા સાંભળવી, સંતોનાં દર્શન કરવાં, સંતોને જમાડવા, વસ્ત્રો અર્પણ કરવાં, તેમની ચરણચંપી કરવી આદિકથી તે જંગમ તીર્થોનું સેવન કરવું.૯૭
त्रैवर्णिकस्य गृहिणः प्रोक्त इत्थं विधिर्मया । दीक्षाया अथ शूद्रस्य विशेषः कश्चिदुच्यते ।। ९८
दीक्षां जिघृक्षुं सच्छूद्रमाचार्यः पूर्ववासरे । उपोषणं कारयित्वा कारयेत् कृष्णपूजनम् ।। ९९
मन्त्राः पौराणिकाः पाठयास्त क्वापि न वैदिकाः । श्रीकृष्णाय नम इति होमे पाठयः षडक्षरः ।। १००
स्वाहाकारो न वक्तव्यं शूद्रस्यानधिकारतः । तमङ्कयित्वोपदिशेदष्टवर्णं मनुं गुरुः ।। १०१
गृहस्थविहितान् र्मांस्ततस्तस्मा उपादिशेत् । शूद्राणां विधिरित्युक्तो वच्म्यनाश्रमिणोऽथ तम् ।। १०२
હે પુત્રો ! આ પ્રમાણે મેં ત્રણ વર્ણના ગૃહસ્થો માટે મહાદીક્ષાનો વિધિ કહ્યો, હવે સત્શૂદ્રના મહાદીક્ષાવિધિમાં જે વિશેષતા છે તે જણાવું છું.૯૮
અસત્શૂદ્રને મહાદીક્ષાનો અધિકાર નથી. પરંતુ મહાદીક્ષા લેવા ઇચ્છતા સત્શૂદ્રને આચાર્યે આગલા દિવસે ઉપવાસ કરાવી શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરાવવું . ૯૯
તેમાં પુરાણોક્ત મંત્રોનો પાઠ કરવો. પરંતુ કદાપિ વેદોક્ત મંત્રોનો પાઠ ન કરવો. હોમ કર્મમાં શ્રીકૃષ્ણાય નમઃ, એવા ષડાક્ષર મંત્રનો પાઠ કરવો.૧૦૦
વેદમાં અનધિકારી હોવાથી શૂદ્રના દીક્ષાવિધિમાં સ્વાહાકારનું ઉચ્ચારણ ન કરવું. ત્યારપછી ગુરુએ સત્શૂદ્ર શિષ્યને ભગવાનના આયુધ ચક્ર, અને શંખની ચંદનની છાપો આપવી ને ડાબા કાનમાં અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો.૧૦૧
પછી ગૃહસ્થાશ્રમમાં પાલન કરવા યોગ્ય શાસ્ત્રોક્ત ધર્મનો ઉપદેશ કરવો. હે પુત્રો ! આ પ્રમાણે મેં સત્શૂદ્રોના મહાદીક્ષાનો વિધિ પણ કહ્યો ને હવે તમને જેમનો કોઇ આશ્રય જ નથી એવા પુરુષો માટે મહાદીક્ષા પ્રદાનનો વિધિ કહું છું.૧૦૨
दीक्षामिमां ये गृहिणो गृहीत्वा भजन्ति कृष्णं निजधर्मसंस्थाः । ते पूरुषास्त्यागिजनैः समाना ज्ञोया इहामुत्र च भूरिसौख्याः ।। १०३
મહાદીક્ષા ગ્રહણનું ફળ :- હે પુત્રો ! જે ગૃહસ્થ પુરુષો આ મહાદીક્ષાનો સ્વીકાર કરી પોતાના ધર્મમાં રહી શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરે છે, તે પુરુષોને ગૃહસ્થ હોવા છતાં પણ ત્યાગાશ્રમમાં રહેલા સાધુપુરુષો સમાન જાણવા. તે આલોક તથા પરલોકમાં મહાસુખના ભાગીદાર છે, એમ જાણવું.૧૦૩
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे दीक्षाविधौ गृहस्थानां महादीक्षाग्रहणविधिनिरूपणनामाष्टचत्वारिंशोऽध्यायः ।। ४८ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ કહેલા દીક્ષાવિધિમાં ગૃહસ્થો માટે મહાદીક્ષા ગ્રહણનો વિધિ કહ્યો એ નામે અડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૮--